સુરત (Surat) : રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધથી (Russia Ukraine War) પણ ઘણા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો હતો. નેશનલ મેડિકલ કમિશને (National Medical Council) લોકડાઉન-યુદ્ધના કારણે પરત ફરેલા વિદ્યાર્થીઓ (Medical Students) માટે મહત્વનો નિર્ણય કર્યો છે કે તેઓ એક વર્ષ વિદેશ અને એક વર્ષ ભારતને બદલે બંને વર્ષ ભારતમાં ઈન્ટર્નશીપ (Internship) કરી શકશે અને ત્યારબાદ તેઓ રજિસ્ટ્રેશન માટેની પરીક્ષા (Exam) આપી શકશે.
- વિદેશીમાં ભણનારા મેડિકલ વિદ્યાર્થીઓ હવે બે વર્ષ ભારતમાં ઈન્ટર્નશીપ કરી શકશે
- પહેલા આવા વિદ્યાર્થીઓએ એક વર્ષ વિદેશ અને એક વર્ષ ભારતમાં ઈન્ટર્નશીપ કરવાની રહેતી હતી
- ત્યારબાદ જ ફોરેઈન મેડિકલ ગ્રેજ્યુએટ માટેની ભારતમાં પરીક્ષા આપી શકતા હતા
કોરોના મહામારી (Corona Pandemic ) અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિદેશની મેડિકલ કોલેજોમાં (Foreign Medical College) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને માઠી અસર થઇ છે. કોરોનાને કારણે ચીન, કેનેડા, રશિયા સહિતના દેશોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ત્યાં લોકડાઉનને (Lock Down) કારણે પરત ફરવાનો વારો આવ્યો હતો. જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પણ ઘણા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો છે, ત્યારે નેશનલ મેડિકલ કમિશને આ વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને હાલ પૂરતી એક વખત રાહત આપવામાં આવી છે.
નેશનલ મેડિકલ કમિશને યુદ્ધ અને કોરોનાને કારણે વિદેશથી પરત ફરેલા વિદ્યાર્થીઓને ‘ફોરેઇન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા’માં રાહત આપવાનો નિર્ણય લીધો છે. કોરોના અને યુદ્ધના કારણોસર ભારત દેશ પરત ફરેલા અને એમબીબીએસ-ગ્રેજ્યુએશનનો (MBBS Graduation) અભ્યાસક્રમ 30 જૂન-2022 પહેલા પૂરો કર્યો હોય એવા વિદ્યાર્થીઓ ફોરેઇન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા આપવા લાયક ગણાશે. તેમને આ પરીક્ષા પાસ કર્યા બાદ ફરજિયાતપણે બે વર્ષ માટે રોટેટિંગ મેડિકલ ઇન્ટર્નશીપ કરવાની રહેશે, ત્યાર બાદ જ તેઓ ભારતમાં રજીસ્ટ્રેશન માટે પાત્ર ગણાશે. અગાઉ વિદેશમાં એમબીબીએસનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ એક વર્ષ વિદેશમાં અને એક વર્ષ ભારતમાં ઇન્ટર્નશીપ કરવાની જોગવાઇ હતી. જોકે, વિદ્યાર્થીઓને હાલ પૂરતી એક વખત રાહત આપવામાં આવી છે.