Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતની મેડિકલ તેમજ પેરામેડિકલ કોલેજોમાં કાલથી ઓફલાઇન શિક્ષણ શરૂ

સુરત: સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતભરની (South Gujarat) મેડિકલ તેમજ પેરામેડિકલ કોલેજોમાં (Medical Paramedical Colleges) ઓફલાઇન શિક્ષણ (Offline education) આવતીકાલથી શરૂ થઈ જશે. રાજ્ય સરકારે આ માટે પરિપત્ર જાહેર કરી દીધો છે. કોરોનાની મહામારીને પગલે સુરત સહિત સમગ્ર રાજયભરની કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ ખોરવાઇ ગયું હતું. કોરોનાની પહેલી અને બીજી લહેરને કારણે જૂજ દિવસો સુધી પ્રત્યક્ષ શિક્ષણ ચાલ્યું હતું. મોટાભાગે શિક્ષણના દિવસો ધોવાઇ ગયા હતાં. રાજય સરકારે કોરોનાની સેકન્ડ પીક વચ્ચે માર્ચ મહિનાથી તમામ મેડિકલ અને પેરામેડિકલ કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરાવી દીધું હતું. આશરે નેવું દિવસના અંતરાલ બાદ આજે રાજયના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ કમિશનરે ઓફલાઈન એજ્યુકેશનનો પરિપત્ર જારી કર્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે મેડિકલ/ડેન્ટલ/ફીઝિયોથેરાપી/નર્સિંગ તેમજ ઓપ્ટોમેટ્રીના અભ્યાસક્રમોના મોટાભાગના વિદ્યાર્થીઓ અને સ્ટાફ વેક્સિનેટ થઇ ગયા છે. જેમને વેક્સિન લેવાની બાકી છે. તે તમામને વહેલાસર વેક્સિનેટ કરવા જણાવાયું છે. ટીચિંગની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુસર કોવિડ એપ્રોપિયેટ બીહેવીયર અને ઇન્ફેકશન કન્ટ્રોલ પ્રિવેન્શનની તકેદારી સાથે યુજી તથા પીજીના ઓફલાઇન શિક્ષણને તાત્કાલિક અસરથી ચાલુ કરવા આદેશ અપાયો છે.

કોરોનાના થર્ડવેવ પહેલા ફ્રન્ટલાઈન વોરિયરની ફોજ તૈયાર કરવા માટે પ્રયાસ

કોરોનાએ છેલ્લા દોઢ વરસથી દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. આર્થિક અને શારીરિક રીતે લોકોને પાયમાલ કરનારા કોરોનાની સેકન્ડ પિક જેમતેમ પસાર થઇ છે. હવે સરકારે કોરોનાની થર્ડવેવ આવે તે પહેલા સુસજજ થવા તૈયારીઓ કરી દીધી છે. જાણકારોના મતે મેડિકલ પેરા મેડિકલના ઉમેદવારોને પણ જરૂર પડે કોવિડ ડયુટી અલોટ કરી શકાય તે માટે વેળાસર શિક્ષણ ચાલુ કરી દેવાયું છે.

દક્ષિણ ગુજરાતની 28 કોલેજોના આશરે સાત હજાર ઉમેદવારોનું ઓફલાઈન એજ્યુકેશન થશે

રાજયના હેલ્થ કમિશનરના પરિપત્રને પગલે સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતના આશરે સાતેક હજાર ઉમેદવારોને ઓફલાઈન ટીચિંગ શરૂ થશે. દ.ગુ.માં 4 મેડિકલ કોલેજ, 14 નર્સિંગ કોલેજ, 7 ફીઝિયોથેરાપી કોલેજ સહિત હોમિયોપેથિક કોલેજોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top