Gujarat Main

પીએમ મોદીના હસ્તે ગાંધીનગરમાં નવા રેલવે મથક સહિત પાંચ વિકાસ પ્રોજેકટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીથી ગુજરાતના પાંચ વિકાસના પ્રોજેકટનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. જેમાં નવિનીકરણ પામેલા ગાંધીનગરના રેલવે મથક, રેલવે મથકના પ્લેટફોર્મ પર બનેલી ફાઈવ સ્ટાર હોટેલ, સોલા સાયન્સ સિટીમાં એકવાટિક – રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક તેમજ ગાંધીનગરથી વરેઠા (તારંગા હિલ્સની નજીકમાં) અને ગાંધીનગરથી વારણસીની સીધી ટ્રેનને લીલીઝંડી પણ આપી હતી. આ સમારંભમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને સીએમ વિજય રૂપાણી, કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રિય ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, જે સી.એમ. નીતિન પટેલ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ તથા અન્ય મહાનુભાવો પણ વર્ચ્યુઅલ સમારંભમાં જોડાયા હતા.

પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે સામાન્ય નાગરિકને ગાંધીનગરના રેલવે મથક પર એરપોર્ટ જેવી સુવિધા વિકસાવીને આપવામાં આવી છે. જેમાં મહિલાઓ અને બાળકોનું તો ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ રેલવે મથક એક ઈકોનોમિક એક્ટિવિટિનું હબ બનશે. તેમણે જણાવ્યું હતું કે, દેશનું લક્ષ્ય માત્ર ‘કોંક્રીટ’ના માળખાઓ ઉભા કરવાનું જ નથી, કિન્તુ આ માળખાઓની સાથે ‘કેરેક્ટર’ – નવતર ચારિત્ર્યને જોડવાનું પણ છે. પૂર્વે ‘અર્બન ડેવલપમેન્ટ’ ના નામે જે કંઈ થયું તેને છોડીને આપણે ઘણા આગળ વધ્યા છીએ. અમદાવાદમાં સાબરમતીના કાંઠે ‘લેક ડેવલપમેન્ટ ફ્રન્ટ’, સી-પ્લેન કે ઓપન જિમ્નેશિયમ કે કાંકરિયાની ફરતે અવનવા આકર્ષણો અંગે ક્યારેય કોઈ અમદાવાદીએ વિચાર્યું હશે ? આજે અમદાવાદ અને ગુજરાતના લોકો માટે આ નવા આકર્ષણો બન્યા છે, તેણે સમગ્ર સમગ્ર ‘ઇકો-સિસ્ટમ’ બદલી નાખી છે !

આ પ્રસંગે ‘સાયન્સ સિટી’ ખાતે તૈયાર થયેલા ત્રણ નવા પ્રકલ્પો બાળકોને ‘રિક્રિએશન’ની સાથે ‘ક્રિયેટિવ’ બનાવશે અને બાળકો તથા યુવાઓને વિજ્ઞાનમાં અભિરુચિ કેળવવાની દિશામાં અગ્રેસર પણ બનાવશે. અહીંના રોબોપાર્ક અને નેચર પાર્ક બાળકોના આકર્ષણનું કેન્દ્ર તો બનશે જ, સાથે-સાથે દેશની પ્રથમ અને એશિયાની પાંચમા ક્રમાંકની ‘એક્વાટિક ગેલેરી’ બાળકોનો સામુદ્રિક જૈવ સૃષ્ટિ સાથેનો અનુબંધ પ્રસ્થાપિત કરશે. ‘રોબોટિક ગેલેરી’માં સંવાદ કરતા રોબો, ‘રોબો કાફે’માં ભોજન પીરસતા રોબોટ્સના આકર્ષણોની સાથે રોબોટ્સનો મેડિસિન-કૃષિ-સ્પેસ-ડિફેન્સના ક્ષેત્રોમાં ઉપયોગીતા અંગે બાળકો અને યુવાઓને નવા અનુભવો કરાવશે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા ઉપર તેમણે પોસ્ટ કરેલી રોબોટિક ગેલેરીની તસ્વીરોને મળેલા સુખદ પ્રતિસાદનો ઉલ્લેખ કરી આ વ્યવસ્થા આપણા દેશ અને ગુજરાતમાં નિર્માણ જ પામી હોવાના ગૌરવ આશા વ્યક્ત કરી હતી કે ‘સાયન્સ સિટી’નો શાળા-મહાશાળાના બાળકો-વિજ્ઞાનમાં રુચિ ધરાવતા બાળકો મહત્તમ ઉપયોગ કરશે. રેલવે પ્રકલ્પોના લોકાર્પણો બાદ મોદીએ જણાવ્યું હતું કે, રેલવે આધુનિક અને સશક્ત ભારતનો પર્યાય છે. ગાંધીનગર-વારાણસી ટ્રેનના માધ્યમથી આજે સોમનાથની ધરતી -વિશ્વનાથની ભૂમિ સાથે જોડાઈ રહી છે. રેલવેમાં નવા રિફોર્મની જરૂરિયાત હોવા અંગે જણાવતા મોદીએ કહ્યું હતું કે અમે ભારતીય રેલવેને ‘સર્વિસ’ના સ્વરૂપે જ નહિ, પરંતુ ‘એસેટ’ની દૃષ્ટિએ વિકસાવવાનું શરૂ કર્યું છે. આ કારણે રેલવેની ‘શાખ’ બદલાઈ રહી છે. હવે રેલવે વધુ સુવિધાયુક્ત-સ્વચ્છ-સ્પીડ અને સુરક્ષા ધરાવતી બની ગઈ છે. આગામી દિવસોમાં ‘ડેડીકેટેડ ફ્રિગેટ કોરિડોર’ના લીધે રેલવેની ગતિ વધુ વધશે. દેશની ‘વંદે ભારત’ અને ‘તેજસ’ જેવી ટ્રેનો તો પુરપાટ ઝડપે દોડવા લાગી છે, તે તેનું ઉદાહરણ છે, જે યાત્રિકોને નવો અનુભવ આપી રહી છે.

