Comments

મોંઘવારી-ભાવવધારા બદલ મિચ્છામિ દુક્કડમ્ : આયા ઇલેક્શન ઝૂમકે

ગુજરાત પર મેઘરાજા ભલે મોડે મોડે વરસ્યા પણ સરકાર અને સત્તાધારી પાર્ટીએ સમયસર વરસવાનું ચાલુ કરી દીધું છે. 2022 ની સાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પડકાર સામે આવી રહ્યો છે. જો કે જે રીતે સઘળું સ્મૂધ રીતે ચાલી રહેલું (કે ચલાવાઇ રહેલું) દેખાડાઇ રહ્યું છે, તે જોતાં સત્તાધારી પાર્ટી આ વખતે કોઇ કસર છોડવા માગતી નથી એવી છાપ ઊભી થઇ રહી છે, પરંતુ સાથે પાર્ટીનાં અન્ડર કરન્ટ્સ જોતાં એનો આંતરિક ગભરાટ કળાયા વિના રહેતો નથી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હિન્દુત્વવાળા ઉચ્ચારો, સ્ટચ્યુ ઓફ યુનિટીની નિશ્રામાં યોજાયેલી પાર્ટીની નોનપેપર પ્રદેશ કારોબારી, સહકારી ક્ષેત્રને સોડમાં લેવાની તાલાવેલી, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર કરાતાં પહેલાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સીધો 11 ટકાનો વધારો કરી દેવો, વડા પ્રધાનના જન્મદિવસની ઉજવણીનાં આયોજનો સહિતની અનેક ચેષ્ટાઓ સરકારના આગોતરા ચૂંટણી આયોજનની સાથે થોડો આંતરિક ગભરાટ પણ દેખાડે છે. મોંઘવારી અને ભાવવધારાના મુદ્દા તો લોકોને અત્યંત પરેશાન કરી રહ્યા છે, પણ એની સામે કોઇનું ધ્યાન ન જાય એવું શાહમૃગીવલણ દાખવીને સરકાર દ્વારા ઢાંકપિછોડો કરાઇ રહેલો જણાય છે.

બબ્બે વર્ષથી સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સ્થગિત કરી દેનારી સરકાર એકાએક 11 ટકાનો વધારો જાહેર કરી દે એનાથી એટલું તો સ્પષ્ટ દેખાય છે કે પાટનગર ગાંધીનગરની બાજુએથી વહેતી સાબરમતી નદીના વહેણમાં પહેલાંના જેવો ખળખળ નિનાદ વરતાતો નથી. પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણી રાજ્ય સરકાર માટે પડકાર લઇને આવી છે. એનું કારણ એ છે કે મોટે ભાગે સરકાર કર્મચારીઓની વસ્તીવાળા આ એક સમયના ગ્રીન શહેરમાં કેસરિયો વાયરો વધુ સમય ફૂંકાતો નથી. અહીં કોંગ્રેસી ટ્રાયકલર ઝંડો વધુ ફરકે છે. અત્યાર સુધીમાં ભાજપને ગાંધીનગર મહાપાલિકા હોય કે ગાંધીનગરની વિધાનસભાની બેઠક હોય, જોઇએ એવી ફળી નથી. એન્ટિઇન્કમ્બન્સીનો પવન અહીં વગર આગાહીએ ફૂંકાતો રહે છે. એટલે જ સરકારે પાણી પહેલાં આ વખતે પાળ બાંધી છે. મોંઘવારી ભથ્થાનો હપ્તો જાહેર કરીને કર્મચારીઓની અનુમોદના ભેગી કરવાની કોશિશ કરાઇ છે.

