SURAT

મજૂરાગેટની ચારેતરફ ચક્કાજામ, બ્રિજ પર ટ્રકમાંથી માટી ઢોળાતાં સર્જાયું કમઠાણ

સુરત: શહેરના મધ્યમમાં મજૂરાગેટની આસપાસ ચારેતરફ આજે દિવસ દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. મજૂરાગેટની ચારેતરફ બે-બે કિલોમીટર લાંબો ટ્રાફિક સર્જાયો હતો. વાહનોના પૈંડા થંભી ગયા હતા. નોકરી, ધંધા પર જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે, બ્રિજ પર કોઈ ટ્રકમાંથી માટી ઢોળાવાના લીધે આ કમઠાણ સર્જાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મજૂરા ગેટ ખાતે બ્રિજ પર માટે ઢોળાવાના લીધે બ્રિજને બંધ કરવાની ફરજ પડી હતી. બ્રિજ બંધ કરી દેવાતા મજૂરા ગેટની ચારે તરફ બે બે કિમી નો ટ્રાફિક જામ થયો હતો. રીંગરોડ ઉધના દરવાજાથી માંડીને મજુરા ગેટ સુધી વાહનોના પૈંડા થંભી ગયા હતા. એટલો બધો ટ્રાફિક થઈ ગયો હતો કે, એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી.

આજે સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલ સામે મજુરા ગેટ બ્રિજ ચડતા ટ્રકમાંથી માટી ઢોળાઈ ગઈ હતી. ઓવરબ્રિજ પર ટ્રકમાંથી માટી રોડ પર પથરાઈ ગઈ હતી. માટી પરથી વાહનો પસાર થતાં તે વધુ ફેલાઈ હતી અને રસ્તો લપસણો બની ગયો હતો. તેથી બ્રિજ બંધ પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.

સતત વાહનોથી ભારે વ્યસ્ત રહેતા સિવિલ હોસ્પિટલ બહારનો રોડ બંધ કરવામાં આવતાં સિવિલમાં આવતી એમ્બ્યુલન્સને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તો બંધ કરવા માટે બેરિકેડ ઘટતાં એક મોપેડ પણ આડું મુકી દેવાતાં વાહનચાલકો પણ હેરાન થયા હતા.મજૂરા ગેટ વિસ્તારની ચારે તરફ આવેલા તમામ રસ્તાઓ પર બે કિ.મી. લાંબો ટ્રાફિક સર્જાતા વાહન ચાલકોને નીકળતા અડધો કલાકથી વધુનો સમય લાગી ગયો હતો.

જણાવી દઈએ કે અવાર નવાર આ રીતની સમસ્યા સર્જાય છે. કારણ કે, શહેરમાં અનેક મોટા પ્રોજેક્ટો ચાલતા હોવાથી આ સમસ્યા સર્જાય છે. રસ્તા પરથી માટીના ટ્રક પસાર થાય તે વખતે માટી નીચે પડતી હોય છે. જેથી પાલિકાના ફાયરબ્રિગેડને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. પાણીનો મારો ચલાવી માટી દૂર કરીને રસ્તાને ફરી વાહનો માટે ખુલ્લો કરવાની ફરજ પડી હતી.

Most Popular

To Top