Columns

મને અનેક વંશપ્રવર્તક પુત્રોની પ્રાપ્તિ થાય

અતિ પ્રાચીનકાળની વાત છે. મદ્રદેશમાં અશ્વપતિ નામના એક પરમ ધર્માત્મા રાજવી હતા. રાજા પરમ યોગ્યતાવાન અને સર્વ વાતે કુશળ હતા પરંતુ તેમના જીવનમાં એક ખોટ હતી. મહારાજ અશ્વપતિ સંતાનહીન હતા.સંતાનપ્રાપ્તિ માટે મહારાજ અશ્વપતિએ ઘનિષ્ઠ અને દીર્ઘકાલીન અનુષ્ઠાન કર્યું. પ્રતિદિન સાવિત્રી (ગાયત્રી) મંત્ર પૂર્વક એક લાખ આહુતિ આપીને 18 વર્ષ સુધી આ યજ્ઞીય અનુષ્ઠાન સિદ્ધ કર્યું. આ રીતે 18 વર્ષનું અનુષ્ઠાન પરિપૂર્ણ થયું ત્યારે સાવિત્રીદેવી મહારાજ અશ્વસેન પર પ્રસન્ન થયા. અગ્નિહોત્રના અગ્નિમાંથી પ્રગટ થઈને સાવિત્રીદેવીએ મહારાજ અશ્વપતિને દર્શન આપ્યા અને ઇચ્છિત વરદાન માગવા કહ્યું.

મહારાજ અશ્વપતિ વરદાન માગે છે, ‘‘દેવી ! મેં સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી જ આ અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે. આપની કૃપાથી મને અનેક વંશપ્રવર્તક પુત્રોની પ્રાપ્તિ થાય તેમ હું આપની પાસે માગું છું.’’
સાવિત્રીદેવી કહે છે,
“હે સૌમ્ય ! ભગવાન બ્રહ્માજીની કૃપાથી તમને શીઘ્ર એક કન્યારત્નની પ્રાપ્તિ થશે.”
આ પ્રમાણે વરદાન આપીને દેવી સાવિત્રી અંતર્ધાન થયાં અને મહારાજ અશ્વસેન પોતાના રાજ્યમાં આવીને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરવા લાગ્યા.

મહારાજ અશ્વપતિની પત્ની માલવદેશની રાજકુમારી હતી. સાવિત્રીદેવીના વરદાન પ્રમાણે રાણી ગર્ભવતી બની. યથાસમયે મહારાણીને પુત્રીનો જન્મ થયો.
સાવિત્રીદેવીની કૃપાથી અને સાવિત્રી મંત્રની આહુતિથી પુત્રી પ્રાપ્ત થઈ હતી તેથી પુત્રીનું નામ ‘સાવિત્રી’ રાખવામાં આવ્યું.
રાજકુમારી સાવિત્રી સમયના ક્રમે યુવતી થઈ. સાવિત્રી ખૂબ સુંદર અને ખૂબ તેજસ્વી હતી. સાવિત્રીના દર્શન કરનાર સૌને એમ જ લાગતું કે સાવિત્રી તો દેવી છે. સાવિત્રીના તેજથી પ્રતિહત થઈને કોઈ રાજા કે રાજકુમાર તેનું પત્ની તરીકે વરણ કરી શક્યા નહિ.