રેલવેના કેવડિયા ટ્રેનોના લોકાર્પણ વખતે ‘વિસ્ટા ડોમ’ દ્વારા ‘થ્રિલ ઓફ જર્ની’નો અનુભવ પણ લોકોએ કર્યો છે. હવે ટ્રેનો-ટ્રેક્સ તથા પ્લેટફોર્મ્સ પહેલાથી ઘણા સાફ અને સ્વચ્છ છે. તેનું કારણ છે, રેલવેમાં લાગેલા બે લાખથી વધુની સંખ્યામાં રહેલા ‘બાયો-ટોઇલેટ્સ’. આ વ્યવસ્થાના કારણે સ્વચ્છતા વધી છે. આગામી દિવસોમાં દેશના મુખ્ય રેલવે-સ્ટેશનના આધુનિકીકરણ, 2-3 ટીયરમાં વાઇ-ફાઇની સુવિધા, માનવરહિત ફાટકોનું અદૃશ્ય થવું -સહિતના અનેક નવા આયામોએ ભારતીય રેલવેને વિશ્વની આધુનિક રેલવેમાં સ્થાન અપાવ્યું છે. રેલવે દેશના ખૂણે-ખૂણે પહોંચે તે માટે તેનું ‘હોરિઝોન્ટલ એક્સપાન્શન’, કેપેસીટી બિલ્ડીંગ, રિસોર્સિંગ તથા વર્ટીકલ એક્સપાન્શન કરવું આવશ્યક છે. આ માટે પીપીપી ધોરણે ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ ઉપયોગ કરીને રેલવેનો વિકાસ કરવો જરૂરી છે.

વળી, ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ સાથે તેની ઉપર એક પંચતારક હોટેલ નિર્મિત થઇ હોઈ તેનો પ્રારંભ થઇ ચૂક્યો છે, તેમ મોદીએ ઉમેર્યું હતું. ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’, મહાત્મા મંદિર, દાંડી કુટિર, નવી ફાઈવ-સ્ટાર હોટલ તથા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલા આ તમામ આકર્ષણોના લીધે અહીં દેશ-વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો ભરપૂર પ્રમાણમાં આવશે અને આ કારણે ‘મહાત્મા મંદિર’નું ‘માહાત્મ્ય’ પણ વધશે, તેવો આશાવાદ મોદીએ વ્યકત કર્યો હતો. તેમણે સાયન્સ સિટી ખાતે વધુને વધુ વિદ્યાર્થીઓ આવે તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત સ્કૂલની ટ્રીપ પણ આવે તેવી વ્યવસ્થા કરવા તેમણે જણાવ્યું હતું. મોદીએ કહ્યું હતું કે ‘દેશના વિકાસની ગાડી બે પાટા પર ચાલી રહી છે. જેમાં એક પાટા પર ભારતનો આધુનિક વિકાસ અને બીજા પાટા પર ગરીબો અને ખેડૂતોના કલ્યાણ સાથે તેમના વિકાસની પ્રક્રિયા પણ ચાલી રહી છે.’ કોરોના મહામારી અંગે તેમણે કહ્યું હતું કે ‘હજુયે કોરોના ગયો નથી એટલે આપણે ગાફેલ ના રહીયે તે જરૂરી છે. તેમણે ટેસ્ટીંગ , ટ્રેસિંગ, ટ્રિટમેન્ટ અને ટીકાના મંત્રથી કોરોનાનો સંક્રમણદર નીચો લાવવા ભાર મૂકયો હતો.

