આજકાલ સુપ્રિમ કોર્ટના તેવર બદલાયેલા લાગે છે. તેમના બે ચુકાદા જરા હટકે આવ્યા. એક તો ચંદગઢના મેયરની ચૂંટણીમાં થયેલ ગોલમાલ ને પગલે, આપના ઉમેદવારને જ મેયર પદ અને બીજો ચુકાદો ઈલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ ગેરવાજબી છે તે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોસ્ટગાર્ડની મહિલા અધિકારીઓને કાયમી કમીશન આપવા નહીં નો ‘‘અમે આદેશ જારી કરીશું’’એમ પણ કહ્યું. ભાજપના રાજમાં રામદેવજીનો કારોબાર ફુલ્યો, ફાલ્યો હતો એને પણ તેમના ઉત્પાદનોના દાવાઓના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારી છે. આ તો પાશેરામાં પહેલી પુણી છે. આશા રાખીએ કે હવે પછીના ચુકાદાઓ તટસ્થ અને ન્યાયપૂર્ણ રીતે આવે. લગતા હૈ ‘‘મેરા દેશ બદલ રહા હૈ.’’
અડાજણ – પલ્લવી ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ખાનગી કોલેજોના ફિક્સ પગારધારકોનું શું?
તાજેતરમાં સમાચાર હતા કે ગ્રાન્ટેડ કોલેજોના ફિક્સ પગારધારક અધ્યાપકોએ પણ પગારવધારાની માંગણી કરી છે. જે સર્વધા યોગ્ય અને સમયોચિત છે પરંતુ ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ ખાનગી સ્વનિર્ભર કોલેજોમાં કામ કરતા તેમના બંધુઓ ફિક્સ પગારધારક અધ્યાપકોને પણ પગારવધારાની માંગણીમાં સામેલ કરવા જોઇએ કેમ કે આ અધ્યાપકોનું કોઇ રાગીધણી નથી તેમની બ્રીફ પકડનારું પણ કોઇ નથી. વળી કામના કલાકો, કાર્યભાર, રજાના દિવસે પણ કોઇને કોઇ બહાને ફરજ પર બોલાવવા વગેરે હેરાનગતિઓનો પાર નથી. આથી ખાનગી કોલેજોના ફિક્સ પગારધારક અધ્યાપકોનું છેડેચોક થતું શોષણ અટકાવવા તેમને પણ સાથે લઇને ચાલવાની તાતી જરૂર છે.
કનીજ – પી.એમ. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.