Business

માંડવી તાલુકામાં રાજા-રજવાડાના સમયમાં ઘોડા ચરાવવા માટે જાણીતું અને આજનું વિકસીત ગામ ગોડસંબા

છેલ્લાં થોડાં વર્ષોમાં ગામના આગેવાનોની કુનેહ અને ગ્રામજનોની વિકાસનાં કામોમાં એકરાગીતાને કારણે ગામની કાયાપલટ, શહેરોની માફક પાયાની મોટા ભાગની સુવિધા ઉપલબ્ધ, નાનાં નાનાં ફળિયાંમાં સીસી રસ્તા, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ અને ઘરેઘર પાણીની સુવિધા

માંડવી-કીમ રોડ ઉપર આવેલું ગોડસંબા ગામ પહેલાં ઘોડા ચરાવવાનું ગામ તરીકે જાણીતું હતું. જ્યાં રાજા રજવાડાના સમયે આ ગામમાં ઘોડા ચરાવવા માટે આવતા હતા. જેનું અપભ્રંશ થતાં ગામનું નામ ગોડસંબા તરીકે ઓળખાય છે. બુદ્ધિશાળી શાસકોને કારણે માંડવી તાલુકામાં આ ગામ સૌથી ઝડપથી વિકસી રહ્યું છે એમ કહીએ તો ખોટું નથી. આ ગામના 70 ટકા લોકો શિક્ષિત છે. આ ગામમાં હળપતિ સમાજની વસતી વધુ છે. તેમજ કાછિયા પટેલ, મૈસુરિયા, માહ્યાવંશી વગેરે જાતિના લોકો વસેલા છે. અહીં હળપતિ સમાજ મોટા ભાગે મજૂરીકામ કરી જીવનનિર્વાહ કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ગામના આગેવાનોની કુનેહ અને ગ્રામજનોની વિકાસનાં કામોમાં એકરાગીતાને કારણે હવે વિકાસનાં કામો ઝડપથી થઈ રહ્યાં છે. સમય જતાં ગામડાંની કાયાપલટ થઈ છે, એમાં માંડવીનું આ ગામ પણ આગળ ધપી રહ્યું છે.

હાલમાં ગામના રસ્તા જુઓ તો કોઈ શહેરી વિસ્તારની ઝલક જોવા મળે. નાનાં નાનાં ફળિયાંમાં સીસી રસ્તા જોવા મળે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામનો મુખ્ય માર્ગ નિર્માણ કરાયો હતો. અહીં ગ્રામ પંચાયતનું મકાન પણ નવું બનાવાયું છે. અને પ્રાંગણ પણ વિશાળ સાથે પેવર બ્લોકથી સજ્જ છે. પીવાનાં પાણી માટે ગામમાં સાત કૂવા, 31 હેન્ડપંપ, પાંચ મિનિ ટાંકી અને એક મોટી ટાંકી આવેલી છે. જેના થકી ઘરે ઘરે નળ મારફતે લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. એ સાથે સબ સેન્ટર, બસ સ્ટોપની પણ સવલત છે. એ સિવાય ત્રણ મંદિર આવેલાં છે.

જો કે, હજી ઘણાં કામો કરવાના બાકી છે. નવા સ્મશાનની કામગીરી, નવો કોમ્યુનિટી હોલ અને 4 પ્રાથમિક શાળામાં નવા ઓરડા બનાવવાનું કામ બાકી છે. આ ગામમાં ગોચર જમીન વધુ છે. જેનું કુલ ક્ષેત્રફળ 229.25.63 છે. જેમાં ખેડાણ હેઠળનો વિસ્તાર 208.00.00 છે. બિન ખેડાણ (પડતર) 21.25.63 આવેલો છે. ખાતાની સંખ્યા 159 છે. જ્યારે ખેતીલાયક જમીનના ખાતેદારોની સંખ્યા 128 જેટલી છે. હાલમાં ટેક્નોલોજીને કારણે અહીં ખેતીનો વિકાસ થયો છે. સાથ સાથે આ ગામની બાજુમાંથી કાકરાપાર સિંચાઈ યોજનાની મોટી નહેર પસાર થાય છે. જેને કારણે ખેડૂતોને સિંચાઈની ઉત્તમ સવલત મળી રહે છે. ગોડસંબામાં સિંચાઈ માટે 2 તળાવની સુવિધા પણ છે. અહીં ખેતી થકી રોજગારીનું પણ સર્જન થતાં ગામના મજૂર વર્ગને લાભ થાય છે. ગામમાં મુખ્ય પાક ડાંગર, શેરડી, શાકભાજી જેવા પાકોનું ઉત્પાદન થાય છે. સાથે પૂરક વ્યવસાય તરીકે અહીંના લોકો પશુપાલન કરે છે. જેને કારણે દૂધ ઉત્પાદનના વ્યવસાયને વેગ મળ્યો છે. ગામમાં આવેલી ગોડસંબા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પશુપાલકો દૂધ ભરી આર્થિક ઉપાર્જન મેળવી લે છે.