35 વર્ષ પછી ગાંધીનગરના રેલવે મથકનો કાયાકલ્પ પીએમ મોદીને આભારી: અમિત શાહ

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે ‘ગાંધીનગર રેલવે મથકનો પ્રોજેકટ 800 કરોડના ખર્ચે પૂરો થયો છે. 35 વર્ષ પછી ગાંધીનગરના રેલવે મથકનો કાયાકલ્પ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થયો છે.

મોદીના શાસનમાં ભારતીય રેલવેમાં અનેકવિધ ફેરફારો આવ્યા: રેલ મંત્રી

ગાંધીનગર નવનિર્મિત રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું હતું કે, રેલવેને વિસ્તૃત પરિવર્તન કરી નવી ઓળખ ઊભી કરવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દ્ઢ સંકલ્પ છે. ગાંધીનગર રેલવે સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ અને રેલવે સ્ટેશન ઉપર જ પંચતારક હોટલનું નિર્માણ તેમના સંકલ્પને મૂર્તિમંત કરે છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં રેલ વિકાસનો મહત્વનો ફાળો રહ્યો છે, તેમ જણાવતા રેલ મંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના સાત વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતીય રેલમાં અનેકવિધ ફેરફારો આવ્યા છે.

નવા પ્રોજેક્ટ્ તેમજ રેલવે ટ્રેનની ભેટ ગુજરાતને વધુ વિકાસને પંથે લઈ જશે: રૂપાણી

સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાત એ દેશનું વિકાસ એન્જિન છે. ગુજરાતમાં સૌથી વધારે વિદેશી સીધુ મૂડીરોકાણ આવી રહ્યું છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની રાજધાની ગાંધીનગરથી ભગવાન શિવની નગરી વારાણસી-કાશી સુધી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન, પીપાવાવ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ઉદ્યોગોને સામાન પરિવહન માટે સુરેન્દ્રનગર-પીપાવાવ વચ્ચે 266 કિલોમીટર લાંબી રેલવે લાઈનના ઈલેક્ટ્રિફિકેશનનું લોકાર્પણ તેમજ વડાપ્રધાનના વતન વડનગર સાથે જોડાયેલી મહેસાણા-વરેઠા ઈલેક્ટ્રિફાઈડ બ્રોડગેજ રેલવેનું લોકાર્પણ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી ગુજરાતને ભેટ આપી છે.

ગાંધીનગર વર્ષોથી રેલવે સેવાઓથી વંચિત રાજધાની હતી પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નવા પ્રોજેક્ટ્ તેમજ રેલવે ટ્રેનની ભેટ ગુજરાતને આપીને સર્વાંગી વિકાસના નવા સોપાન સર કરાવ્યા છે. આ રેલ પ્રોજેક્ટથી કનેક્ટિવિટિ અને સુવિધાઓમાં વધારો થશે. એટલું જ નહીં, મહાત્મા મંદિર જેવું વિશાળ કન્વેક્શન સેન્ટર, અતિ આધુનિક સુવિધાયુક્ત રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટેલથી દેશ-વિદેશથી ગાંધીનગરમાં આવનારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આ નવી સુવિધા ઉપલબ્ધ

  1. ગાંધીનગરમાં નવું આધુનિક રેલવે મથક
  2. રેલવે મથકના પ્લેટફોર્મ પર બનેલી ફાઈવ સ્ટાર હોટેલ
  3. સોલા સાયન્સ સિટીમાં એકવાટિક – રોબોટિક ગેલેરી
  4. સોલા સાયન્સ સિટીમાં નેચર પાર્ક
  5. ગાંધીનગરથી વરેઠા (તારંગા હિલ્સની નજીકમાં) અને ગાંધીનગરથી વારણસીની સીધી ટ્રેનને લીલીઝંડ

Most Popular

To Top