Comments

કોંગ્રેસમાં હંગામીનું નવું મોજું

કોંગ્રેસમાં પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધીની કામ કરવાની શૈલી સામે પ્રશ્નો ઉઠાવી ૨૩ બળવાખોરોના જૂથે એક વર્ષ પહેલાં મધપૂડા પર પથરો માર્યો હતો. ૨૦૨૦ ના ઓગસ્ટમાં તેમણે સંસ્થાકીય ચૂંટણીઓ સંબંધી પણ અકળાવનારા ઘણા સવાલો ઉઠાવ્યા હતા. તેને પગલે કોંગ્રેસની કારોબારીએ પક્ષના પ્રમુખની ચૂંટણી માટે આયોજન કરવાનું નકકી કર્યું. આ આયોજન હજી ફળીભૂત થવાનું છે અને તે નજીકના ભવિષ્યમાં સાકાર થાય તેવું કોઇ આયોજન દેખાતું નથી. ૨૩ બળવાખોરોના બળવા અને તેને પગલે અપાયેલાં વચનો ખાસ કરીને કોરોનાના ‘છત્ર’ હેઠળ ખાસ્સો સમય ગયો અને સોનિયા ગાંધી તેમજ તેમના સાગરિતોને ચૂંટણીઓ મોકૂફ રાખવાનું વાજબી રીતે કારણ મળી ગયું. ૧૦ મી મે, ૨૦૨૧ ના દિને કારોબારી પાછી મળી અને ફરી પાછી ચૂંટણીની બીજી મુદત પડી.

કચરો જાજમ નીચે છુપાવી દેવાની કોંગ્રેસની આ કામ કરવાની શૈલી છે. સંગઠનની ચૂંટણી યોજવા પ્રત્યેનો પોતાનો ઇરાદો જાહેર કરવાને બદલે સોનિયાએ ત્યાર પછી બળવાખોરોને ટાઢા પાડવા માટે જુદી જુદી સમિતિઓ રચીને તેમનો સમાવેશ કર્યો છે. બળવાખોરોએ પોતાને જે તે સમિતિઓમાં સોંપેલી કામગીરી ચૂપચાપ સ્વીકારી લીધી તે વધુ આશ્ચર્યજનક છે. બળવો પોકાર્યો ત્યારે તો ગુલામ નબી આઝાદ અને તેમની મંડળી બહુ ફૂંફાડા મારતી હતી! સોનિયાએ સમિતિઓ બનાવી એટલે બધું ધામધૂમ અને ફસ્સ?! સોનિયાએ તેમની હવા કાઢી નાંખી?!

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ સિવાય લગભગ તમામ બળવાખોરોને કોંગ્રેસના ડબ્બામાં બેસવાની જગ્યા મળી ગઇ છે! એકમાત્ર નોંધપાત્ર પરિવર્તન આ સમયગાળામાં એ આવ્યું છે કે રાહુલની છાવણીના જુવાન વછેરાઓ તેમને છોડીને ચાલવા માંડયા છે. બળવાખોર-૨૩ ના જૂથમાંથી મોટા ભાગની હવા નીકળી ગઇ. તેના જૂના જોગીઓ પોતાની દાઢી પર અને માથે હાથ ફેરવતા થઇ ગયા. કેટલાક જુવાન છોકરડાઓને ભારતીય જનતા પક્ષમાં આશરો મળ્યો પણ કોંગ્રેસ માટે પરિસ્થિતિમાં કોઇ ફેર નથી પડયો. તેનું પતન તો ચાલુ જ છે. ‘રોજેરોજનું લાવી ખાવા’ જેવો ઘાટ છે. રોજરોજ નવી સમસ્યા પેદા થાય છે અને રોજ તેનો ઉકેલ શોધવો પડે છે. બળવાખોરોને શાંત પાડવા માટે સમિતિઓ રચવાથી પણ કંઇ વળતું નથી. ખરેખર તો ધરખમ સુધારા સિવાય કોઇ માર્ગ નથી.

