Vadodara

વેપારીની મિલકત સીલ,નાણાં પડાવવાનો ગોરખધંધાે

વડોદરા : વડોદરા શહેરમાં અશાંતધારાની આડમાં કેટલાક રાજકીય પીઠબળ ધરાવતા તત્વો ખોટું કોમી વૈમનસ્ય ઉભું કરી વેપારીઓને યેન યા કેન પ્રકારે કનડગત કરી નાણાં પડાવી રહ્યા હોવાનું ષડયંત્ર છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. શહેરના નવા બજારમાં લઘુમતી કોમના એક વેપારીની દુકાનને પાલિકા દ્વારા રજાના દિવસે સિલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે મામલે સ્ફોટક માહિતી સપાટી પર આવવા પામી છે. શહેરમાં ઈ.સ.1950-55માં ગાયકવાડી શાસનકાળ દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 300 જેટલા કેબિનોમાંથી 4 કે પાંચ દુકાનો પાલિકા હસ્તક છે. જ્યારે બાકીની ઈમલાની છે માટે અહીં પાલિકાને કોઈ લેવા દેવા નથી અને જો પાલિકા હસ્તક હોત તો જે તે સમયે પાલિકાના  તત્કાલિન મ્યુનિસિપલ કમિશ્નર એચ.એસ.પટેલ નવાબજારમાં દબાણ હટાવી શકત. રોડ લાઈનમાં આવતા દબાણો તોડ્યા નથી કે સંપાદન થયું નથી.

હાલ ઈમલાની જગ્યા હોવાથી પાલિકા કબ્જો કે સીલ મારવાની કાર્યવાહી કરી શકે નહીં ?  તેમ છતાં અહીં નવાબજારમાં કરાયેલી કામગીરીથી કોઈ રાજકીય પીઠબળના ઈશારે આ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. નોંધનીય છે કે કોરોનાના કપરાકાળમાં લોકડાઉન દરમિયાન અનેક લોકોના ધંધા રોજગાર પર માઠી અસર પડી હતી. નાના મોટા વર્ગના તમામ વેપારીઓ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. માંડ માંડ પાટા પર ગાડી આવી છે. ત્યારે કેટલાક રાજકીય પીઠબળ ધરાવતા અનિષ્ઠ તત્વો યેન યા કેન પ્રકારે વેપારીઓને ધંધો કરવા દેતા નથી.વેપારી હુસેનભાઈનું કહેવું છે કે કોરોનામાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જે બાદ આવા લોકો વેપારીઓની રોજીરોટી છીનવી રહ્યા છે.

રૂપિયાની માંગણી કરી રહ્યા છે અને તેમની માંગણી મુજબ રૂપિયા નહીં આપતા ખોટી હેરાનગતિ કરી ધંધો કરવા દેતા નથી તેમ જણાવ્યું હતું. શહેરમાં આજકાલ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. સામાજીક કાર્યકર હોઈ, પૂર્વ કાઉન્સિલર હોય કે અસામાજીક તત્વો હોય જેઓ કોઈ પણ મકાન મિલ્કત તબદીલ થાય, વેચાણ આપે કે ભાડે આપે કે પછી ભેટ રૂપે આપે તેની પર બાજ નજર રહેતી હોય છે. ખાસ કરીને અશાંતધારા વિસ્તારમાં આવા તત્વો સક્રિય રહેતા હોવાનું જાણવા મળ્યું છે. હિન્દુ, મુસ્લિમને અને મુસ્લિમ હિન્દુને કોઈ મિલ્કત કે દુકાન વેચાણ કરે તેવા બનાવમાં કેટલાક અનિષ્ઠ તત્વો તોડપાણી કરતા હોય છે અને ના માને તો વેપારીનું નાક દબાવવા માટે પોતાના ગાંઠેલાં મળતીયાઓ પાસે મિલ્કતને સીલ મરાવી નાણાં પડાવવાનો ગોરખ ધંધો શરૂ થયો છે. આવું જ કંઈક નવાબજારના વેપારી હુસેનભાઈ સાથે બન્યું છે.

