સુરત: ભારત (India)માંથી ફેબ્રિક્સ નિકાસને પ્રોત્સાહન મળે અને આગામી વર્ષોમાં ભારતે નક્કી કરેલા 400 બીલિયન ડોલરના લક્ષ્યાંકને પહોંચી શકાય તે માટે નિકાસકારોને પ્રોત્સાહિત કરવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દેશના નિકાસકારો સાથે 6 ઓગસ્ટના રોજ સાંજે 75 મિનીટ સુધી વર્ચુએલ મીટિંગ (Virtual meeting)કરી પરિસ્થિતિનો તાગ મેળવશે. આ મીટિંગમાં જીજેઈપીસી (GJEPC) અને એસઆરટીઈપીસી (SRTPC)ના નેતૃત્વમાં શહેરના હીરા, કાપડ સહિત વિવિધ ક્ષેત્રના અંદાજે 25 જેટલાં નિકાસકારો વડાપ્રધાન સાથેની ચર્ચામાં ભાગ લેશે.
વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ 2024-25 સુધીમાં ઇકોનોમી ને આગળ વધારવા માટે નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાયુ છે. દેશની ઇકોનોમીને બુસ્ટ આપવા નિકાસનો લક્ષ્યાંક 400 બિલીયીન ડોલર રાખવામાં આવ્યો છે. જો કે, કેટલાક પરિબળોને લીઘે નિકાસકારોને સમસ્યા ઉદ્ભવી રહી છે. નિકાસ સંબંધિત કેટલાક નિયમો અને કોરોના મહામારીના લીધે વૈશ્વિક આર્થિક સંકટ ઉભું થયું છે. વૈશ્વિક બજારોની નિરસતા સાથે સ્થાનિક નિકાસકારોને અનેક ટેકનિકલ અને પરિવહન સંબંધિત મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે નિકાસકારોને એક મંચ પર સાંભળી તેઓની મુશ્કેલીનો નિવેડો લાવી તેઓને પ્રોત્સાહીત કરવાના હેતુથી તા. 6 ઓગસ્ટના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વંય દેશભરના નિકાસકારો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે.
જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ આ અંગે કહ્યું કે, જીજેઈપીસીની સ્થાનિક કચેરી ખાતે 8થી 10 હીરાના મોટા ઉદ્યોગકારો ભેગા થઈ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લેશે. બિલ ઓફ એન્ટ્રી અપલોડ થવાના ઈશ્યુ વડાપ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવશે. એસઆરટીઈપીસી (ધી સિન્થેટિક રેયોન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના ચેરમેન ધીરુ શાહે કહ્યું કે, કાપડ ઉદ્યોગ નિકાસ સંબંધિત અનેક સમસ્યાઓથી ગ્રસ્તિ છે, તે પૈકી કેટલાંક મુદ્દા વડાપ્રધાનના ધ્યાન પર લાવવા પ્રયાસ કરવામાં આવશે. જેમાં મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ ફ્રોમ ઈન્ડિયા સ્કીમ હેઠળ પોણા બે વર્ષથી સબસીડી અટકી પડી છે તે રિલીઝ કરવા, ઈન્ટરેસ્ટ ઇક્વિલાઈઝેશન સ્કીમ ફરી શરૂ કરવા માટે રજૂઆત કરાશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં સુરતના કાપડ ઉદ્યોગકારો વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટિ ડમ્પિંગ સબસીડી નહીં નાખવા માટે રજૂઆત કરી રહ્યા છે. સચિન ઇન્ડસ્ટ્રિયલ એસોસિયશનના પૂર્વ સેક્રેટરી મયૂર ગોળવાલાએ જણાવ્યું હતું કે જો તેના પર ડ્યૂટી નાખવામાં આવે તો નિકાસ પર અસર પડી શકે છે. માટે તે મુદ્દો પણ ધ્યાનમાં લેવો જોઇએ.