લોકોનાં આરોગ્યની સુખાકારી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપલબ્ધ

ગોડસંબામાં મિશ્ર વસતીના લોકો રહે છે, પણ અહીંના લોકો હળીમળીને રહે છે. જેના કારણે તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા અહીં જોવા મળે છે. જો કે, ગોડસંબા ગામના લોકોને આરોગ્યવિષયક સમસ્યા ખૂબ જ ગંભીર હતી. આકસ્મિક સંજોગોમાં અહીંના લોકોને પાંચ કિમી દૂર માંડવી નગરની રેફરલ હોસ્પિટલ કે સાત કિમી દૂર અરેઠ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે જવું પડતું હતું. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ લોકોએ તંત્રને રજૂઆત કરતાં બે વર્ષ પૂર્વે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિર્માણ કરવામાં આવ્યું હતું. 90 લાખના ખર્ચે બનેલા આ આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન સરપંચ ગીરીશભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. જેને કારણે પ્રાથમિક સુવિધા માટે માંડવી નગર સુધી લોકોએ જવું નથી પડતું. ઉપરાંત આસપાસનાં ગામો ગામતળાવ, પુના, કરવલી, રજપૂત બોરી, આંબાપારડી, અમલસાડી વગેરે ગામના લોકોને આરોગ્યની સુવિધાઓ મળે છે. હાલ આ આરોગ્ય કેન્દ્રમાં ડો.હરીશભાઈ ચૌધરી અને ડો.જાનવીબેન પટેલ સેવા આપી રહ્યાં છે. એ સાથે એક લેબ ટેક્નિશિયન, ત્રણ નર્સ અને અન્ય બે કર્મચારી પણ ફરજ બજાવે છે. જ્યારે સબ સેન્ટરમાં ડો.ધર્મેશભાઈ ચૌધરી અને હેલ્થવર્કર સંદીપભાઈ ચૌધરી સેવારત છે.

એક સભાસદ દીઠ 1300થી 1500 ટન શેરડીનું ઉત્પાદન

દક્ષિણ ગુજરાત આમ તો ખેતી માટે જાણીતું. પરંતુ કુદરતી આપત્તિઓ વચ્ચે ખેતી પડકાર બની છે. નાના ખેડૂતો માટે આર્થિક ખોટ નજીવી હોય છે, ત્યારે મોટા ખેડૂતો માટે ખેતી જુગાર બને છે. આ સ્થિતિમાં માંડવીના ગોડસંબા ગામના કાછિયા પટેલ સમાજના અગ્રણીઓ ઓર્ગેનિક પદ્ધતિથી શેરડીનું ઉત્પાદન કરે છે. જેમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મળે છે. આ શેરડી અન્ય સુગર ફેક્ટરીઓમાં મોકલાવે છે. મોટા ભાગે દર વર્ષે 1300થી 1500 ટન જેટલી શેરડી એક સભાસદ સુગર ફેક્ટરીમાં મોકલાવે છે. સુગર ફેક્ટરી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી શેરડીના ઉત્પાદન બદલ એવોર્ડ પણ આપવામાં આવ્યા છે.

પ્રવીણભાઈ રાઠોડે ખેતીકામ કરી શિક્ષણ મેળવ્યું

હળપતિ સમાજના શિક્ષક પ્રવીણભાઈ ઈશ્વરભાઈ રાઠોડ કાછિયા પટેલ ફળિયામાં રહેતા નરેન્દ્રભાઈ ભગાભાઈ પટેલને ત્યાં રહી ખેતીકામ કરી ઉચ્ચ અભ્યાસના શિખરે પહોંચ્યા છે. શિક્ષક પ્રવીણભાઈ રાઠોડ આજે ગામની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. જે રાઠોડ સમાજની સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