નવાબજારમાં 179 નંબરની અનિલભાઈ છોડવાનીની દુકાન હુસેનભાઈએ માર્ચ 2021માં ખરીદ કર્યા બાદ દસ મહિના સુધી વેપાર કર્યો હતો. પરંતુ આ હિન્દુ મુસ્લિમ વેપારી વચ્ચે થયેલા સોદાથી કેટલાક અસંતુષ્ટ તેમજ આવા વેચાણ સોદામાં પોતાનો રોટલો શેકવા ટેવાયેલા તત્વો સક્રિય બન્યા હતા. રાજકીય આકાઓની સલાહ મુજબ વેપારીને બાનમાં લેવા માટે માયાજાળ રચવાનું શરૂ કરી દીધું હતું.એક રકમ પણ નક્કી થઈ પરંતુ કશું હાથ નહીં આવતા અંતે દુકાનને સીલ પણ મરાવી દીધી. જોકે નોટિસ પાઠવ્યા વગર જ આ કામગીરી કરવામાં આવતા દુકાન માલિક હુસેનભાઈએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા સોગંદનામું સાથે જરૂરી કાર્યવાહી કરી દુકાન ખોલી હતી. પરંતુ શનિવારે દુકાન ખોલતા જ સ્થાનિક વહીવટી વોર્ડના અધિકારીએ કર્મીઓ સાથે ફરી એક વખત દુકાનને સીલ માર્યું હતું.શનિવારે રજાના દિવસે કરાયેલ કાર્યવાહીથી પાલિકા સામે વેધક સવાલો ઉઠવા પામ્યા હતા. પણ નવાબજારની દુકાન પાલિકા હસ્તક છે કે નહીં તે બાબતે મેયર કેયુર રોકડીયા અજાણ છે.

નવાબજારથી ચાંપાનેર પોલીસ ચોકી સુધી મિલ્કત ખરીદ વેચાણ મામલે કેટલાક તત્વો નાણાં પડાવવા સક્રિય
શહેરના નવા બજાર પોલીસ ચોકી થી ચાપાનેર પોલીસ ચોકી સુધી દુકાન મકાન સહિતની મિલકત ખરીદનાર અને વેચનાર આ બંને વ્યક્તિઓને દુઃખી થવાનો વારો આવ્યો છે. વિસ્તારના સ્થાનિક હોય કે ભાઈગીરી ધાક-ધમકી આપતા તત્વો, કે પછી રાજકીય પીઠબળ ધરાવતા કે સામાજીક મંડળોના નામે રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે.એક કરોડની મિલ્કત હોય તો તેની સામે 20 લાખ અને પચાસ લાખની મિલ્કત હોય તો 10 લાખની માંગણી કરવામાં આવી રહી છે.જ્યારે કેટલાક તો તહેવારોના નામે પણ વેપારીઓ પાસે જોર જબરજસ્તીથી ઉઘરાણી કરતા હોય છે.જેમાં સ્થાનિક પોલીસ પણ કશું કરી નથી શકતી.

ઇમલા હસ્તક જગ્યાની માલિકી આપવી જોઇએ
કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવતે  જણાવ્યું હતું કે કોર્પોરેશન વેરા માફી કરી રહી છે અને ઇમલા હસ્તક જગ્યા હોય તો માલિકી હક આપી દેવો જોઇએ, અમે તેની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટીમાં ચડાવી હતી,અને સભામાં મંજૂર કરાવી લેવી જોઈએ. તો તેની ચોક્કસ પોલીસી બનાવવામાં આવે તો જે વેપારીઓને હેરાનગતિ કરવામાં આવી રહી છે તે બંધ થઈ જાય.
એક મહિના પૂર્વ મેયરને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહીં 
સ્થાનિક અગ્રણી મનીષ જગતાપ કહેવું છે કે નવાબજારમાં 70થી 80 દુકાન એવી છે. જેની ફેર બદલી કરાઇ છે. એક મહિના પહેલા મેયરને રજૂઆત કરી છતાં પણ કોઇ કાર્યવાહી થઇ નથી. બાવીસ વર્ષથી પાલિકાને ભાડું ચૂકવતાં નથી.અગાઉ 25-1-2022 ના રોજ નવા બજારના વેપારી હુસેનભાઇ વિરુદ્ધ અરજી કરી હતી કે સેવાસદનની માલિકીની નવા બજાર તથા નવાબજારની દુકાનોમાં ગેરરીતિ આચરી માલીકી ફેરબદલી ભાડુઆત દ્વારા કબ્જા પાવતી થી અન્ય ત્રાહિત ઈસમ પાસેથી મોટી રકમ લઇ કબજો કરવા બાબતે રજુઆત કરી હતી.

