રાજસ્થાન પરથી સરકીને આવેલી અપર એર સાયકલોનિક સરક્યૂલેશનની સિસ્ટમની અસર હેઠળ ફરીથી ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં 31 તાલુકાઓમાં હળવો વરસાદ થયો છે. જેમાં નર્મદાના સાગબારામાં એક ઈંચ વરસાદ થયો હતો. જયારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજયમાં 36 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. જે પૈકી ખેડાના મહેમદાવાદમાં 17 મીમી અને રાજકોટ તાલુકામાં 15 મીમી અને વેરાવળમાં 14 મીમી વરસાદ થયો હતો. રાજયમાં સરેરાશ અત્યાર સુધીમાં 36.39 ટકા વરસાદ થયો છે. જે પૈકી જેમાં કચ્છમાં 31.74 ટકા , ઉત્તર ગુજરાતમાં 31.20 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 34.72 ટકા , સૌરાષ્ટ્રમાં 33.80 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 40.24 ટકા વરસાદ થયો છે.
હવામાન વિભાગના કહેવા મુજબ રાજયમાં આગામી પાંચ દિવસ દરમ્યાન વરસાદી ઝાપટાં આવશે. જો કે તા.17મી ઓગસ્ટથી ચોમાસુ સક્રિય થશે. જેમાં ખાસ કરીને 17મી ઓગસ્ટ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ફરીથી સારો વરસાદ થશે તેમ હવામાન વિભાગે કહ્યું છે. હાલમાં રાજયમાં 46 ટકા વરસાદની ઘટ છે.વરસાદના અભાવે રાજયપર જળ સંકટ ઊભુ થવાના એઁધાણ દેખાઈ રહ્યાં છે.
રાજયમાં ચાલુ વર્ષે અંદાજિત 75.73 લાખ હેકટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું છે. ગત વર્ષે આ જ સમયગાળામાં 74.92 લાખ હેકટરમાં વાવેતર થયુ હતું.આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ જોતા 88.52 ટકા વાવેત થઈ ચૂકયુ છે. જો કે, વરસાદ નહીં આવતા રાજય સરકારે ડે – જળાશયોમાંથી 5 લાખ હેકટર જમીનને ખેતી માટે પાણી મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 6 જળાશયોમાંથી 1 લાખ 90 હજાર હેકટર જમીનને સિંચાઈ માટે પાણી મળશે.