આણંદ : રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇમાં આણંદના 16 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયાં હોવાની ફરિયાદ સાંસદ મિતેશભાઈ પટેલને મળી છે. આથી, તેઓએ આ મામલાને ગંભીરતાથી લઇ તાત્કાલિક કેન્દ્ર સરકારને જાણ કરતાં તમામને હેમખેમ પરત લાવવા ચક્રોગતિમાન કર્યાં છે. જોકે, આ 16 વિદ્યાર્થીના પરિવારજનો હાલની સ્થિતિથી ખૂબ જ ચિંતિત બની ગયાં છે. આ અંગે સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, યુક્રેનમાં ફસાયેલા આણંદના ત્રણ જેટલા વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોલ દ્વારા વાતચીત થઇ શકી છે.
જેઓ દ્વારા ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી કેન્દ્ર સરકાર દ્વારા યુક્રેન નજીકના રોમાનીયા, હંગેરી અને પોલેન્ડ જેવા દેશોના બોર્ડર પર તૈનાત કરાયેલા ઇમિગ્રેશન ઓફિસરને મળવા જણાવવામાં આવ્યું છે. જે અંગેની એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે. જે મુજબ તમામ ભારતીય નાગરિકોને યુક્રેનની બોર્ડર ક્રોસ કરવાથી લઇ ભારત પરત મોકલવા સુધીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અલબત્ત, યુક્રેન ફસાયેલા યુવકોના પરિવારજનો ભારે ચિંતિત છે. તેઓ સતત ફોરેન મિનિસ્ટ્રીના સંપર્કમાં રહી ઝીણામાં ઝીણી વિગતો મેળવી રહ્યાં છે. બીજી તરફ સાંસદ કાર્યાલય પણ સતત ધમધમતુ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ ગયા મહિને બે વિદ્યાર્થીને સાંસદની મદદથી પરત ચરોતર લાવવામાં આવ્યાં હતાં.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ
ॼ નાયક નીલ ધર્મેન્દ્રકુમાર (મોગરી) ॼ સોની નમન હર્ષદભાઇ (પેટલાદ) ॼ પટેલ જીલકુમાર અરવિંદભાઇ (ખાનપુર) ॼ લીંબાચિયા વિરલકુમાર જીતેન્દ્રભાઇ (ખંભાત) ॼ પંચાલ નીલકુમાર રશ્મિકાંત (આણંદ) ॼ જાદવ ધીરલબેન હર્ષદકુમાર ॼ જાદવ ધ્રુવિબેન હર્ષદકુમાર ॼ પનોત વેનેસા મનીષકુમાર ॼ કામદાર પ્રાપ્તિ જયેશભાઇ ॼ ચેલ્સી રાઠોડ ॼ પટેલ ઓમ રશ્મિકાંત (ગામડી) ॼ પટેલ અમન મહેશભાઇ (ઉમરેઠ) ॼ ત્રિવેદી હર્ષિલ શૈલેષભાઇ (મોરડ) ॼ રાણા પાર્થ શનાભાઇ (ખેડા) ॼ પારેખ ધ્રુમિલ દશરથભાઇ (ખેડા)
ચિંતિત પરિવારે ટીવી જ જોવાનું બંધ કરી દીધું
રશિયા – યુક્રેન વચ્ચેના યુધ્ધને કારણે ત્યાં ફસાઈ ગયેલા હર્ષિલ ત્રિવેદીનો પરિવાર હાલ યુધ્ધની પરિસ્થિતિને લઈ ખૂબ ચિંતિત છે. ટીવી અને પ્રસાર માધ્યમોમાં સતત યુધ્ધના સમાચાર ચાલતા હોઈ પરિવારે હાલ ટીવી જોવાનું પણ બંધ કરી દીધું છે. યુક્રેનમાં ફસાયેલા પુત્ર સહિત અન્ય ભારતીયોને પરત લાવવા ઝડપી વ્યવસ્થા કરવા પરિવાર દ્વારા સરકારને વિનંતી કરાઈ રહી છે અને ભગવાનને પ્રાર્થના પણ કરાઈ રહી છે. આ તબક્કે હર્ષિલના પિતા શૈલેષભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હર્ષિલ છેલ્લા પાંચ મહિનાથી ત્યાં રોજગાર અર્થે ત્યાં ગયો હતો.ખૂબ મોટા સ્વપ્નો લઈને ત્યાં પહોંચ્યો હતો અને કામે પણ લાગી ગયો હતો.પરંતુ હાલ યુધ્ધની પરિસ્થિતિ નિર્માણ થતા ત્યાં ફસાઈ ગયો છે.પ્રતિદિન બગડતી યુધ્ધની સ્થિતિએ અમોને ચિંતામાં મૂકી દીધા છે. અમે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલને રજૂઆત કરી છે.સાંસદ દ્વારા હર્ષિલ સાથે વાત કરી ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને યોગ્ય મદદની ખાતરી આપી છે.