Gujarat

દાદા અને ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ’ફેરેલ વચ્ચે ગાંધીનગરમાં બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સ્થિત ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ’ફેરેલ વચ્ચે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી.
મુખ્યમંત્રી પટેલે વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયા-ગુજરાત સાથે મળીને આગળ વધે તથા સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બને તે માટેની ઉત્સુકતા આ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમ્યાન વ્યકત કરી હતી.

તેમણે પીએમ નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની નેમ આ સંબંધોના સેતુથી પાર પાડવા પણ નેમ દર્શાવી હતી. તેમણે પીએમ મોદીના આગવા વિઝનની ફલશ્રુતિ રૂપે નિર્માણ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટિની ખાસ મુલાકાત લેવા ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરને અનુરોધ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ’ફેરેલે માઇનિંગ ટેક્નોલોજી, ઇલેક્ટ્રિક વ્હીકલના બેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયન તજજ્ઞતાનો લાભ ગુજરાતને મળે તે માટે પણ ફળદાયી વિચાર-વિમર્શ કર્યો હતો. ભારતની નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ અંતર્ગત જે નવિન તકો ઉપલબ્ધ થઇ છે તે સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઝની ગુજરાતમાં સ્થાપના માટેની સંભાવના અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રી પટેલે ગુજરાતની વૈશ્વિક ઓળખ બનેલા વાયબ્રન્ટ સમિટની 10મી શૃંખલામાં ઓસ્ટ્રેલિયાની સહભાગીતાનો ઉલ્લેખ કરતાં આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦રરમાં પણ જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું. ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરએ મુખ્યમંત્રીને ઓસ્ટ્રેલિયા મુલાકાતનું નિમંત્રણ આપ્યું હતું

Most Popular

To Top