ગાંધીનગર: મોરબી (Morbi) કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજ્યના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે નવા સચિવાલય, (New Secretariat) ગાંધીનગર (Ghandhi Nagar) ખાતે શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા યોજાઇ હતી. આ પ્રાર્થનાસભામાં મુખ્ય સચિવ પંકજકુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ અને કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને દિવંગતના આત્માઓને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નવા સચિવાલય ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં સર્વધર્મ પ્રાર્થના તેમજ વૈદિક મંત્રોનું પઠન કરવામાં આવ્યું હતું.
આજે વિવિધ સ્થળોએ પ્રાથર્નાસભાનું આયોજન કરવામાં આવ્યું
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિન્હૃ તરીકે રાજ્ય સરકાર દ્વારા તા.૦૨ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે ગુજરાતના તમામ ગામડાઓ, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં આજે વિવિધ સ્થળોએ પ્રાથર્નાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી દુર્ઘટના: રાજયભરમાં સરકારી કચેરીએ રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો
ગાંધીનગર: મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની દુર્ધટનાના પગલે મૃતકોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવા માટે આજે રાજયભરમાં સરકારી કચેરીએ રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામા આવ્યો હતો. આજે ગાંધીનરમાં જુદી જુદી સરકારી ઓફિસોના પટાંગણમાં કર્મચારીઓ તથા સીનીયર અધિકારીઓ એકત્ર થયા હતા. એટલું જ નહીં શાંતિ પાઠ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાઉનહૉલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની દુર્ધટનામાં 136 જેટલા લોકોનું મૃત્યુ થયુ છે
AMC દ્વારા આયોજિત આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ટાગોર હૉલમાં ભાવભીનો માહોલ છવાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના દિવંગતોના શોકમાં આજે ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે. અમદાવાદના ટાઉન હૉલ ખાતેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અમદાવાદ શહેર મેયર કિરીટભાઇ પરમાર , સાંસદો તથા ધારાસભ્યો સહિત સામાજીક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહયા હતા. મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની દુર્ધટનામાં 136 જેટલા લોકોનું મૃત્યુ થયુ છે. જયારે હજુયે બે વ્યકિત્તઓ લાપત્તા છે.