Charchapatra

દેશનાં કરોડો ગરીબ અને વંચિત લોકો આઝાદ છે ખરાં?!

ભારતને આઝાદ થયે ૭૪ વર્ષ પૂરાં થઇ ગયાં છે. લોકોની, લોકો વડે અને લોકો માટેની આઝાદીની પરિકલ્પના શું ખરેખર સાકાર થઇ છે ખરી?! આપણા આ આઝાદ દેશમાં ક્રાઇમ જ માત્ર આઝાદ છે. ચારે તરફ ખૂન, બળાત્કાર,  ચોરી,  લૂંટફાટ અને ભ્રષ્ટાચારરૂપી દાનવો કાળો કેર વર્તાવી રહ્યા છે. જે લોકો નાગડદાઇ આચરે છે, પૈસાનું જેમની પાસે જોર છે તથા રાજકારણમાં વગ છે, એ જ ખરી આઝાદી ભોગવી રહ્યા છે. સરકારો ગમે તેટલાં ગરીબોને મદદ કરવાના દેખાડા કરતી હોય, પણ ગરીબો તો બિચારાં દુ:ખોના કળણોમાં વધુ ખૂંપતાં જાય છે.

સરકારની કલ્યાણ યોજનાઓ દ્વારા ખર્ચાના કરોડો રૂપિયા, શું ખરેખર જરૂરતમંદ લોકો સુધી પહોંચે છે ખરા?! સસ્તા અનાજની દુકાનોનું સરકારી અનાજ ખટારાઓ ભરીને, લઇ જઇને બજારમાં કોણ વેચે છે, એનો હિસાબ સરકાર પાસે છે ખરો?! એક ગરીબ અને સગીર બાળકી ઉપર બળાત્કાર થાય છે ત્યારે બધું જ ભીનું સંકેલાઇ જાય છે. એક બાર-તેર વર્ષનો દલિત બાળક, વખાનો માર્યો, દસની નોટ ચોરે છે. પકડાય છે. એ દૂધમલ બાળકને ગામ વચ્ચે ઝાડ સાથે બાંધીને લોકો ફટકારે છે. પેલો બાળક બે હાથ જોડી માફી માગે છે. છતાં પણ ક્રૂર હાથો એ મરવાની સ્થિતિએ આવે છે, ત્યાં સુધી મારતા રહે છે.

એક ગરીબ બાઇ પૈસાના અભાવે, પોતાના બીમાર પતિને ખભે ઉંચકીને દૂરના દવાખાને લઇ જાય છે. તો એક યુવાન પોતાની માંદી મા ને લારીમાં સુવડાવી દવાખાને લઇ જાય છે. દેશનાં અનેક બાળકો, દસ – દસ કિ.મી. ચાલીને, નદી-નાળાં અને જંગલોમાંથી પસાર થઇને દૂરની શાળાઓમાં ભણવા જાય છે. લોહી, ચરબી અને હાડકાં સુકાઇ જાય એવી કાળી મજૂરી કરતાં દેશનાં હજારો માનવીઓ, સાંજ ટાણે, પેટ ભરાય એટલુ ખાવાનું પણ નથી પામતાં. ગરીબો પાસે, ‘પૈસા આપો તો જ લાશ મળશે’, એવું દબાણ કરતી હોસ્પિટલોને છે કોઇ પૂછનાર?! ખાવા અનાજ નથી.

પહેરવા કપડાં નથી. રહેવા છાપરું નથી. એવાં લાખો લોકોની આવી દારુણ દશાની પડી છે, કોઇ શાસનકર્તાને?! તો સામે પક્ષે કરોડો અને અબજોનાં બેંક કૌભાંડો આચરીને વિદેશોમાં લહેર કરતા નંગોને છે કોઇ કહેનાર?! વાતો આઝાદીની ભલે થાય. નેતાઓ ભલે ગળાં ફાડીને આઝાદીની ગૌરવગાથા ગાયા કરતા. પણ આપણા દેશમાં ગરીબો અને વંચિતોને માટે તો આઝાદી જોજનો દૂર હોય એવું જ ભાસે છે. સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top