અમદાવાદમાં બુધવારે ગાજવીજ અને વંટોળિયા સાથે મિનિ વાવાઝોડુ આવવાના કારણે અમદાવાદના એરપોર્ટ પર પાંચ જેટલા એરક્રાફટને નુકસાન થયું છે.અમદાવાદ એરપોર્ટના સૂત્રોએ કહ્યું હતું કે, બુધવારે રાત્રે એરપોર્ટ પર ઈન્ડિગો અને ગો ફર્સ્ટ કંપનીના વિમાનો હતા. ઈન્ડિગો કંપનીના ત્રણ વિમાનો અને ગો ફસ્ટ કંપનાના બે વિમાનો હતા.
એવીએશન ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ કહ્યું હતુ કે અમદાવાદ વિમાની મથકે અચાનક ગાજવીજ સાથે મિનિ વાવાઝોડુ ફૂંકાયું હતું. જેના પગલે એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાનોને નુકસાન થયું હતું. ઈન્ડિગોના વિમાનમાં કેટલાંક નાના સ્પેરપાર્ટસ બદલવા પડશે. આ નાના મોટા સમારકામ બાદ વિમાનો ફરીથી ઓપરેશન લાવી શકાશે. વાવાઝોડાને કારણે પ્લેનમાંથી પેસેન્જરોને નીચે ઉતરવા માટેની સીડી પણ ફંગોળાઈ ગઈ હતી. પ્લેન પણ એવી રીતે ફંગોળાયા હતાં કે તે બાજુમાં ઊભેલા પ્લેન સાથે અથડાયા હતાં.
ટર્મિનલ એરિયામાં પાણી ભરાઈ જતાં દિલ્હી-અમદાવાદ ફ્લાઇટની સાથે સાથે અન્ય એક ચાર્ટર ફ્લાઇટ પણ ઉતરી નહીં શકતાં તેને સુરત મોકલાઈ હતી.
એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઈટ અને અન્ય એક ચાર્ટર ફ્લાઇટ ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ભરાઈ જવાને કારણે શરૂઆતના થોડો સમય હવામાં રહી હતી. બાદમાં તે લેન્ડ નહીં થઈ શકતાં તેને સુરત ડાઈવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત 190 પેસેન્જરો સાથે મુંબઈથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઈટને લેન્ડિંગની મંજૂરી ન આપતાં થોડો સમય હવામાં ચક્કર લગાવ્યા હતા.
જોકે ફ્લાઈટમાં ઈંધણ પૂરું થવાને આરે આવતાં આ ફ્લાઈટને જયપુર ડાઈવર્ટ કરાઈ હતી.બાદમાં આ ફ્લાઈટ જયપુરથી ફ્યુલ ભરીને પરત મોડી રાત્રે અમદાવાદ આવી હતી. સુરત ડાઈવર્ટ કરવામાં આવેલી ફ્લાઈટ પણ બાદમાં અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. ફ્લાઈટના પેસેન્જરોને શરૂઆતમાં ફ્લાઈટમાં જ પોણો કલાક બેસાડી રખાયા બાદ બહાર કાઢવામાં આવ્યાં હતાં.