નવી દિલ્હી: રવિવારે રાત્રે અતિ રોમાંચક મેચમાં પેન્લ્ટી શૂટઆઉટમાં 4-2થી ફ્રાન્સને (France) હરાવી આર્જેન્ટિનાએ (Argentina) 36 વર્ષ બાદ ફીફા વર્લ્ડકપ (FIFA World Cup) જીત ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનેલ મેસીનું (lionelmessi) વર્લ્ડકપ જીતવાનું સપનું પૂરું થયું હતું. 35 વર્ષીય મેસીએ પોતાના અંતિમ વર્લ્ડકપમાં પોતાનું સપનું પૂરું કર્યું છે. આ ફાઈનલ મેચમાં મેસીનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. મેસીએ ફાઈનલ મેચમાં કુલ 3 ગોલ કર્યા હતા. પેનલ્ટી શૂટઆઉટમાં પણ તેણે 1 ગોલ કર્યો હતો. મેસીના ગોલ સાથે આર્જેન્ટિનામાં તો ખુશીની લહેર ફરી વળી હતી પરંતુ તેની સાથે જ શેરબજારના રોકાણકારો પણ ઉછળી પડ્યાં હતાં. કારણ કે મેસીના ગોલના લીધે એક કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો.
મેસીના ગોલના લીધે એડિડાસ (ADIDAS) કંપનીના શેર્સની (Shares) કિંમતમાં વધારો થયો હતો. એડિડાસ આર્જેન્ટિનાને સ્પોન્સર કરે છે. જ્યારે નાઈકી (NIKE) ફ્રાન્સ ટીમને સ્પોન્સર કરે છે. ફીફા વર્લ્ડકપની ફાઈનલ મેચના પરિણામોની અસર એડિડાસ અને નાઈકીના શેર પર જોવા મળી હતી. આર્જેન્ટિનાની ટીમે એડિડાસની જર્સી પહેરીને ટુર્નામેન્ટ રમી હતી અને સાથે ટાઈટલ પણ જીત્યું હતું, જેનો ફાયદો એડિડાસને થયો છે. એડિડાસના શેર્સમાં તેજી જોવા મળી છે. એડિડાસ કંપનીના શેરની કિંમતોમાં 1.93 ટકાનો વધારો થયો છે. તે 121.30 યુરો પર બંધ થયો હતો. બીજી તરફ ટીમની હાર બાદ ફ્રેન્ચ ટીમની સ્પોન્સર નાઈકીના શેરમાં ઘટાડો નોંધાયો હતો. ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જમાં નાઈકીનો શેર 1.96 ટકા ઘટીને 100 યુરો પર બંધ થયો હતો.
વર્ષ દરમિયાન એડિડાસના શેરનું પ્રદર્શન નબળું રહ્યું હતું
આ વર્ષના આંકડાઓ પર નજર નાખો તો એડિડાસના શેરમાં 53.26 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ વર્લ્ડ કપની શરૂઆત પહેલા કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી. 3 નવેમ્બરથી અત્યાર સુધીમાં કંપનીના શેરના ભાવમાં 28 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. વર્લ્ડ કપની ફાઈનલ પહેલા એડિડાસે આર્જેન્ટિનાની પટ્ટાવાળી જર્સી આખી દુનિયામાં વેચી દીધી હતી. લિયોનેલ મેસીની તસવીરવાળી એડિડાસની જર્સીની ઘણી માંગ હતી. જર્સીઓ પણ ઘણી જગ્યાએ આઉટ ઓફ સ્ટોક હતી. કંપનીના વધેલા વેચાણની અસર વર્લ્ડ કપ દરમિયાન તેના શેર પર જોવા મળી હતી.