Dakshin Gujarat

‘સાહેબ, હું બાલ બચ્ચાવાળો માણસ છું, મારું લગ્નજીવન પડી ભાંગે તેવો મને ડર છે’

ખેરગામ : સોશિયલ મીડિયાના (Social Media) દુરુપયોગના બનાવોમાં ઘણીવાર કાયદાકીય સકંજો પણ કસાય છે. છતાં લોકો સુધરવાનું નામ લેતા નથી. ખેરગામના ઢોલુંબર ગામે મજૂરી કરતા યુવકને રૂમલાના હેમંત ગરાસીયાએ ફેસબુક (Facebook) ઉપર અન્ય સ્ત્રી સાથેના ફોટા મુદ્દે બદનામ કરવાની કોશિષ કરતાં મામલો નવસારી ડીએસપીની કચેરીમાં પહોંચ્યો છે. ઉપરાંત ફોન (Phone) ઉપર ધમકી આપવા સાથે જીવવાનું પણ દુષ્કર કરી દીધું છે. જેથી યુવાને ન્યાયની ગુહાર લગાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામના ઢોલુંબર ગામે દાદરી ફળિયામાં રહેતા અશ્વિન ગમન પટેલ (ઉંવ.44) મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેણે ચીખલીના રૂમલા ગામે મંગળપાડા ફળિયામાં રહેતા હેમંત શંકર ગરાસીયા સામે નવસારી સાયબર કચેરીમાં સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટરને ફરિયાદ આપી હતી. હેમંત ગરાસીયા છેલ્લા ઘણા સમયથી એને ફોન કરી હેરાન કરે છે. ફેસબુક ઉપર અશ્વિન પટેલ જેવા જ દેખાતી વ્યક્તિના ફોટા અન્ય સ્ત્રી સાથે હોવાના આક્ષેપ કરી સોશિયલ મીડિયા ઉપર ફરતો કરી બદનામ કરવાની કોશિષ કરી હતી. હેમંતની આ હરકતથી અશ્વિન પટેલે એવું પણ અરજીમાં જણાવ્યું છે કે, સાહેબ, હું બાલબચ્ચાવાળો માણસ છું, મારું લગ્નજીવન પડી ભાંગે તેવો મને ડર છે. વધુમાં અશ્વિનના મોબાઇલ ફોન ઉપર કોલ કરી ગાળાગાળી કરવા સાથે મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવતી હોવાનો આક્ષેપ તેણે કર્યો છે. હેમંત ઉપદ્રવી માનસિકતા ધરાવતો હોવાથી અશ્વિનને શારીરિક નુકસાનનો પણ ભય છે. આથી નવસારી ડીએસપી કચેરીને કાર્યવાહી બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

હાંસાપોર ગામમાં પાસે પૈસા બાબતે બે યુવાનો બાખડ્યા
નવસારી : હાંસાપોર ગામ પાસે પૈસા માંગતા એક યુવાને બીજા યુવાનને માર મારતા મામલો જલાલપોર પોલીસ મથકે પહોચ્યો હતો. વિજલપોર રામનગર-3 માં રાજીવ રામનિવાસ શર્મા પરિવાર સાથે રહે છે. રાજીવભાઈએ પડોશમાં રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્ના જોરાવરભાઈ ભદોરિયાને અગાઉ મકાનના પૈસા આપ્યા હતા. જે પૈસા રાજીવભાઈ નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્ના પાસે માંગી રહ્યા હતા. પરંતુ તેઓ રાજીવભાઈને પૈસા આપતા ન હતા. ગત 18મીએ હાંસાપોર ગામે ચાચા ચીકનની બાજુમાં આવેલી નહેર પાસે રાજીવભાઈ નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાને મળ્યા હતા.

ત્યારે નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાએ પૈસા બાબતની અદાવત રાખી રાજીવભાઈ સાથે ઝઘડો કરી અપશબ્દો બોલી માર મારવા લાગ્યો હતો. ઝઘડામાં ઝપાઝપી દરમિયાન રાજીવભાઈને ધક્કો લગતા રાજીવભાઈ નહેરમાં પડી જતા નહેરની દીવાલ માથામાં વાગી હતી. જેના પગલે તેમને માથામાં ઈજાઓ થઇ હતી. જેથી નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્ના જતા જો તું મકાનના પૈસા ફરી માંગશે તો તને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગયા હતા. આ બનાવ અંગે રાજીવભાઈએ જલાલપોર પોલીસ મથકે નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્ના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. પ્રવિણભાઈને સોંપી છે.

Most Popular

To Top