એક વાર પિતા અશ્વપતિની આજ્ઞા શીરોધાર્ય કરીને સાવિત્રીએ પોતાના માટે પતિની શોધ કરવા માટે વૃદ્ધ મંત્રીઓને સાથે લઈને રથમાં બેસીને રાજર્ષિઓના સુરમ્ય તપોવનમાં પ્રવેશ કર્યો. તદનંતર સાવિત્રીએ અનેક વનમાં ભ્રમણ કર્યું અને પોતાના માટે પતિની શોધ કરી લીધી.
પોતાના પિતા અશ્વપતિ અને નારદજી એક સાથે બિરાજમાન હોય છે ત્યારે સાવિત્રી આવે છે અને પોતાની શોધ વિશે કહે છે –
શાલ્વદેશના રાજા દ્રુમત્સેન અંધ થયા અને પછી દુશ્મનોએ તેમનું રાજ્ય આંચકી લીધું. હવે રાજા પોતાની પત્ની અને પુત્ર સત્યવાન સાથે અરણ્યમાં રહે છે. સત્યવાનનો જન્મ તો રાજમહેલમાં થયો છે પરંતુ ઉછેર અરણ્યમાં થયો છે. મેં આ સત્યવાનનું પતિ તરીકે વરણ કર્યું છે.”
મહારાજ અશ્વપતિ સાવિત્રીની આ પસંદગી વિશે નારદજીનો અભિપ્રાય માગે છે. નારદજી કહે છે –
‘‘રાજકુમાર સત્યવાન સૂર્ય સમાન તેજસ્વી, બૃહસ્પતિ સમાન બુદ્ધિમાન, ઇન્દ્રસમાન વીર અને પૃથ્વી સમાન ક્ષમાશીલ છે.”
વળી નારદજી કહે છે –
‘‘રાજકુમાર સત્યવાન દાની, બ્રાહ્મણભક્ત, રૂપવાન, ઉદાર, જિતેન્દ્રિય, શૂરવીર, અદોષદર્શી અને કાંતિમાન છે.”
નારદજી હવે આગળ કહે છે –
“પરંતુ રાજન ! સત્યવાનમાં એક દોષ છે. સત્યવાનનું આયુષ્ય હવે માત્ર એક વર્ષ જ છે.”

નારદજીનું આ કથન સાંભળીને મહારાજ અશ્વપતિ પોતાની પુત્રી સાવિત્રીને પોતાના આ નિર્ણયમાંથી પાછા હટવાનું કહે છે અને અન્ય વરનું વરણ કરવા સૂચવે છે પરંતુ સાવિત્રીનો નિર્ણય અફર છે. સાવિત્રી કહે છે –
दीर्धायुरथवाल्यायुः सगुणो निर्गुणोऽपि वा ।
सकृद् वृतो मया भर्ता न द्वितीयं वृणोम्यहम ।।
महाभारत, वनपर्व : 294-27
‘‘(સત્યવાન) દીર્ઘાયુ હોય કે અલ્પાયુ હોય, ગુણવાન હોય કે ગુણહીન હોય મેં તેમને એક વાર પતિ તરીકે વરણ કર્યું છે હવે હું અન્ય પુરુષનું વરણ કરીશ નહિ.”
સાવિત્રીનો આવો અફર નિશ્ચય જોઈને નારદજીએ પણ આ લગ્નમાં સંમતિ અને આશીર્વાદ આપ્યાં. આ પ્રમાણે સાવિત્રીને આશીર્વાદ અને સંમતિ આપીને નારદજી વિદાય થયા.

મહારાજ અશ્વપતિએ પુત્રી સાવિત્રી, બ્રાહ્મણો, ઋષિઓ તથા પુરોહિતો સહિત તપોવન માટે પ્રસ્થાન કર્યું.
મહારાજ દ્રુમત્સેને સૌનું ઉચિત સ્વાગત કર્યું.
ततः सर्वान् समानाटय द्विजानाश्रमवासिनः ।
यथाविधि समुद्वाहं कारयामासतुनृपौ ।।
महाभारत, वनपर्व : 294-15
“તદનંતર તે આશ્રમમાં રહેનાર સૌ બ્રાહ્મણોને બોલાવીને બંને રાજાઓએ સત્યવાન અને સાવિત્રીનો વિવાહ સંસ્કાર વિધિવત સંપન્ન કરાવ્યો.”
કન્યાદાન કરીને મહારાજ અશ્વપતિ પ્રસન્નતાપૂર્વક પોતાના રાજ્યમાં પાછા ફર્યા.

Most Popular

To Top