સરપંચ ગીરીશભાઈ વલ્લભભાઈ રાઠોડ ગામના વિકાસમાં અગ્રેસર

શિક્ષણ વિનાનું જીવન નકામું છે. એથી જ તો કહેવાય છે કે, કોઈપણ વિશાળકાય ઈમારતનું મહત્ત્વ એના મજબૂત પાયામાં રહેલું હોય છે. બાળકમાં સર્જનાત્મક શક્તિ ખીલે, વ્યક્તિત્વના ગુણો ઉજાગર થાય, રાષ્ટ્રીય-ધાર્મિક ભાવના પ્રત્યેનો આધાર દૃઢ બને, વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, સાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધન થાય એવા હેતુથી તો શિક્ષણ મેળવવું જોઈએ. પરંતુ એક સમય એવો હતો કે પારિવારિક જીવનનિર્વાહમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડતો હતો.

એવામાં પ્રાથમિક શિક્ષણ સુધી જ બાળકો અભ્યાસ કરી પરિવારને મદદરૂપ થવા માટે અભ્યાસ છોડી દેતાં હતાં. જો કે, ગોડસંબા ગામના હળપતિ સમાજના ગીરીશભાઈ રાઠોડે સખત પરિશ્રમ થકી અન્યને પ્રેરણા આપી હતી. સંજોગો સાથે બાથ ભીડી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. ગીરીશભાઈના પિતા વલ્લભભાઈ છૂટક સુથારીકામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. ત્યારે હળપતિ ગૃહ નિર્માણના માજી ચેરમેન અને માજી ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ ગીરીશભાઈને બી.એડ. કરવા માટે મદદ કરી હતી. કુંવરજીભાઈ હળપતિ એમના મામા થાય છે. ગીરીશભાઈએ પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લીધું હતું.

એ બાદ તેમણે બારડોલી નજીકની ઉમરાખ બી.એડ. કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ગીરીશભાઈ કહે છે કે, સંજોગો ખરાબ પરંતુ મારે તો ભણવું હતું. એ સમયે પહેરવા માટે માત્ર બે જોડી કપડાં હતાં. મારા મામા કુંવરજીભાઈ અમારી મદદે આવ્યા અને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. એ પછી લોકસેવા અર્થે મેં સરપંચ તરીકે દાવેદારી કરી, અને લોકોના સહકારથી મને સેવાની તક મળતાં પાંચ વર્ષથી સેવા આપું છું.  શિક્ષિત યુવાન ગીરીશભાઈ રાઠોડે એમ.એ.બી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે.

જેઓ ગ્રામજનોના દરેક પ્રકારના પ્રશ્નોને શાંતિથી સાંભળી બનતા પ્રયત્નો કરી તેનું નિરાકરણ લાવવામાં માને છે. તેઓ ગામના વિકાસ માટે સતત મહેનત કરતા જોવા મળે છે. ખાસ કરીને ગૃહનિર્માણ બોર્ડના ચેરમેન પદે કુંવરજીભાઈ હળપતિના કાર્યકાળ દરમિયાન 226 જેટલાં હળપતિ આવાસો ફાળવ્યાં હતાં. જે દરેક ગરીબોને ઘર બનાવી આપ્યાં છે. જેની અંદાજિત રકમ રૂ. 2 કરોડનાં હળપતિ આવાસો બન્યાં છે. તેમજ માંડવી ટ્રાયબલમાંથી 20 જેટલાં આવાસો મંજૂર કરાવીને લોકોને રહેવા માટે ઘરોની સુવિધાઓ પૂરી પાડી છે. જે રૂ.1,20,000 પ્રમાણે અંદાજિત કુલ રકમ રૂ.24 લાખ થવા જાય છે.

ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ માંડવી અને સુરત ઉપર નિર્ભર

શિક્ષણ કોઈપણ દેશના વિકાસમાં મોટો ફાળો ભજવે છે. ઉચ્ચ ભાવિ પેઢીના નિર્માણ માટે શિક્ષણ જરૂરી છે. ગોડસંબા ગામે આદિવાસી સમાજના લોકો પણ એ દિશામાં આગળ વધી રહ્યા છે. ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સુવિધા છે. શ્રીમતી ભાણીબેન વનમાળીભાઈ પટેલ સાર્વજનિક હાઇસ્કૂલમાં ધો.10 અને 12ના બોર્ડનાં પરીક્ષા સેન્ટર પણ આવેલાં છે. ઉપરાંત અહીં કુમાર અને કન્યા આશ્રમશાળા પણ આવેલી છે, જેમાં માંડવી તાલુકાના ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શિક્ષણનું ભાથું મેળવી રહ્યા છે. જો કે, કોલેજ સહિતના વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ માંડવી અને સુરત ઉપર નિર્ભર રહે છે.