કોરોનાને કારણે ઉદ્‌ભવેલી પરિસ્થિતિમાં ખાસ્સો સુધારો થયો છે પણ કોંગ્રેસમાં કમમાં કમ નવા પ્રમુખની ચૂંટણી યોજવા માટે કંઇ સળવળાટ નથી દેખાતો. કારોબારી હાથ જોડીને બેસી રહી છે અને પોતાને વધુ કફોડી હાલતમાં મૂકી રહી છે. ખાસ કરીને કોરોનાની પરિસ્થિતિને આગળ ધરીને અને જૂની ‘ઠાગા-ઠૈયા’ નીતિ અપનાવીને કોંગ્રેસ સમય પસાર કરવાની પોતાની જૂની રીતરસમ અપનાવે છે પણ તેનો કોઇ મતલબ નથી કારણ કે કોંગ્રેસ પક્ષ નિષ્ક્રિયતાના કાદવમાં ખૂંપી ગયો છે અને તે હલનચલન કરી શકે તેમ નથી. આ પરિસ્થિતિ માટે જૂના જોગીઓ કે નવા વછેરાઓ કોઇને દોષ દઇ શકાય તેમ નથી, પણ પરિસ્થિતિ વધુ વણસી છે તેનું એક વધારાનું કારણ એ પણ છે કે ટોચની નેતાગીરી હંગામીપણું છોડીને કંઇ નવું કરવા તૈયાર નથી.

નિર્દેશો એવા મળે છે કે પક્ષની ટોચની નેતાગીરી સમિતિઓ ઉપરાંત કેટલાક બળવાખોરોને મહત્ત્વની જવાબદારીઓ સોંપવાનું વિચારે છે તેનાથી બળવાખોરો શાંત પણ થઇ જાય અને કામે લાગી જાય, પણ કોંગ્રેસની કથળતી હાલત જોતાં એ કોઇ રસ્તો નથી. નવો અને લાંબા ગાળાનો અભિગમ જ અત્યારની તાતી જરૂર છે. સંગઠનની ચૂંટણીનો કાર્યક્રમ ઘડીને જાહેર કરવા સિવાય બીજો કોઇ માર્ગ નથી. કોરોનાનો પડકાર છે પણ એની સામેનો જંગ લાંબો ચાલવાનો છે અને પક્ષના વ્યૂહરચનાકારોએ આ પરિસ્થિતિમાં પણ કામ કરવાનું વિચાર્યું જ હશે અને વિચારવું જોઇએ.

તેઓ પોતે કંઇ કરવા માંગે છે એ વાત સ્પષ્ટ કરવા ચૂંટણીની પ્રક્રિયા જાહેર કરી દેવી જોઇએ. તેમના અકળ મૌનથી પક્ષમાં અકળામણ વધશે અને કોંગ્રેસના વિરોધીઓ અને અસંતુષ્ટોને હથિયાર મળી જશે. પક્ષની નેતાગીરીની સમસ્યા સૌથી ઝડપથી હલ કરવી જ પડશે. કામચલાઉ ધોરણ કામચલાઉ જ રહેવું જોઇએ. કારણ કે તેનાથી લાંબા ગાળે ફાયદો નહીં થાય અને નવા નવા બળવાખોરો ઊભા થવા માંડશે. હકીકતમાં તેનાથી પક્ષ નબળો પડશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષ ચડી આવશે.

સમિતિ રચના પાછળનો હેતુ સ્પષ્ટ છે – બળવાખોરોને ચૂપ કરવા અને જુવાન પેઢીને ઓછામાં ઓછું પ્રતિનિધિત્વ આપવું. આનાથી સોનિયા ગાંધી કોંગ્રેસમાં પોતાનાં વર્ષો ગાળનાર જૂના જોગીઓને ઠંડા પાડી શકશે પણ જેમનો કોઇ અવાજ સાંભળતું નથી તે યુવા પેઢીનું શું? કોંગ્રેસનું ભાવિ શું? રાહુલ ગાંધી ભવિષ્યમાં કોંગ્રેસનું સુકાન સંભાળશે તો તેમનું કોણ સાંભળશે? વર્તમાન નેતાગીરી આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે તે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વગેરે જેવાં મહત્ત્વનાં રાજયોમાં કંઇક સંગઠનીય દૃષ્ટિએ સળવળાટ કરે છે પણ તેનાથી શું વળે? પક્ષનો નેતાગીરીનો પ્રશ્ન કેન્દ્રીય સ્તરે ઉકલે અને જુદા જુદા સ્તરે ચૂંટણીઓ થાય તો જ કંઇ વળે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top