સુરત : સુરત મનપાના (SMC) વરાછા ઝોનના હેલ્થ વર્કરે (Health Worker) ચાલુ ફરજે આપઘાતનો (Suiside) પ્રયાસ કરતા ચર્ચાનો વિષય (Subject) બન્યો છે. વરાછા ઝોનમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા પ્રતાપભાઈ ડાહ્યાભાઈ પટેલ પ્રાઇમરી હેલ્થ વર્કર હોવાનું સામે આવ્યું છે. મેમો, શો-કોઝ નોટિસ આપી માનસિક રીતે હેરાન કરતા ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સ્યુસાઈડ નોટમાં (Suiside Note) લખ્યું છે.
ગુરૂવારે સવારમાં જ પ્રતાપભાઈ પટેલ ફુલપાડા ઓફિસમાં મચ્છર મારવાની દવા પી લેતા ભાગદોડ મચી ગઇ હતી. સાથી કર્મચારીઓ તાત્કાલિક પ્રતાપભાઈને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમની તબિયત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારે કહ્યું હતું કે પ્રતાપભાઈ 25 વર્ષથી કામ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એમના વિસ્તારમાં મેલેરિયાના કેસ નહીં હોવા છતાં ખોટા કેસ બનાવવાના પેપર પર સહી કરાવવા ત્રાસ આપી રહ્યા હતા. સુસાઈડ નોટમાં પ્રતાપભાઈએ લખ્યું છે કે, નાયબ આરોગ્ય અધિકારી એ.પી. ભટ્ટ, જંતુનાશક અધિકારી જે.ડી પટેલ, એસએસઆઈ રમીલાબેન ગામીત દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરી અધિકારીઓ મનપાને નુકશાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. નોંધ, મેમો, શો-કોઝ નોટિસ આપી ભેદભાવ રાખી રહ્યા છે. કોઈ કારણ વગર ચાર્જશીટ આપી કે અપાવી ખોટા રિપોર્ટ કરી મને ફસાવવા માગે છે. એટલું જ નહીં પણ મને જ ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ ત્રણેય અધિકરીઓના માનસિક ત્રાસથી આપઘાત કરવાના હેતુથી મચ્છર મારવાની દવા પીધી છે તેવો ઉલ્લેખ તેઓએ સ્યુસાઈડ નોટમાં કર્યો હોવાનો જાણવામાં આવ્યું છે. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.