ગામની કુલ વસતી 1733, મતદાર 884

ગોડસંબા ગામમાં કુલ 494 ઘર આવેલાં છે. જેમાં બીપીએલ લાભાર્થીઓની સંખ્યા 0થી 16માં 96 અને 17થી 20માં 74 છે. આ ગામમાં 5 ફળિયાં આવેલાં છે. જેમાં ગામ ફળિયું, હળપતિવાસ, આંબેડકરવાસ, પટેલ ફળિયું, જૂનું ફળિયું-હળપતિવાસ અને નવી વસાહતનો સમાવેશ થાય છે. આ ગામમાંની વસતી 1733 છે, જેમાં 1020 પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા 713 છે. તો ગામમાં 447 પુરુષ અને 437 મહિલા મળી 884 લોકો મતાધિકાર ધરાવે છે.

ગોડસંબા ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યોની નામાવલી

01. ગિરીશભાઈ વલ્લભભાઈ રાઠોડ-સરપંચ
02. પ્રવીણભાઈ રણછોડભાઈ રાઠોડ-ઉપસરપંચ
03. સુરેશભાઈ બાલુભાઈ ચૌહાણ-સભ્ય
04. સરમુખભાઈ મગનભાઈ રાઠોડ-સભ્ય
05. મનોજભાઈ ગણપતભાઈ રાઠોડ-સભ્ય
06. રીટાબેન શૈલેષભાઈ રાઠોડ-સભ્ય
07. જશુબેન રાજેશભાઈ મૈસુરિયા-સભ્ય
08. ગીતાબેન અનિલભાઈ રાઠોડ-સભ્ય
09. પીન્ટીબેન બીપીનભાઈ રાઠોડ-સભ્ય
10 તલાટી કમ મંત્રી-રંજનબેન ચૌધરી

ગોડસંબા ગામમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક થકી આર્થિક લેવડદેવડ માટે સરળતા

ગોડસંબા ગામ માંડવી ટાઉનથી પાંચ કિલોમીટરના અંતરે માંડવી-કીમ રોડ સ્ટેટ હાઇવે ઉપર આવેલું છે. અગાઉ પૈસાની લેવડદેવડ માટે ગ્રામ્ય વિસ્તારોમાં બેંકોની ખાસ સુવિધા ન હતી. પરંતુ હવે લોકો ટેક્નોલોજી સાથે કદમ મિલાવી રહ્યા છે. આજે તો ગ્રામ્ય વિસ્તારોમાં બેંકોની સુવિધા ઉપલબ્ધ બની છે. જે ગામના આગેવાનો અને ગ્રામજનોના સહકાર વિના શક્ય નથી. ગોડસંબા ગામમાં પોસ્ટ ઓફિસ, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે. જેને કારણે લોકોને પૈસાની લેવડદેવડ માટે સુવિધા મળી રહે છે.

હળપતિ સમાજના ઉચ્ચ શિક્ષિત

(1) જગદીશભાઈ આર. રાઠોડ (મા. શિક્ષક, વાગરા, જિ.ભરૂચ)
(2) પ્રવીણભાઈ આઈ. રાઠોડ (મા. શિક્ષક, ગોડસંબા)
(3) રમેશભાઈ આઈ. રાઠોડ (મા. શિક્ષક, આછોદ, જિ.ભરૂચ)
(4) પ્રજ્ઞેશભાઈ ડી. રાઠોડ (ઉ.પ્રા. શિક્ષક, જાંબુઘોડા, પંચમહાલ)
(5) નિતેશભાઈ એલ. રાઠોડ (પ્રા. શિક્ષક, જિ.ભરૂચ)
(6) રમેશભાઈ એમ. હળપતિ (રિટાયર્ડ બેંક મેનેજર, બી.ઓ.બી., માંડવી)
(7) રણજીતભાઈ આર. રાઠોડ (પોલીસ કોન્સ્ટેબલ-વલસાડ)
(8) ભાણાભાઈ છનાભાઈ રાઠોડ(પૂર્વ સરપંચ અને હાલ શિક્ષક-નાલંદા હાઇસ્કૂલ, વરાછા, સુરત)

