SURAT

રિંગરોડના બ્રિજ પર જોરદાર એક્સિડેન્ટ, ડિવાઈડર કુદી કાર રોંગ સાઈડમાં પોલીસ ચોકીમાં ઘુસી ગઈ

સુરત: શહેરના રિંગરોડ બ્રિજ પર આજે વિચિત્ર અકસ્માત થયો હતો. અહીં ફૂલસ્પીડમાં દોડતી એક કાર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં પોલીસ ચોકીની અંદર ઘુસી ગઈ હતી. આ કારે એક એક્ટિવા ચાલકને પણ અડફેટમાં લીધો હતો. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું. એક્ટિવા ચાલક અને કાર ચાલકને ઈજા થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલ્વે સ્ટેશન તરફથી રિંગ રોડ બ્રિજ ચડીને જતી એક કાર (GJ5RF9056) નો ચાલક પૂરપાટ ઝડપે ઉધના તરફ જઈ રહ્યો હતો. કારની સ્પીડ વધુ હોઈ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને ડિવાઈડર કુદાવીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. સામેથી આવતી એક્ટિવાને અડફેટે લઈ કાર પોલીસ ચોકીમાં ઘુસી ગઈ હતી.

કારની સ્પીડ એટલી બધી હતી કે એક્ટિવાને ટક્કર માર્યા બાદ પણ તે અટકી નહોતી અને બ્રિજ પર બનાવાયેલી નવી ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘુસી ગઈ હતી. કારની સ્પીડ ખૂબ હતી. પોલીસ ચોકી સાથે ટકરાયા બાદ તે ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ હતી. ડિવાઇડર નહીં હોતે તો 30 થી 40 ફૂટ નીચે કાર પડી જાય તેવી સંભાવના હતી. કારના આગળની સાઈડના બંને ટાયર અને બોનેટને અકસ્માતમાં નુકસાન થયું છે.

કાર ટ્રાફિક પોલીસ ચોકીમાં ઘૂસી જતા ટ્રાફિક પોલીસ ચોકીને પણ નુકસાન થયું છે. અકસ્માતમાં એકટીવા ચાલકને ઈજા થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે કારચાલકને પણ ચહેરાના ભાગે ઇજાઓ પહોંચી છે તેને પણ સારવાર કરાવવામાં આવી હતી.

સલાબતપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે રાત્રે આ કાર્ડનો અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ એક્ટિવા ચાલક અને કારચાલક બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ એકટીવા ચાલકનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top