નવી દિલ્હી : દુનિયાના અગ્રણી મેડિકલ સામયિક લાન્સેટ (THE LANCET)ના આજના તંત્રીલેખ (EDITORIAL)માં ભારતની કોરોનાવાયરસની હાલની કટોકટી (CORONA CRISIS) માટે નરેન્દ્ર મોદીની સરકાર (MODI GOVT)ની કાર્ય પદ્ધતિની આકરી ટીકા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે મોદી સરકારે આ જાતે નોંતરેલી હોનારત છે.
વિશ્વભરના તબીબી આલમમાં વ્યાપક પ્રતિષ્ઠા ધરાવતા આ મેડિકલ જર્નલમાં ભારતના કોરોનાવાયરસના રોગચાળાને હાથ ધરવાની મોદી સરકારની નીતિઓની આકરી ટીકા કરતા કહેવામાં આવ્યું છે કે આ બાબતમાં મોદી સરકારના પગલાઓ અક્ષમ્ય છે અને કહેવાયું છે કે ભારત હવે કઇ રીતે આ કટોકટીમાંથી બહાર આવે છે તે બાબત હવે મોદી સરકાર પોતાની ભૂલો સ્વીકારીને, તે સુધારીને કઇ રીતે આગળ વધે છે તેના પર આધારિત છે.
રોગચાળા દરમ્યાન ભારતની મોદી સરકારે ટીકાઓનો અવાજ રૂંધી નાખવાનો પ્રયાસ કર્યો અને ખુલ્લી ચર્ચા થવા દીધી નહી. ભારત કોવિડ-૧૯ને કાબૂમાં લેવામાં શરૂઆતમાં જે સફળતા મેળવી હતી તે બાદમાં જાતે જ ધોઇ નાખી. કેટલાક મહિનાઓ સુધી નીચા કેસ દેખાયા તેનાથી સરકારે એવી છાપ ઉભી કરવાનો પ્રયાસ કર્યો કે પોતે કોરોનાના રોગચાળાને હરાવ્યો છે અને બીજું મોજું આવવાની વારંવારની ચેતવણીઓને અવગણી અને નવો સ્ટ્રેઇન ઉદભવી રહ્યો હોવાની ચેતવણીને પણ અવગણી એમ લાન્સેટે કહ્યું છે. ભારતમાં માર્ચમાં કોરોનાના કેસો ફરી વધવા માંડયા તેના પહેલા ભારતના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન જાહેર કરી ચુક્યા હતા કે ભારત રોગચાળાનો ખેલ ખતમ કરવાની તૈયારીમાં છે એ વાતની નોંધ લાન્સેટ જર્નલે લીધી છે.
ભારત સરકારે મોટા ધાર્મિક અને રાજકીય મેળાવડાઓ પણ વાયરસ ફેલાવાના ભય છતાં થવા દીધા અને આવી ભૂલોને કારણે ભારતમાં છેવટે ભયંકર સ્થિતિ ઉભી થઇ. મોદી સરકાર હવે ભૂલો સ્વીકારીને જવાબદાર અને પારદર્શી નેતાગીરી પુરી પાડે તે જરૂરી છે એમ લાન્સેટના તંત્રીલેખમાં કહેવાયું છે.