મોડી રાત્રે ચાર જેટલા તસ્કરો કરજણ સ્થિત એમજીવીસીએલના જેટકો સબ સ્ટેશનની દીવાલ કૂદી અંદર પ્રવેશ્યા
( પ્રતિનિધિ )વડોદરા,તા.10
કરજણ તાલુકામાં આવેલી MGVCLની કચેરી ખાતે ગત રાત્રીએ કેબલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ચોરીના પ્રયાસ દરમિયાન તસ્કરો અને સિક્યુરિટી સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાતા પરિસ્થિતિ તંગ બની હતી. તસ્કરોએ પથ્થરમારો કરતા ફરજ પર હાજર સિક્યુરિટી જવાને આત્મરક્ષામાં ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં એક તસ્કર ઘાયલ થયો હતો. જ્યારે બે તસ્કરોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

મોડી રાત્રે આશરે ચાર જેટલા તસ્કરો કરજણ સ્થિત એમજીવીસીએલના જેટકો સબ સ્ટેશનની દીવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા. કેબલ ચોરી કરવાનો પ્રયાસ કરતા તસ્કરો પર સિક્યુરિટી સ્ટાફની નજર પડતા તેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તસ્કરોએ સિક્યુરિટી કર્મચારીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે અને પોતાની સુરક્ષા માટે ફરજ પર હાજર સિક્યુરિટી ગનમેને ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન એક તસ્કરના ડાબા હાથમાં ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાસ્થળે હાજર સિક્યુરિટી સ્ટાફે તરત જ કાર્યવાહી કરી બે તસ્કરોને પકડી પાડ્યા હતા. જ્યારે એક અન્ય તસ્કર અંધારાનો લાભ લઈ ફરાર થવામાં સફળ રહ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

બનાવની જાણ થતા જ કરજણ પોલીસ મથકના પીઆઈ એ.કે.ભરવાડ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સ્થળની તપાસ હાથ ધરી હતી અને છુપાઈને બેઠેલા એક અન્ય તસ્કરને પણ દબોચી લેવામાં આવ્યો હતો. ઘાયલ તસ્કરને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલુ છે.

પોલીસે પકડાયેલા બંને તસ્કરોની પૂછપરછ શરૂ કરી છે. તેમની પાસેથી અગાઉ થયેલી અન્ય ચોરીની ઘટનાઓ અંગે મહત્વની માહિતી મળવાની શક્યતા છે. સાથે જ ફરાર તસ્કરની શોધખોળ માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે.