માંડવી: (Mandvi) માનવીની મહત્ત્વકાંક્ષાને કારણે જંગલોનો (Jungle) વિનાશ થતાં વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત ભણી આવી રહ્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં માનવ વસાહત ફરતે દીપડાના (Panther) આંટાફેરાથી હવે લોકોનો જીવ ઉચાટે જોવા મળી રહ્યો છે. ઘણીવાર તો માનવ સાથે સંઘર્ષ થતાં હુમલાની ઘટનાઓ પણ આકાર લઈ રહી છે. માંડવી તાલુકામાં ઓક્ટોબરથી જાન્યુઆરીના મહિનામાં દીપડાનો ખોફ ખૂબ જ વધી જાય છે. અગાઉ બાળકોને શિકાર બનાવ્યા બાદ વનવિભાગે (Forest Department) લોક જાગૃતિના પ્રયાસ પણ કર્યા છે. પરંતુ ઓછો સ્ટાફ હોવાથી અને પાણી પછી પાળ બાંધવી વન વિભાગની આદતને કારણે ધારી સફળતા મળતી નથી. તો બીજી તરફ માંડવી તાલુકમાં દીપડા અભ્યારણ્ય બનાવવાની મોટા ઉપાડે સરકારની જાહેરાતના બે-ત્રણ વર્ષ બાદ આગળ કોઈ કામગીરી વધી જ નથી.
થોડા દિવસ પહેલા માંડવીના બડતલ ગામમાં દીપડાએ મરચાંના ખેતરમાં પાણી પિયત કરવા ગયેલા યુવક ઉપર હુમલો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ભયનો માહોલ ઊભો થયો છે. દીપડાના હુમલાની જાણ વનવિભાગની ટીમને કરતાં માંડવી વન વિભાગની ટીમે ઇજાગ્રસ્ત યુવકની પૂછપરછ કરી હુમલાવાળી જગ્યાએ પાંજરું ગોઠવ્યું હતું. હજી દીપડો પકડથી દૂર છે. બે વર્ષમાં સન વર્ષ-2019 – 2020માં દીપડાના હુમલામાં પાંચ બાળકોને ઈજા થઈ હતી અને બે બાળકીના મોત થયા હતા.
વર્ષ-2019ના અંત ભાગમાં એટલે કે 31 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી-2020 સુધીમાં નરભક્ષી દીપડાએ ત્રણ બાળક ઉપર હુમલો કર્યો હતો. જેમાં પાતલ ગામે ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હતું. આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈ વનવિભાગે પાતલ ગામે 8 પાંજરાં, મધરકુઈમાં 2, અરેઠમાં 2 અને વદેશિયામાં 1, વરેલીમાં 2, કાલમોઇમાં 3 મળી 18 જેટલાં પાંજરાં ગોઠવ્યાં હતાં. સાથે દીપડાની હરકત પર નજર રાખવા નાઈટ વિઝન કેમેરા પણ મૂક્યા હતા. ત્યારબાદ વદેશીયા ગામના રોનક રામભાઈ ચૌધરી 11 વર્ષના બાળક પર વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરતા માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. તુકેદ ગામે 10 વર્ષનો બાળક જીગર માયુરભાઈ ચૌધરી જેને દીપડાએ ગળાના ભાગે પંજો માર્યો હતો તેમજ મધરકુઈ ગામે શેરડી કાપવા આવેલા મજૂર વર્ગની બાળકી ઝૂંપડા નજીક રમી રહી હતી. તે દરમિયાન અચાનક હિંસક દીપડોએ ગળાના ભાગે બાળકીને દબોચી ખેતર વિસ્તારમાં ખેંચી ગયો હતો.
આવા અનેક બનાવ બનતા વન વિભાગની ટીમ કામે લાગી હતી. તે સમયે કોલસાણા ગામે 70 વર્ષની વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા તેનો આબાદ બચાવ થયો હતો. જેના કારણે લેપર્સ એમ્બેસેડરની ટીમ, માંડવી વનવિભાગની 5 જેટલી ટીમ બનાવી અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવી દીપડાને ઝબ્બે કરવા રાત દિવસ એક કર્યો હતો. પરંતુ મધરકુઈ ગામે રાત્રે હિંસક દીપડો કેદ થતાં NGOની ટીમ, વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચતા 1500, 2000 જેટલા ગામનું ટોળું એકત્ર થયું હતું. પાંજરે પુરાયેલા દીપડાને જીવતો સળગાવી દેવા જીદ પકડી હતી. જે બાબતે દક્ષિણ રેંજમાં ફરજ RFO ઉપેન્દ્ર સિંહ રાઉલજી તથા પીએસઆઈ ઝાલા, પોલીસ સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો.
