Sports

આજે ઓસ્ટ્રેલિયા સામે પહેલી T-20, ભારતની નજર ટીમ સંયોજન પર

મોહાલી: ઓસ્ટ્રેલિયા સામે મંગળવારથી શરૂ થનારી ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ મેચોની (International Match) સીરિઝ દરમિયાન ક્રિકેટના (Cricket) સૌથી ટૂંકા ફોર્મેટના ભારતીય ટીમ (Indian Team) વર્લ્ડકપ પહેલા પોતાના ટીમ સંયોજન, ખાસ કરીને મિડલ ઓર્ડરના મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરશે. ટી-20 વર્લ્ડકપ 2022 પહેલા ભારતે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ અને દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મળીને કુલ છ મેચો રમવાની છે જેમાં કેટલાક ઝડપી બોલર્સને આરામ આપવામાં આવ્યો હશે, પરંતુ આ સિવાય ભારત પોતાની મજબૂત ટીમ સાથે જઈ રહ્યું છે.

ટી-20 ફોર્મેટમાં લવચીકતા જાળવવી મહત્વપૂર્ણ હોવાથી સુકાની રોહિત શર્માએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં રમાનારી આઇસીસી ઇવેન્ટ પહેલા તમામ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કરશે. જો કે એશિયા કપમાં ભારતે સારી બેટિંગ કરી હતી, પરંતુ આ દરમિયાન ભારતની બોલિંગની નબળાઈઓ પણ સામે આવી હતી, પરંતુ હર્ષલ પટેલ અને જસપ્રિત બુમરાહની વાપસીએ આક્રમણને મજબૂત બનાવ્યું છે.

રોહિતે સ્પષ્ટ કર્યું કે કેએલ રાહુલ વર્લ્ડ કપમાં તેની સાથે ઇનિંગની શરૂઆત કરશે, પરંતુ એવી સંભાવના પણ છે કે વિરાટ કોહલી તેની સાથે ઇનિંગની શરૂઆત કરશે. પોતાની છેલ્લી ટી-20 ઇનિંગ્સમાં સદી ફટકારનાર કોહલીને ઓપનર તરીકે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. ભારતીય બેટિંગ ક્રમમાં ટોચના ચાર બેટ્સમેન નિશ્ચિત છે પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં ઋષભ પંત કે દિનેશ કાર્તિકમાંથી કોને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવશે તે હજુ નક્કી નથી.

જાડેજાની ગેરહાજરીને કારણે પંતને કાર્તિક પર પ્રાથમિકતા મળવાની સંભાવના
રવીન્દ્ર જાડેજા ઘાયલ હોવાથી ટી-20 વર્લ્ડકપમાં રમવાનો નથી આ સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ ડાબોડી બેટ્સમેન હોવાના કારણે ઋષભ પંતને દિનેશ કાર્તિક પર પ્રાથમિકતા આપી શકે છે. કાર્તિકને ફિનિશરના રોલ માટે સામેલ કરવામાં આવ્યો છે, પણ તેને એશિયા કપમાં બેટિંગ કરવાની ભાગ્યે જ તક મળી હતી. જો કે ટીમ મેનેજમેન્ટ તેને આગામી બે અઠવાડિયામાં ક્રિઝ પર થોડો સમય વિતાવવાની તક આપી શકે છે. દીપક હુડા એશિયા કપમાં સુપર ફોરની તમામ મેચોમાં રમ્યો હતો પણ ટીમમાં તેની ભૂમિકા અંગે કોઈ સ્પષ્ટતા નથી.

ટીમમાં જો અક્ષર પટેલનો સમાવેશ થાય તો બોલીંગ આક્રમણ બેલેન્સ થઇ જશે
એશિયા કપ દરમિયાન જાડેજાની ઈજાના કારણે ટીમમાં બોલિંગ બેલેન્સ ખોરવાઈ ગયું હતું અને ભારતે પાંચ બોલરો સાથે રમવાની ફરજ પડી હતી અને બોલિંગમાં છઠ્ઠો વિકલ્પ નહોતો. જો ભારત હાર્દિક પંડ્યા અને જાડેજાના સ્થાને ટીમમાં આવેલા અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં રાખે છે, તો તેમની પાસે વધારાનો બોલિંગ વિકલ્પ હશે. જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને હાર્દિક ઝડપી બોલિંગ આક્રમણ સંભાળશે અને તેમની સાથે અક્ષર અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં બે સ્પિનરો હોઈ શકે છે.

Most Popular

To Top