વાંકલ: માંગરોળ તાલુકાના વેરાકુઇ ઝાબ પાતલ માર્ગ પર માટી ભરેલું ડમ્પર પલટી મારી ગયું હતું. પરંતુ સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ડમ્પરનો ચાલક રાહુલ વસાવા કામરેજથી માટી ભરવા માટે આવ્યો હતો, ત્યારે આ સ્થળે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ડમ્પર માર્ગની બાજુમાં આવેલી ગટરમાં પલટી મારી ગયું હતું. ડમ્પર કામરેજના દોલત ભરવાડની માલિકીનું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જોથાણ નજીક રિક્ષા પલટી મારતાં ચાલકનું મોત
દેલાડ: ઓલપાડ-સુરત રાજ્ય ધોરી માર્ગ ઉપર એક ઓટો રિક્ષા પલટી મારતાં ઈજાગ્રસ્ત રિક્ષાચાલકનું મોત થયું હતું.
મૂળ જામનગરના જોડિયાના માધાપર ગામનો વતની લાલજી વિનોદ દેવીપૂજક સુરત શહેરમાં રહી ઓટો રિક્ષા ચલાવી પરિવારજનોનું પેટિયું રળતો હતો. ગત રવિવારે સાંજે ૫ કલાકે ઓલપાડ-સુરત રાજ્ય ધોરી માર્ગ ઉપર પોતાના કબજાની ઓટો રિક્ષા હંકારી સરોલીથી ઓલપાડ તરફ જતા રોડ ઉપર જઈ રહ્યો હતો. ત્યારે જોથાણ પાટિયા પાસે રિક્ષા પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારતાં રિક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ઘાયલ રિક્ષાચાલકને સારવાર અર્થે સુરત ખાતેની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બાજીપુરા ગામે સિધ્ધપુર ડેપોની બસને અકસ્માત નડ્યો
વ્યારા: વાલોડના બાજીપુરા ખાતે પસાર થતા વાપી-શામળાજી માર્ગ ઉપર ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે બાજીપુરા ગામે સિધ્ધપુર ડેપોની બસને અકસ્માત નડ્યો હતો. સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉકાઈ-પાલનપુર બસમાં ૫૦ જેટલા પેસેન્જર હતા. બસના ચાલકે કિયા કપનીની કારને બચાવવા ડિવાઈડર પર બસ ચઢાવી દીધી હતી. જેમાં મુસાફરો અને કારસવારોનો બચાવ થયો હતો. અકસ્માત થતાં સ્થાનિકો મુસાફરોની મદદે દોડી આવ્યા હતા.
અંકલેશ્વરમાં ટેમ્પો અડફેટે મોપેડસવારનું મોત
અંકલેશ્વર: અંકલેશ્વર નેશનલ હાઈવે પર મોતાલી પાટિયા નજીક આઈસર ટેમ્પોચાલકે મોપેડસવારને ટક્કર મારતાં તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.સોમવારે સવારે એક્ટિવા લઇ એક યુવાન અંકલેશ્વર નેશનલ હાઈવે પર મોતાલી પાટિયા નજીકથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા આઈસર ટેમ્પોના ચાલકે મોપેડસવારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડસવારને શરીરે ગંભીર ઈજા પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.