બેથી ત્રણ કલાક સુધી લોકોને સમજાવવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ ગ્રામજનો ન માનતા છેવટે RFO ઉપેન્દ્રસિંહ રાઉલજીએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે ભાગ દોડ મચી જવા પામી હતી. ત્યારબાદ NGOની ટીમ અને સરપંચોની મદદથી દીપડા સાથે પાંજરાનો કબ્જો લીધો હતો. જેમાં એક અઠવાડિયા સુધી લેપર્ડ એમ્બેસીડરની ટીમ, જીવદયા પ્રેમીની ટીમ અને વાઈલ્ડ સ્ટેપ ઇન્ડિયાના કર્મચારીઓ અને રોજમદારો વગેરે હિંસક દીપડાને પકડવા ભાગ ભજવ્યો હતો. પાંજરે પુરાયેલા દીપડાને રેક્સ્યુ સેન્ટર પાવાગઢ ખાતે ઉચ્ચ અધિકારીઓ સૂચના મુજબ મોકલવામાં આવ્યો હતો. આવા અવારનવાર હિંસક દીપડાનો ભય લોકોને સતવી રહ્યો છે. જેથી ગ્રામજનો, ખેત મજૂરો અને ખેડૂતોને સાંજના સમયે ઘરની બહાર નીકળું મુશ્કેલ છે.
બે વર્ષમાં એટલે સન 2020માં 2 જાન્યુઆરીમાં 4 વર્ષની બાળકી શિવાની માહલા અને મધરકુઈ ગામે 4 વર્ષની આરોહી ગામીતોન દીપડાએ શિકાર કરતાં આ બંને બાળકીના પરિવારને સરકાર દ્વારા રૂ.4 લાખની સહાય આપવામાં આવી છે. જ્યારે ઈજા પામેલા 5 બાળકોના પરિવારને રૂ.4300ની સહાય ચૂકવી છે. તદ્દ ઉપરાંત પશુપાલકો માટે ગાય અથવા ભેંસ દૂધ આપનારા પશુઓ પર દીપડાના હુમલાથી મરણ પામે તો રૂ.16 હજાર, નાના પાળિયા, વાછરડા, બકરી માટે રૂ. 8 હજાર ચુકવણી કરી છે. જે પશુપાલકોના સીધા બેંક એકાઉન્ટમાં આવે છે
લોકોના વિરોધને કારણે દીપડા અભ્યારણ્ય બનાવવામાં અડચણ : આર.એફ.ઓ. ઉપેન્દ્ર સિંહ રાઉલજી
દક્ષિણ રેન્જના RFO ઉપેન્દ્ર સિંહ રાઉલજીએ જણાવ્યું હતું, માંડવી તાલુકામાં દીપડા અભ્યારણ્ય ન હોવાથી વન વિભાગે જેતે ગામમાં મુકેલા પાંજરામાં પુરાયેલા દીપડોને હાલમાં ગાઢ જંગલમાં છોડવા પડી રહ્યા છે. આ દીપડો ફરી તે જગ્યાએ આવી પહોંચે છે. જેના કારણે લોકો ભયભીત જોવા મળે છે. દીપડાના વધતાં હુમલાને જોતાં તાલુકામાં આવેલા ખોડાંબા ગામે વન વિભાગ દ્વારા દીપડા માટે અભિયારણ (રેક્સ્યુ સેન્ટર) બનાવવા રાજ્ય સરકારએ રૂ. 14 કરોડ ફાળવ્યા હતા. પરંતુ ખોડાંબા ગામના સ્થાનિક લોકો તથા આજુબાજુ વિસ્તારના રહીશોએ સતત વિરોધ કર્યો હતો. જેના કારણે આજ દિન સુધી આ કામ ખોરંભે છે તેમજ ફાળવેલી ગ્રાન્ટ પણ સરકારમાં જમા થઈ ગઈ છે. હજી વન વિભાગ દ્વારા અન્ય તાલુકામાં રેક્સ્યુ સેન્ટર અને સફારી પાર્ક બનાવામાં આવે તેવી શકયતા છે. જે માટે ઉચ્ચ અધિકારીઓ જગ્યા શોધી રહ્યા છે. જેની મંજૂરી મળ્યા બાદ ફરી નવી ગ્રાન્ટ આવશે.