માંડવી: (Mandvi) માંડવીના નોગામા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં (Canal) ડ્રેનેજ સાઈફન તૂટતાં ખેતરોમાં (Farm) પાણી ફળી વળ્યા હતા. પરંતુ સિંચાઈ વિભાગના જવાબદારી અધિકારીએ સ્થળ પર પહોંચી સમયસૂચકતા વાપરી તાત્કાલિક ધોરણે નહેર બંધ કરાવી હતી. જેથી મોટી દુર્ઘટના કે કોઈ જાનહાનિ થઈ ન હતી.
- નોગામા ગામે નહેરની પાળ તૂટતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા
- સિંચાઈ વિભાગે તાત્કાલિક કેનાલ બંધ કરાવી
- કેનાલમાં વહેતા પાણીને ડાયવર્ટ કરી તાપી નદીમાં નિકાલ
પ્રાપ્ત માહિતી મુજબ માંડવી-કીમ રોડ પર આવેલા નોગામા ગામ પાસેથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય નહેરમાં ડ્રેનેજ સાઈફલ ગત મોડી સાંજે તૂટવાનો બનાવ બનતાં તડકેશ્વર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પી.એમ.પટેલ, કાર્યપાલક ઇજનેર એસ.ઝેડ.પટેલ તથા અધિક્ષક ઇજનેર જે.સી.ચૌધરી, મામલતદાર મનીષ પટેલ, પીઆઈ હેમંત પટેલ સહિતના અધિકારી સ્થળ પર પહોંચી ગયા હતા. આ ડ્રેનેજ સાઈફન તૂટતાં શેરડીના 6થી 7 ખેતરમાં પાણી ફળી વળ્યું હતું અને પાણીનો બેડફાટ થયો હતો. પરંતુ તાત્કાલિક ધોરણે નાયબ કાર્યપાલક ઇજનેર પ્રકાશ પટેલે કાકરાપાર મુખ્ય કેનલનો દરવાજો બંધ કરાવ્યો હતો. અને કેનાલમાં વહેતા પાણીને ડાયવર્ટ માટેની સૂચના આપતાં મોટા ભાગના પાણીનો તાપી નદીમાં નિકાલ થયો હતો. જેથી કેનાલમાં વહેતો પાણીનો જથ્થો ઓછો થવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
મરામતની કામગીરી પૂર્ણ થવાને આરે છે: પી.એમ.પટેલ
તડકેશ્વરના નાયબ કાર્યપાલક ઈજનેર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, ગત રોજ બનેલી ઘટનામાં ડ્રેનેજ સાઈફન તૂટવાની જગ્યા પરની રાત-દિવસ મરામતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૂર્ણ થવાને આરે છે. જેથી બે દિવસમાં નહેરમાં પાણી છોડવામાં આવશે.