સુરત (Surat): લાકડા સહિતની હેન્ડિક્રાફ્ટની (Handy Craft ) વસ્તુઓ બનાવતા કારીગરે (Worker) પોતાના મોબાઇલ (Mobile) માલિકને આપીને સેટીંગ્સ (Settings) જોઇ આપવા માટે કહ્યું હતું. માલિકે આ મોબાઇલ ચેક કરતા તેમાં કારીગર તેમજ હરીફ વેપારીઓના ચેટીંગ (Chatting) મળી આવ્યા હતા. તપાસમાં કારીગરે માલિકની જાણ બહાર જ રૂા.2.75 લાખનો સામાન સગેવગે કરીને વેચી દીધો હતો. આખરે કારીગરની સામે માલિકે ચોરીની ફરિયાદ આપતા પોલીસે (Police) કારીગર તેમજ ચોરીનો માલ ખરીદનાર ત્રણ હેન્ડિક્રાફ્ટના વેપારી સામે ગુનો (Crime) નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, સરથાણા વ્રજચોક વ્રજરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રતીક કાંતીભાઈ દુધાત (ઉ.વ૨૪) નાના વરાછા સંતકૃપા સોસાયટીમાં શ્રીઆરાધના નામે હેન્ડિક્રાફ્ટની દુકાન ધરાવે છે અને કાપોદ્રા પાણીની ટાંકી પાસે રવિપાર્ક સોસાયટીમાં ગોડાઉન આવેલ છે. પ્રતિકભાઇને ત્યાં કાપોદ્રામાં જ રહેતા રાહુલ રાજુભાઇ નાયકા કામ કરતો હતો. પ્રતિકભાઇને છેલ્લા ઘણા દિવસોથી તેમના ગોડાઉનમાંથી નાની-મોટી વસ્તુઓનું ચોરી થતી હોવાની શંકા થતી હતી. આ દરમિયાન રાહુલે તેનો મોબાઇલ ખરાબ થઇ ગયો હોવાથી પ્રતિકભાઇને આપીને સેટીંગ્સ જોઇ આપવા કહ્યું હતું. પ્રતિકે રાહુલનો મોબાઇલ ચેક કરતા રાહુલ અને અન્ય હરીફ વેપારીઓની વચ્ચે અનેક વાર મોબાઇલમાં વાત થઇ હતી.
કડક પુછપરછ કરતા તેઓની વચ્ચે વ્હોટ્સએપ (Whats App) ચેટ પણ મળી આવ્યું હતું. આ બાબતે રાહુલ તેમજ વેપારી જયેશ કનુભાઇ હરસોરા, દલીલ ભનુભાઇ મકવાણા અને સંજય ભીખાભાઇ ડોડીયાની સાથે અનેકવાર વાત થઇ હતી. રાહુલે આ ત્રણેય વેપારીઓને લાકડાના 150 નંગ મંદિરો, લાકડાની 100 પ્લાય તેમજ પોલીસીંગના ડબ્બા મળી કુલ્લે 2.75 લાખનો સામાન વેચ્યો હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે સરથાણા પોલીસે રાહુલ તેમજ ચોરીનો માલ ખરીદનારા વેપારી જયેષ હરસોરા, દલીલ મકવાણા અને સંજય ડોડીયાની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.