હથોડા: માંગરોળ (Mangrol) તાલુકાના આસરમા ગામે મામલતદારે રેડ (Raid) કરી બિન અધિકૃત માટીખનન (Clay mining) કૌભાંડ (Scam) ઝડપી પાડી બે ટ્રક (Truck) અને એક જેસીબી (JCB) મશીન જપ્ત કરતાં માટીખનન કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આસરમા ગામે બિનઅધિકૃત રીતે માટી ખનન કૌભાંડ કરી માટીનું વેચાણ થઇ રહ્યું હોવાની માહિતી માંગરોળના મામલતદાર કિરણસિંહ એન.રણાને મળતાં તેઓ સરકારી કર્મચારીઓની ટીમ સાથે ઉપરોક્ત સ્થળે પહોંચી ગયા હતા. બ્લોક નં.૧૮૯ વાળી જમીનમાં
બિનઅધિકૃત રીતે માટીખનન થઈ રહ્યું હતું. આથી સ્થળ ઉપર બે ટ્રકના ડ્રાઇવરો અને જેસીબી ઓપરેટર હાજર હતા તેમની પૂછપરછ કરતાં માલિકનું નામ પોપટ થોભણ પટેલ જણાવ્યું હતું. અને તેમના પુત્ર જયસુખભાઇના નામ પર બ્લોક નં.૧૮૯ વાળી જમીન છે તેવું જાણવા મળતાં જમીન માલિકને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. અને સરકારી પરવાનગી રોયલ્ટી અંગે પૂછપરછ કરાઈ હતી. પરંતુ કોઈ આધારપુરાવા તેમની પાસે ન હતા અને કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી વિના માટીખનન કરવામાં આવી રહ્યું હતું.
સ્થળ ઉપર ૬થી ૧૦ ફૂટ જેટલી માટી ખોદવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. આ માટીનું બિનઅધિકૃત રીતે વેચાણ કરાતું હતું. એક ટ્રક માટીના રૂપિયા 1500 લેખે વેચાણ કરી દરરોજ ૨૦થી ૨૫ ગાડી માટી વેચવામાં આવતી હતી. મામલતદારે સ્થળ ઉપરથી બે ટ્રક અને એક જેસીબી મશીન જપ્ત કરાયાં હતાં. ત્રણેય વાહનોને મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. બિન અધિકૃત માટીખનન સંદર્ભે દંડનીય કાર્યવાહી માટે ભૂસ્તર વિભાગને મામલતદાર કચેરી દ્વારા જાણ કરવામાં આવી હતી. આ અગાઉ સુરતમાં પણ માટીખનન કરનારોઓ વિરૂદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી હતી.
ભૂસ્તર વિભાગને ઉંઘતું રાખી સરથાણા નેચરપાર્કની પાછળ ચાલતા ગેરકાયદે રેતીખનન પર પોલીસના દરોડા
સુરત (Surat) સરથાણા નેચર પાર્કનીપાછળ તાપી કિનારા ઉપરથી ભૂમાફિયાઓ (Land mafias) દ્વારા ગેરકાયદે રેતીખનન (Illegal sand mining) કરવામાં આવતું હતું. આ વાતને લઇને સરથાણા પોલીસે રેડ કરી હતી પરંતુ ભૂમાફિયાઓ ભાગવામાં સફળ રહ્યા હતા. આ મુદ્દે પોલીસે ભૂસ્તર વિભાગને જાણ કરી રેતીચોર (Sand thief) વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ શરૂ કરી હતી. આ ઉપરાંત રેતીચોરી માટે નદી કિનારે ઉભા કરાયેલા સ્ટ્રકચરને તોડી પાડીને સરસામાન કબ્જે કરવામાં આવ્યો હતો.
તાપી કિનારા ઉપર કેટલાક ભૂમાફિયાઓ દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ભૂસ્તર વિભાગ તેમજ ફાયર વિભાગની સાથે સરથાણા નેચર પાર્કની પાછળ રેડ પાડી હતી. પોલીસ અને સરકારી બાબુઓને જોઇને ભૂમાફિયાઓ ભાગવા લાગ્યા હતા અને ફરાર થઇ ગયા હતા. અહીંથી પોલીસે એક નાવડી તેમજ રેતી ભરવા માટેનો સામાન કબજે લીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અહીં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતીખનન કરવામાં આવી રહ્યું છે. આ બાબતે ભૂસ્તર વિભાગને માહિતગાર કરવામાં આવ્યા છે અને હવે તેઓ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.