સુલતાનપુરામાં વિધર્મીઓના ગેરકાયદે બાંધકામથી હોબાળો

  • વિધર્મીના ટોળાંએ વોર્ડ નં.14ના યુવા પ્રમુખને ઢોર માર માર્યો

વડોદરા: સુલતાનપુરા પાસે સાધના ટોકીઝના ખાંચામાં બાંધકામની પરમિશન વગર વિધર્મીએ ગેરકાયદે બાંધકામ કરતા સ્થાનિક હિન્દુઓમાં રોષ ફેલાયો હતો. અશાંત ધારા હેઠળ આવેલી મિલકત બાબતે પાલિકા તંત્રે બાંધકામ પરવાનગીના પુરાવા માગતા વિધર્મીએ આપવાના બદલે જવાબ સુધ્ધા રજૂ કરતો નથી. હિંદુ વિસ્તારમાં ખુલ્લેઆમ દાદાગીરી કરીને સાગરીતો સાથે મળીને શહેરની શાંતિ ડહોળાઈ તેવા કૃત્યો આચરે છે. આજે બનેલા બનાવનો પડઘો વાડી પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. વોર્ડ નંબર 14ના યુવા મોરચાના પ્રમુખ પ્રણવ શિંદે અને તેના મિત્રો વિધર્મીની મિલકત પાસેથી પસાર થતા એને આતર્યો હતો અને ટોળાંએ પ્રમુખને નિશાન બનાવીને ઘેરી લીધા હતા અને પૂર્વ યોજિત  કાવતરુ હોય તે મુજબ મારતાં દુધવાળા મહોલ્લા સુઘી લઈ ગયા હતા. કોઈ અનિચ્છનિય ઘટના બને તે પૂર્વે રહીશોએ ઈજાગ્રત પ્રમુખને ટોળામાંથી છોડાવ્યો હતો ગંભીર ઘેર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતાં ભાજપના અગ્રણી નેતાઓ કાર્યકરો હિન્દુ સંગઠનો દોડી આવ્યા હતા અને વિધર્મીની મિલકત ઉપર આક્ષેપ કરતો મોરચો વાડી પોલીસ મથકે ધસી ગયો હતો અને ઘટના બાબતે વિગતવાર જાણ કરી હતી. તંત્રની બેજવાબદારી ભરી કામગીરી અંગે ગંભીર આક્ષેપો કરતા ભાજપના અગ્રણીઓ એવું પણ જણાવ્યું હતું કે પાલિકા તંત્રે પોલીસને અનેક વખત રજુઆત કરવા છતાં ભુજ કડક પગલા લેવા નહીં હોવાથી સ્થાનિક હિન્દુઓની સુરક્ષા અને સલામતીના અનેક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. બનાવ બાબતે વાડી પોલીસને પણ અનેક વખત અરજીઓ આપી છે છતાં પોલીસ મુક પ્રેક્ષક બનીને કોઈ જ પગલાં ભરતી નથી તેથી માથાભારે વિદ્યાર્થીઓને મોકળું મેદાન મળી જાય છે અને મનફાવે તેવા ગુનાઈત કૃત્ય કરી ને ભયજનક વાતાવરણ ઉભુ કરવાથી અન્ય અંગો પણ સ્થળાંતર કરી જાય તેવી પેરવી કરી રહ્યા છે.

Most Popular

To Top