નવી દિલ્હી: કેનેડામાં (Canada) મહેસાણાના (Mahesana) બે યુવક દરિયામાં (Sea) ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. મહેસાણાના બે ભાઈ ફોટોશૂટ માટે કેનેડામાં આવેલા પોગીઝ કોવ લાઈટ હાઉસ ખાતે ગયા હતા. જ્યાં તેમની સાથે સમગ્ર ઘટના બની હતી. મહેસાણાના બારોટ પરિવારના બે સગા ભાઈ ફોટોશૂટ માટે ગયા હતા જ્યાં નાના ભાઈનો પગ લપસી જતા તે દરિયામાં ડૂબવા લાગ્યો હતો. નાના ભાઈને દરિયામાં ડૂબતા જોઈ મોટો ભાઈ પણ તેને બચાવવા દરિયામાં કૂદ્યો હતો. પરંતુ મોટા ભાઈના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા, અને નાના ભાઈનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં કેનેડિયન ફાયર અને ઇમરજન્સી જોઈન્ટ રેસ્ક્યુ કો ઓર્ડીનેટર સેન્ટર અને કેનેડિયન કોસ્ટ ગાર્ડ ઘટના સ્થળે આવી યુવકોની શોધખોળ કરી હતી.
મહેસાણાના બારોટ પરિવારના બે સગા ભાઈ હર્ષિલ બારોટ અને ઝરીન બારોટ નામના બે યુવકો કેનેડામાં આવેલા પેગીઝ કોવ ખાતે ફોટોશૂટ માટે ગયા હતા. જ્યાં તે બંને ભાઈઓ લાઈટ હાઉસ નજીક ખડકો ઉપર ઉભા હતા. તે દરમિયાન નાના ભાઈ હર્ષિલ બારોટનો પગ લપસી જતા તે દરિયામાં ડૂબવા લાગ્યો હતો. નાના ભાઈને ડૂબતા જોઈને મોટો ભાઈ તેને બચાવવા તેની પાછળ દરિયામાં કુદ્યો હતો, પરંતુ તેના પ્રયત્નો નિષ્ફળ રહ્યાં હતા. અને મોટા ભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી.
હર્ષિલ બારોટ નામના યુવાનનું ડૂબી જવાથી મોત થયાની ખબર મળતા તેના માતા-પિતા કેનેડા જવા માટે રવાના થયા છે. જ્યારે તેના મોટા ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં કેનેડિયન ફાયર અને ઇમરજન્સી જોઈન્ટ રેસ્ક્યુ કો ઓર્ડીનેટર સેન્ટર અને કેનેડિયન કોસ્ટ ગાર્ડ ઘટના સ્થળે પહોંચી યુવકોની શોધખોળ કરી હતી જ્યાં તેમને ઝરીન બારોટ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. ઘટના બને એ પહેલા મૃતક હર્ષિલ અને તેનો ભાઈ ગાડીમાં સવાર થઈને દરિયા કિનારે જતા તેમનો વીડિયો બનાવી લીધો હતો અને તેમણે આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ અપલોડ કર્યો હતો. જેમાં બંને ભાઇઓએ દરિયાના અને આસપાસના દ્રષ્યો પોતાના ફોનમાં કેદ કરતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, પાંચ મહિના પહેલાં કેનેડા ભણવા ગયેલા વડોદરાના યુવકનો અભ્યાસ પૂર્ણ થતાં તે મિત્રો સાથે ફરવા ગયો હતો અને ક્લિફ જમ્પિંગ રમતાં ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું.