Gujarat

ભાજપના 112 ધારાસભ્યોને ટેબલેટ આપવામાં આવશે, આ માહિતી અપલોડ કરવાની રહેશે

ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે વિધાનસભા સંકુલ ખાતે મળેલી ભાજપના ધારાસભ્યોની (MLA) મહત્વની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ભાજપના 112 ધારાસભ્યોને ટેબલેટ (Tablet) આપવામાં આવશે. જેના દ્વારા પાર્ટીના ધારાસભ્યોએ તેમના વિસ્તારમાં કરેલી કામગીરીની વિગતો પાર્ટીએ ડેવલોપ કરેલા સોફટવેરમાં અપલોડ કરવાની રહેશે. આ મીટિંગ બાદ ભાજપના (BJP) મંત્રી મંડળમાં ફેરબદલની જે ચર્ચા ચાલી રહી હતી તેનો અંત આવી ગયો છે.

બીજી તરફ ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સી એમ વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત ધારાસભ્યો અને સંગઠનના સીનિયર અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી મિશન 2022 – વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આ બેઠક સાથે શરૂ કરી દેવાઈ છે. આ બેઠકમાં રાજ્યમાં તાઉતે વાવાઝોડાના કારણે થયેલા નુકસાનવી ડોક્યુમેન્ટ્રી રજૂ કરવામાં આવી હતી. રાજયમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયેલા લોકો માટે જરૂરી હોસ્પિટલ, બેડની સુવિધા, ઓક્સિજન, ઇન્જેકશનો,દવાઓ, એમ્બયુલન્સ, ડોકટરર્સ તથા નર્સિંગ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ, રેપિડ ટેસ્ટ, RTPCR ટેસ્ટ વગેરેની જરૂરીયાત મુજબની વ્યવસ્થાઓ બનતી ત્વરાએ ઉભી કરીને દર્દીઓને ઝડપી અને મહત્તમ સારવાર મળે તે માટે રાજય સરકાર તરફથી પુરતા પ્રયાસો કરીને કોરોનાને નાથવા સરકારે કામગીરી કરી તે અંગેનું પ્રેઝેન્ટેશન રજૂ કર્યુ હતું.

કોરોનાની બીજી લહેર પરના અનુભવ પરથી સંભવિત ત્રીજી લહેર માટે જરૂરી આગોતરૂ આયોજન કરી રાજય સરકાર દ્વારા એકશન પ્લાન તૈયાર કરી દેવાયો છે તે અંગે પણ પ્રેઝેન્ટેશન દ્વારા ધારાસભ્યોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. અને હાલની જે આરોગ્ય ક્ષેત્રે ઉપલબ્ધ સુવિધાઓમાં બમણો વધારો કરવા રાજય સરકારનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રાજયના લોકોને કોરોના સંક્રમણની સામે રક્ષણ આપવા વેક્સિનેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે. ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનના બે ડોઝ મળે તે અંગે ઝડપી પ્રક્રિયા હાથ ધરવાનું સરકારનું આયોજન છે. તે અંગેની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભારતીય જનતા પક્ષ પ્રત્યે લોકોમાં વધુ ને વધુ વિશ્વાસ સંપાદિત થાય તેવા પ્રયાસો કરવા આહવાન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે આ માટે ભારતીય જનતા પક્ષ દ્વારા એક આગવી એપ્લિકેશન પણ આગામી સમયમાં લોન્ચ કરવામાં આવનાર છે. જેમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, કાર્યક્રમો, આગેવાનો-કાર્યકર્તાઓના સંપર્ક નંબરો તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાથ ધરાયેલા સેવાકીય કામો અને વિકાસ કામો સહિતની વિગતો એપ્લિકેશનમાં ઉપલબ્ધ કરાવાશે.

પાટીલે કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા જે કલ્યાણકારી યોજનાઓના લાભો લોકો સુધી સત્વરે પહોંચે તે માટે આપણે સૌએ સક્રિય પ્રયાસો કરવા પડશે. તાજેતરમાં રાજ્યમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને વિજય પ્રાપ્ત થયો છે. અને પ્રજાએ પાર્ટીમાં વિશ્વાસ મૂકયો છે તે અવિરત પણે ચાલુ રહે તે માટે ધારાસભ્યો પોત-પોતાના મત વિસ્તારમાં પેજ સમિતીઓના સંપર્કમાં રહે અને કાર્યકર્તાઓ સેતુરૂપ ભૂમિકા ભજવી લોકોમાં રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે સક્રિયતા બતાવવા ખાસ ભાર મૂકયો હતો.

Most Popular

To Top