માંડવી: (Mandi) માંડવીના વરજાખણ ગામની સીમમાં તાપી નદી પુલ (Tapi River Bridge) પર રેતી ભરેલી હાઈવા ડમ્પર ટ્રક સિગ્નલ વગર માર્ગમાં અડચણ થાય એ રીતે ડ્રાઇવરે (Driver) ઊભી રાખતાં હીરો હોન્ડા લઈને જતાં 27 વર્ષનો યુવાન ટ્રકના પાછળના ભાગે ભટકાતાં ગંભીર ઈજાથી તેનું મોત નીપજ્યું હતું.
માંડવીના ખેડપુરથી વરજાખણ તરફ જતા તાપી નદીના પુલ પર રોડમાં અડચણરૂપ હાઈવા ટ્રક નં.(DN-09-V-9127) ઊભી હતી. તેમજ ટ્રકના પાછળના ભાગે કોઈ સિગ્નલ લાઈટ કે રિક્રેટર લાઇટ ચાલુ ન રાખતાં બાઈક નં.(GJ-16-AQ-3208) ચાલક અંકિત ભીમ ચૌધરી (રહે., રજવાડ, નવી વસાહત, બારડોલી) હાઈવા ડમ્પરના પાછળના ભાગે ભટકાઈ જતાં તેમને મોં અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ બનાવમાં ટ્રકચાલક ભાગી છૂટ્યો હતો. અને સ્થળ પર લોકટોળાં એકત્ર થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તને માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયો હતો. જ્યાં તબીબે બાઈકચાલકને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે માંડવી પોલીસે હાઈવા ટ્રક અને ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
વ્યારાના કાટીસકૂવા નજીક ગામે અકસ્માતમાં ઇજા પામેલા યુવકનું મોત
વ્યારા: વ્યારાના પનિહારી ગામના મયૂર જીગ્નેશભાઈ ગામીતની મોટરસાઇકલ નં.(જીજે ૨૬ એફ ૦૯૭૮) પર પોતાના મિત્ર સમીર નિલેશભાઈ ગામીત સાથે ગત ૧૮મી ફેબ્રુઆરીએ અગાસવાણ તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન કાટીસકૂવા નજીક ગામની સીમમાંથી પસાર થતાં જમાપુર વ્યારા હાઇવે ઉપરનો વળાંક મોટરસાઇકલ ચાલક મયૂરભાઈ નજીક આવેલા ખાડામાં પડી ગયા હતા, જેમાં મયૂરભાઈને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. વ્યારામાં પ્રાથમિક સુરત ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમનું એક માસની લાંબી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
માંડવીના તુકેદમાં જેસીબી મશીનનું ટાયર ફળી જતાં આધેડનું મોત
માંડવી: માંડવીના તુકેદ ગામે આવેલા ભવાની માતાના મંદિર પાસે વડની નીચે સૂતેલા 45 વર્ષયી આધેડના માથા પરથી જેસીબી મશીનનું ટાયર ફળી જતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. માંગરોળના બોરસદ ગામના ઝઘડિયા ફળિયા રહેતા રાજેશ લલ્લુ ગામીત (ઉં.વ.45) બપોરે સાડા બારેક વાગ્યાના સમયે તુકેદની સીમમાં ભવાની માતાના મંદિર પાસે વડની નીચે સૂતા હતા. એ દરમિયાન ખેતરાડી રસ્તાની નજીકથી પસાર થતું જે.સી.બી. મશીન નં.(GJ.05,CE-7100)ના ઓપરેટર રોશન રમેશ ચૌધરી (રહે.,અરેઠ, ડુંગરી ફળિયું)એ પૂરઝડપે હંકારતાં વડની નીચે સૂતેલા રાજેશ ગામીતના માથા પરથી ટાયર ફળી જતાં ઘટના સ્થળે મોત થયું હતું. જેસીબી ચાલકે અકસ્માત કરી ભાગી છૂટવાનો પ્રયાસ કરતા સ્થળ પર ઊભેલા ટોળાએ તેમને પકડી પોલીસને જાણ કરી હતી. જે બાબતે પોલીસે સ્થળ પર પહોંચી મૃતકનો લાશનો કબજો લઈ જેસીબી ચાલક રોશન ચૌધરીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જેસીબીના ઓપરેટરે રોશન ચૌધરી ઉપર મશીન ચલાવ્યું હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.