 કેવડિયાની પ્રદેશ કારોબારીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પાર્ટી પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે એવું કહીને આ ક્ષેત્રને કેસરિયા રંગે રંગવાની મુરાદ દેખાડી દીધી છે. આની પાછળની પાર્ટીની બે ગણતરી છે. એક તો ગ્રામીણ મતદારોમાં પકડ જમાવવી અને બીજું કે ગુજરાતના ખેડૂતોને હરિયાણા-પંજાબ બ્રાન્ડનો ચેપ ન લાગે એટલે એમને લીપોપોતી કરવી. કેન્દ્ર સરકારે ખેતપેદાશોના લઘુતમ પોષમક્ષમ ભાવ જાહેર કરીને ખેડૂતોના અસંતોષને ઠારવાનો પ્રયાસ ભલે કર્યો હોય, પણ ગુજરાતના અનેક ખેડૂતો પોતાના શાકભાજી જેવા પાકના કોઇ ભાવ ન મળતા હોઇ, તેને મફતમાં વેચવા કરતાં ગાયોને ખવડાવી દેવા કે કચરામાં ફેંકી દેવા મજબૂર બન્યા છે, તેની સામે પણ નજર કરવી પડવાની છે. રાજકોટમાં તાજેતરમાં ખેડૂતોએ આવાં 30 ટન શાકભાજી ફેંકી દીધાં હતાં. પાણીના ભાવે ઉપજ વેચવા મજબૂર અનેક ખેડૂતો બાપડા બોલતા નથી. સહકાર ક્ષેત્રની ખેવના કરનારી પાર્ટીઓએ ખેડૂતોની આ હાલતની ચિંતા કરવી પડશે.

કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને આવા મુદ્દા હાથવગા મળી રહ્યા છે, પણ એમણે પોતાના આંતરિક ડખા અને ઇગોવાળી ટાંટીયાખેંચને ભૂલીને સક્રિય થતા નથી. જે કામ વિપક્ષે કરવું જોઇએ તે કામ સત્તાધારી ભાજપના બિગબ્રધર સંઘપરિવારની એક વગદાર સંસ્થા ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હમણાં ભાજપની આ સિસ્ટરકન્સર્ને ખેડૂતોના પોષણક્ષમ ભાવોના મામલે રાજ્યભરમાં દેખાવો કરીને સરકારનો કાન આમળવાની કોશિશ કરી હતી, પરંતુ તેની બિનઅસરકારકતા જોતાં લાગે છે કે કોરોનાકાળમાં માસ્ક પહેરી પહેરીને સરકારના કાન એટલા મોટ્ટા થઇ ગયેલા છે કે એમના હાથમાં પકડાતા નથી.  

ખરો ખેલ તો કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પાડ્યો. ગુજરાતમાં ભાજપની કહેવાતી કમજોરી જેવા પાટીદાર સમાજને ઓબીસી અનામતને બદલે આગવી અનામત આપવી જોઇએ એવું સ્ટેટમેન્ટ કરીને એમણે વિવાદ છંછેડ્યો. જો કે તેને રાજ્યમાંથી રિસ્પોન્સ ન મળતાં વાત અટકી ગઇ. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પાટનગર નવી દિલ્હી જઇ આવ્યા, પણ તત્કાળ કંઇ આઉટકમ ન દેખાતાં પાટીદાર અનામતના મામલાને કોંગ્રેસ હમણાં છંછેડવા માગતી નથી એ સ્પષ્ટ થયું છે. ભાજપ અને રાજ્ય સરકાર ઇલેક્શન મોડમાં આવી ગયેલાં જણાય છે.

ભાવવધારો અને મોંઘવારી જેવા તેમજ કોરોનાથી ખાડે ગયેલા અર્થતંત્ર, બેરોજગારી જેવા મામલે ભાજપ મૌન છે. મતદારોને એ આ વિષમતાઓ માટે જાણે  મિચ્છામિ દુક્કડમ્ કહીને પોતાના ટાર્ગેટેડ રોડમેપ પર એ આગળ વધવા ધારે છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેરના કહેવાતા ભય વચ્ચે મોંઘવારી, અપૂરતો વરસાદ, ખેડૂતોની હાલત જેવા મુદ્દે પ્રજામાં કચવાટ જરૂર છે. તેમાં સત્તાધારી પાર્ટીનો આંતરિક કચવાટ જેટલો ઓછો ભળશે એટલો વધુ ફાયદો ગાંધીનગરની ફુલફ્લેજ્ડ ચૂંટણી સહિત વિવિધ પાલિકા-પંચાયતોની પેટાચૂંટણીઓમાં ભાજપને થશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top