Charchapatra

21મી માર્ચ: રાત દિવસ સરખા

21મી માર્ચના દિવસે બપોરે સૂર્ય વિષુવવૃત્ત ઉપર બરાબર કાટખૂણે પ્રકાશે છે. ઝીરો અક્ષાંશને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. 21મી માર્ચના દિવસે મકરવૃત્ત અને કર્કવૃત્તના પ્રદેશોમાં રાત અને દિવસ સરખા બને છે. 21મી માર્ચ પછી સૂર્ય, કર્કવૃત્ત, અર્થાત્ સાડીતેવીસ ડીગ્રી ઉત્તર અક્ષાંશ તરફ પ્રયાણ કરે છે. એટલે આપણે જે પ્રદેશોમાં વસીએ છીએ ત્યાં કર્કવૃત્તના પ્રદેશોમાં સત્તાવાર ઉનાળો શરૂ થાય છે અને દિવસ ધીમે ધીમે મોટો થતો જાય છે. જયારે રાત્રી ધીમે ધીમે નાની બનતી જાય છે. તો મકરવૃત્ત અથાત સાડી ત્રેવીસ ડીગ્રી દક્ષિણ અક્ષાંશના પ્રદેશોમાં સત્તાવાર રીતે શિયાળાનું આગમન શરૂ થાય છે. ત્યાં ધીમે ધીમે રાત્રી મોટી બનતી જાય છે અને દિવસ ટૂંકો થતો જાય છે. 21મી માર્ચ અને પારસી સમાજનો ખાસ દિવસ જમશેદી નવરોઝ મનાવાય છે. અગ્નિપૂજક પારસી લોકો સૂર્યના આવા આવન-જાવનના ભ્રમણને પવિત્રતાથી નિહાળે છે.
સુરત     – બાબુભાઇ નાઇ-  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અકસ્માતોની ભરમાર: એક સમીક્ષા
શહેરમાં દર બીજા દિવસે બી.આર.ટી.એસ. રૂટમાં બસચાલક દ્વારા ટુ વ્હીલરને અડફેટે લેતાં અથવા કયાંય પણ રૂટ બહાર રાહદારીને અડફેટે લેતાં ગંભીર અકસ્માતોની શ્રૃંખલા વધી છે. ઓવરબ્રીજ પર પણ ઓવરસ્પીડ બાઈક ચલાવનારાં (ધૂમ સ્ટાઈલ)ને લીધે ડીવાઈડર સાથે અથડાવાને કારણે અકસ્માત થાય છે. ઘણી વાર તો ટુ વ્હીલર ચાલક બી.આર.ટી.એસ.રૂટમાં આવતી બસની નોંધ લીધા વિના વચ્ચેથી પસાર થાય છે ત્યારે પણ અકસ્માત થાય છે. આમ, બીજાની બેદરકારી તો નિર્દોષનો ભોગ લે જ છે, પણ વ્યક્તિની પોતાની બેદરકારી પણ એટલી જ હોય છે. આમ, ઉભય પક્ષે ઓવરસ્પીડ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને બેદરકારી દેખાય છે. ટ્રાફિક પૉલીસને અવગણીને વાહન હંકારી જતાં લોકો પણ છે. અકસ્માત થાય ત્યારે દોષારોપણની પ્રક્રિયા સહજ છે અને સ્વજન ગુમાવે કે ભોગ બને તેની મનોવ્યથા પણ જુદી જ છે. વ્યકિત પોતે ટ્રાફિક અંગેના મૂળભૂત નિયમોનું પાલન કરે તો છાશવારે થતાં આવા અકસ્માતો નિવારી શકાય.
સુરત     – વૈશાલી શાહ –  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top