કાછિયા અને માહ્યાવંશી સમાજમાં એનઆરઆઈની સંખ્યા વધુ

ગોડસંબા ગામમાં કાછિયા પટેલ સમાજનું ફળિયું આવેલું છે. જેઓ નિષ્કલંકી નારાયણ ભગવાનની પૂજા કરે છે અને વિષ્ણુ ધર્મ પાળે છે. તેમજ કાછિયા પટેલનું મોટા યાત્રાધામ પાવાગઢ, અમદાવાદ નજીક આવેલ તિરાણા ધાર્મિક સ્થળો છે. ઉપરાંત કાછિયા પટેલ સમાજના લોકોએ શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપતાં આજે દેશ-વિદેશમાં પ્રગતિ કરી છે. અહીંના ઘણા લોકો લંડન, અમેરિકા, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, ફિઝી વગેરે વિદેશમાં રહે છે. તેમજ માહ્યાવંશી સમાજના લોકો પણ વિદેશમાં વસ્યા છે.

ગોડસંબા ગામની દૂધમંડળી 52 વર્ષથી કાર્યરત

ગોડસંબા સહકારી દૂધમંડળીની સ્થાપના વર્ષ-4-12-1969ના રોજ કરાઈ હતી. આ મંડળીના પ્રથમ પ્રમુખ તરીકે રઘુભાઈ ગોપાળભાઈ પટેલ અને પ્રથમ મંત્રી લલ્લુભાઈ મોરારભાઈ પટેલ હતા. હાલ દૂધમંડળીના પ્રમુખ તરીકે ગણપતભાઈ મોહનભાઈ રાઠોડ સેવારત છે. જ્યારે મંત્રી તરીકે ગીરીશભાઈ વલ્લભભાઈ રાઠોડ છે. આ મંડળીના 249 જેટલા સભાસદ છે, જેમાંથી 45 જેટલા સભાસદ રોજનું 200 લીટર વધુ દૂધ ભરે છે. આ મંડળીની એક માસની આવક રૂ.2.30 લાખ જેટલી છે. અને દર વર્ષે રૂ.26 લાખનું ટર્નઓવર કરે છે. તેમજ દર વર્ષે દૂધનો ભાવફેર ચૂકવાય છે. આ વર્ષે અંદાજિત ગાયના દૂધનો ભાવ રૂ.4.78, જ્યારે ભેંસના દૂધનો ભાવ રૂ.7.07 ચૂકવ્યો છે. જે પશુપાલકોને દૂધ પ્રમાણે રૂપિયાની ચૂકવણી કરાય છે. આ મંડળીના પ્રમુખ-મંત્રીના કુશળ વહીવટના કારણે પશુપાલકોને સંતોષકારક ભાવ આપવામાં આવે છે. ઉપરાંત સન 2021માં દૂધમંડળીનું નવું મકાન રૂ.5 લાખના ખર્ચે બનાવ્યું છે.

ગામના મોટા ખેડૂત ખાતેદારો

1. ભીખુભાઈ વલ્લભભાઈ પટેલ

2. નરેશભાઈ ચંપકભાઈ પટેલ

3. મનીષભાઈ રમેશભાઈ પટેલ

4. હિતેન્દ્રભાઈ રઘુભાઈ પટેલ

5. નિલેષભાઈ વસંતભાઈ પટેલ

ગોડસંબા ગામનાં વિકાસકીય કામો

–    ગોડસંબા નવી વસાહત હળપતિવાસમાં દરેક ફળિયામાં સી.સી. રોડ.

–    વર્ષ ૨૦૨૦-૨૧માં નવી પંચાયત ઓફિસ બનાવવાનું કામ.

–    ગામનાં દરેક ફળિયામાં પીવાના પાણીની સુવિધા, મિનિ ટાંકીની કનેક્શનની સુવિધા

–    નવું પી.એચ.સી. સેન્ટર બનાવવાનું કામ.

–    જૂના ફળિયા હળપતિવાસમાં ડામર રોડ અને બ્લોકનાં કામો.

–    પટેલ ફળિયામાં સી.સી. રોડ અને બ્લોકનાં કામો.

–    આંબેડકરવાસ તરફ જતો સી.સી. રોડ.

–    ગામ ફળિયા હળપતિવાસમાં સી.સી. રોડનું કામ.

– ગામમાં આવેલી ૪ પ્રાથમિક શાળાઓમાં બ્લોકનાં કામો.

– ગોડસંબા હાઈસ્કૂલમાં બ્લોક તેમજ સી.સી. રોડનાં કામો.

– ગામનાં દરેક ફળિયામાં સ્ટ્રીટ લાઈટ.

Most Popular

To Top