બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત દ્વારા આઝાદી અને ગાંધીજી અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોથી દેશ અને દુનિયામાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. બુધવારે અમદાવાદમાં પણ કંગના રાણાવત સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો. આઝાદી અને ગાંધીજી અંગે વિવાદાસ્પદ નિવેદનને લઈને લોકોમાં તેની સામે ભારે આક્રોશ ફેલાયો છે. શહેરના નવરંગપુરા અને યુનિવર્સિટી પોલીસ મથકમાં કંગના રાણાવત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ગાંધીઆશ્રમ ખાતે રહેતા ગાંધીવાદીઓએ પણ કંગના રાણાવતના નિવેદનનો ભારે વિરોધ કરી તેના પૂતળાદહનનો કાર્યક્રમ યોજ્યો હતો. જોકે આ અંગેની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક ગાંધીઆશ્રમ ખાતે પહોંચીને ત્રણ ગાંધીવાદીઓને નજરકેદ કર્યા હતા, અને ગાંધી આશ્રમની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
યુથ કોંગ્રેસે અને આપએ કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
બુધવારે સવારે યુનિવર્સિટી વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા કંગના રાણાવતનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, અને તેની વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેવી જ રીતે શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટી દ્વારા અભિનેત્રી કંગના રણાવત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.