National

બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ વાહનો જેટલી થઈ જશે- નીતિન ગડકરી

નવી દિલ્હી: રોડ પરિવહન મંત્રી (Minister of Road Transport) નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલની (Electric automobile) કિંમત પેટ્રોલથી (petrol) ચાલતા વાહનોની (Vehicles) સમકક્ષ હશે. તે ઉપરાંત તેમને સાંસદસભ્યોને પરિવહન માટે હાઇડ્રોજન ટેક્નોલોજી (Hydrogen technology) અપનાવવા વિનંતી કરી. જે સસ્તી પણ છે અને તેનાથી પ્રદૂષણ પણ ઘટશે. સાથે જ તેમણે કહ્યું કે વર્ષ 2024 સુધીમાં ભારતના રસ્તાઓ અમેરિકા જેવા થઈ જશે.

રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, ટેક્નોલોજી અને ગ્રીન ઈંધણમાં ઝડપી પ્રગતિ ઇલેક્ટ્રિક ઓટોમોબાઈલની કિંમતમાં ઘટાડો કરશે. જે આપણે આગામી બે વર્ષમાં પેટ્રોલથી ચાલતા વાહનોની સમકક્ષ બનાવી દેશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, 2022-23 માટે લોકસભામાં અનુદાનની માગણીઓ થઈ હતી. તેનો જવાબ આપતાં ગડકરીએ અસરકારક ખર્ચને સ્વદેશી ઇંધણ તરફ વળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને એવી આશા વ્યક્ત કરી કે આ ઇંધણ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે. જેનાથી પ્રદૂષણનું સ્તર ઘટશે.

ગડકરીએ સાંસદસભ્યોને પરિવહન માટે હાઇડ્રોજન ટેક્નોલોજી અપનાવવા વિનંતી કરી. તે સાથે તેમને પોતપોતાના જિલ્લાઓમાં ગટરના પાણીને ગ્રીન હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરવા પહેલ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હાઇડ્રોજન ટૂંક સમયમાં સૌથી સસ્તો ઇંધણ વિકલ્પ હશે. ગડકરીએ વધુમાં કહ્યું કે વધુમાં વધુ બે વર્ષમાં ઈલેક્ટ્રિક સ્કૂટર, કાર, ઓટોરિક્ષાની કિંમત પેટ્રોલથી ચાલતા સ્કૂટર, કાર, ઑટોરિક્ષાની સમકક્ષ હશે. લિથિયમ-આયન બેટરીની કિંમતો ઘટી રહી છે. તેવામાં તેઓ ઝિંક-આયન, એલ્યુમિનિયમ-આયન, સોડિયમ-આયન બેટરીની આ રસાયણશાસ્ત્ર વિકસાવી રહ્યા છે. તેમને કહ્યું કે જો તમે પેટ્રોલમાં 100 રૂપિયા ખર્ચો છો, તો ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવા માટે તમે 10 રૂપિયા ખર્ચશો.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 2024 સુધીમાં ભારતમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યુએસની સમકક્ષ બનાવવાનો તેમનો પ્રયાસ છે. આ સંદર્ભમાં, તેમણે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જ્હોન એફ. કેનેડીના (John F. Kennedy) પ્રખ્યાત વાક્યનો (Quotes) ઉલ્લેખ કર્યો કે અમેરિકાના રસ્તાઓ એટલા માટે સારા નથી કારણકે અમેરિકા સમૃદ્ધ છે, પણ અમેરિકા એટલા માટે સમૃદ્ધ છે કારણકે અમેરિકન રસ્તાઓ ખૂબ સારા છે. રાજમાર્ગ કનેક્ટિવિટી અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા પર પ્રકાશ પાડતા ગડકરીએ કહ્યું કે હવે દિલ્હીથી મેરઠની મુસાફરી ચાર કલાકને બદલે માત્ર 40 મિનિટમાં થશે.

Most Popular

To Top