મુંબઇ: ફરહાન અખ્તર (Farhan Akhtar) અને સોનમ કપૂરની (Sonam Kapoor) ફિલ્મ ભાગ મિલ્ખા ભાગના (Bhag Milkha Bhag) રીલિઝને 10 વર્ષ પૂરા થઇ ગયા છે. મિલ્ખા સિંહના જીવન પર આધારિત આ ફિલ્મ (Film) વર્ષ 2013માં આવી હતી. હવે જ્યારે આ ફિલ્મને દસકો પૂરો થયો છે ત્યારે ફિલ્મ મેકર્સે દર્શકો માટે ફરીથી આ ફિલ્મનું સ્ક્રિનીંગ કરવાની જાહેરાત કરી છે. આ વિશે ફિલ્મના નિર્દેશક ઓમપ્રકાશ મહેરાએ જણાવ્યુ હતું કે મિલ્ખા સિંહ હવે આપણા વચ્ચે નથી રહ્યા. તેથી તેઓ આ ફિલ્મને ફરીથી થિએટરમાં રીલિઝ કરી તેમને એક ખાસ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપવા માંગે છે.
રાકેશ ઓમપ્રકાશ મહેરાએ આ વિશે વધુમાં જણાવ્યુ હતુ કે તેઓ આ ફિલ્મના કાસ્ટ, ક્રૂ અને સમગ્ર ટીમ માટે આ સ્પેશિયલ સ્ક્રિનીંગ રાખવા માંગે છે. જેમાં મિલ્ખા સિંહની દીકરી પણ આવશે અને તેમનો દીકરો જે હાલ લંડનમાં છે અ પણ આ સ્પેશિયલ સ્ક્રિનીંગમાં આવવા માટે શક્ય અવા તમામ પ્રયાસો કરી કહ્યો છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મનું સ્ક્રિનીંગ 26 જુલાઇના રોજ મુંબઇ ખાતે રાખવામાં આવ્યુ છે.
ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ ‘ભાગ મિલ્ખા ભાગ’ 6 ઓગસ્ટે 30 શહેરોના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. આ ફિલ્મ દરેક માટે અલગ અર્થ ધરાવે છે. ‘ભાગ મિલ્ખા ભાગ’ ઘણા લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. આ ફિલ્મે દરેકને પ્રેરણા આપી છે, માત્ર સ્પોર્ટ્સપર્સન કે જિમ જનારાઓને જ નહીં. નિર્દેશકે કહ્યું કે હું દુનિયાભરમાં એવા ઘણા લોકોને મળ્યો છું જેમણે ફિલ્મથી પ્રેરિત થઈને જીવનમાં કંઈક હાંસલ કર્યું છે. હવે આ ફિલ્મ મારી નહીં પણ દર્શકોની છે.
ભાગ મિલ્ખા ભાગ દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરા તેમજ ફિલ્મની સ્ટાર કાસ્ટ માટે ખૂબ જ ખાસ ફિલ્મ હતી. આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે. પરંતુ એક વાર્તા એવી છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતુ. ખરેખર આ ફિલ્મના શૂટિંગ માટે અભિનેત્રી સોનમ કપૂરે માત્ર 11 રૂપિયા ફી લીધી હતી. આ વાતનો ઉલ્લેખ ખુદ ફિલ્મ નિર્દેશકે પોતાના પુસ્તકમાં કર્યો છે. 2013 માં રીલિઝ થયેલી આ ફિલ્મ સ્વર્ગસ્થ મિલ્ખા સિંહની પ્રેરણાદાયી સફર દર્શાવે છે અને કેવી રીતે તેણે વિશ્વ ચેમ્પિયન, ઓલિમ્પિયન અને ભારતના સૌથી પ્રખ્યાત એથ્લેટ્સમાંના એક બનવા માટે ઘણી મુશ્કેલીઓને પાર કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ છાપ ઉભી કરી અને 2013ની પાંચમી સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ બની હતી.