Gujarat

કોંગ્રેસ ભાઇ-બહેનોની પાર્ટી, ભારત જોડો નહીં પાર્ટી જોડો યાત્રા કરી રહી છે : નડ્ડા

HTML Button Generator

ગાંધીનગર : સૌરાષ્ટ્ર – કચ્છની ૫૪ બેઠકો પર નજર રાખીને મંગળવારે ભાજપના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રાજકોટમાં બપોરે રેસકોર્સ રોડ પર ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓની જનસભા તથા મોરબીમાં રોડ શો (Road Show) યોજ્યો હતો. નડ્ડાએ રાજકોટમાં સભાને સંબોધતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્રની ધરા એ સંતોની ભૂમિને મારા નમન છે. કોરોના જેવી વૈશ્વીક મહામારીમાં જ્યારે અન્ય રાજકીય પાર્ટીના નેતાઓ તેમના ઘરે બેસી ગયા, ક્વોરોન્ટાઇન થયા, આઇસોલેશન થયા ત્યારે સોશિયલ મીડિયામાં બોલતા, ટીવીમાં બોલતા જોવા મળે પરંતુ પ્રજા વચ્ચે નહોતા જતા ત્યારે ભાજપના કાર્યકરોએ “સેવા હી સંગઠન”ના માધ્યમથી જનતાની સેવા કરી તે બદલ આભાર. ભાજપના કાર્યકર રાજનીતિ નથી કરતો પરંતુ જનતાની સેવા કરે છે. કોરોના મહામારીમાં રસી બાબતે અન્ય રાજકીય પાર્ટીઓ પ્રમાણ માંગતા, ખોટી અફવા ફેલાવતા ત્યારે આપણા પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીમાં દેશને એક નહી બે બે કોરોનાની રસી આપી છે.

નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, ચિકનપોકસની દવા ભારતમાં આવતા 25 વર્ષ વિત્યા, પોલિયોની દવા આવતા 27 વર્ષ લાગ્યા પરંતુ કોરોનાની મહામારીમાં એક નહીં બે રસી અપાવી છે. ભારતીય જનતા પાર્ટીના લાખો-કરોડો કાર્યકરોના રેડેલા પરસેવાથી દેશના દરેક નકશામાં આજે કમળ જોવા મળે છે. આપણે ઇન્ફાસ્ટ્રકચર, પર્યાવરણ પર ધ્યાન આપવાની જરૂર છે. આપણે માત્ર રાજનીતિ નથી કરતા પરંતુ દેશની કાયાપલટ કરવા આવ્યા છીએ. આપણે પ્રો-એક્ટિવ, પ્રો રિસ્પોન્સીબલ અને ટ્રાન્સપરન્ટ રહેવાનું છે. ડિજીટલાઇજેશના માધ્યમથી કાગળના કાર્યોને ઘટાડવાના છે અને ફોર્મ અને એપ્લિકેશનને ડિજિટલાઇજેશ કરવાનું છે. તેમણે કહ્યું હતું કે આજે વૈચારીક દ્રષ્ટીએ કાર્ય કરવાવાળી એક માત્ર રાજકીય પાર્ટી હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી ન તો ઇન્ડિયન છે ન તો નેશનલ છે કોંગ્રેસ તો ભાઇ-બહેનોની પાર્ટી છે. કોંગ્રસ ભારત જોડો નહીં પાર્ટી જોડો યાત્રા કરી રહી છે.

‘આપ’ને આડે હાથે લેતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે વરસાદમાં બિલાડીની ટોપની જેમ નિકળતી રાજકીય પાર્ટીઓને ગુજરાતમાં કયારેય ગુજરાતની જનતાએ સ્થાન આપ્યું નથી. ગુજરાતમાં કેટલાક રાજકીય પાર્ટીના યુવકોને નોકરી આપવાની વાતો કરે છે પરંતુ ગુજરાત એક માત્ર રાજ્ય એવું છે કે જ્યાં આખા દેશમાંથી મોટી સંખ્યામાં અન્ય રાજ્યના લોકો રોજગારી મેળવી રહ્યા છે. કોરોના જેવા કપરા સમયમાં ગુજરાત જ એવું રાજ્ય હતું જ્યાં અન્ય રાજ્યમાંથી રોજગારી માટે આવેલા લોકોને રોટલો અને ઓટલો બંને મળી રહ્યો. કેટલીક રાજકીય પાર્ટી ગુજરાતની શાંતિને ડોહળવાનો પ્રયત્ન કરે છે, ગુજરાતના વિકાસને અટકાવવાનો પ્રયત્ન કરે છે તેને ગુજરાતની જનતા માફ નહીં કરે. ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યમાં જે રાજકીય પાર્ટીની તમામ બેઠકો પર ડિપોઝિટ ગઇ છે તે પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવાની વાત કરે છે. ગુજરાત ભાજપના કાર્યકરોએ આવી રાજકીય પાર્ટીઓને ચેલેન્જ કરી છે કે ચૂંટણીમાં તમે ખાતુ તો ખોલાવી જુઓ. ગુજરાતની પ્રજા મફતની રેવડી ચક્કરમાં આવે તેમ નથી. ગુજરાતની જનતાને મફતમાં રેવડી ખાવાની આદત નથી. ગુજરાતની જનતાની માનસિકતાને નબળી કરવાનો પ્રયત્ન ન કરે. આજે હું ચેતવણી આપું છું. સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ કયારેય ચૂંટણી લક્ષી કાર્ય કર્યુ નથી. ભાજપનો કાર્યકર પ્રજા વચ્ચે રહી સેવાકીય કાર્યો કરવા ટેવાયેલો છે. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળશે તેવો મને વિશ્વાસ છે.

ગાંધીનગરથી નમો ખેડૂત પંચાયતનો આરંભ કરાવતા નડ્ડા
ગાંધીનગર : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ મંગળવારે ગાંધીનગરમાં કોબા ખાતેથી નમો ખેડૂત પંચાયતનો આરંભ કરાવ્યો હતો. નડ્ડાએ ઇ-બાઇક પર 32 ઇંચની એલઇડી સ્ક્રીનના માધ્યમથી પ્રચાર-પ્રસાર માટેની ઈ-બાઇકની લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 2 ઓક્ટોબર સુધી નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાનાર છે.

નડ્ડાએ જણાવ્યું હતું કે નમો કિસાન પંચાયત અંતર્ગત ગુજરાત રાજ્યની 143 વિઘાનસભા બેઠક પર આશરે 14,200 ગામડામાં નમો કિસાન પંચાયત કાર્યક્રમ હેઠળ આ ઈ-બાઇક એલઇડી સાથે પરિભ્રમણ કરીને કિસાનલક્ષી કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી આપશે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કિસાન કલ્યાણ માટે જે યોજનાઓ બનાવવામાં આવી છે અને જે કાર્યો કરવામાં આવેલા છે તેની તમામ માહિતી આ ઈ-બાઈક પર એલઇડી સ્ક્રીન થકી આપવામાં આવશે.

Most Popular

To Top