ભરૂચ (Bharuch): ‘વિષય શ્રદ્ધાનો હોય તો પુરાવાની જરૂર નથી’- આ કહેવતને સાર્થક કરતો બનાવ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા વિશ્વેશ્વર મંદિરે બન્યો હતો. ભોલાવ વિસ્તારમાં આવેલા દેવાલયના મહારાજ પર રવિવારે સવારે ફોન આવ્યો હતો કે ‘અમારા ભગવાન દૂધ પીવે છે, તમારા મંદિરમાં જે ભગવાન છે તે દૂધ પીવે છે તે તપાસ કરો, જેના આધારે મંદિરમાં રાખેલા લાલજીની પિત્તળની મૂર્તિ (Bronze idol) સમક્ષ દૂધ ધરતા ભગવાન દૂધ પિતા હોવાનો મહારાજને આભાસ (Illusion) થયો હતો અને આ વાત વાયુ વેગે પ્રસરતા મંદિરમાં શ્રધ્ધાળુઓના (devotees) ટોળા જમ્યા હતા અને લોકોએ ભગવાનની મૂર્તિને દૂધ પીવડાવ્યું હોઈ એવી અનુભૂતિ કરી હતી.
અમારા હાથે અમે લાલજીને દૂધ પીવડાવવાનો લહાવો લઇ ધન્ય થઈ ગયા: પારૂલબેન ગોહિલ
આ અંગે એક શ્રધ્ધાળું પારૂલબેન ગોહિલએ જણાવ્યું હતું કે આ વાતની જાણ થતા અમે મંદિરે દોડી આવ્યા અને અમારા હાથે અમે લાલજીને દૂધ પીવડાવવાનો લહાવો લઇ ધન્ય થઈ ગયા છે.
ચમચી જ્યારે મૂર્તિને અડે છે ત્યારે દૂધ ધીરે ધીરે નીચે ઉતરે છે:
આ અંગે ભરૂચના ખગોળશાસ્ત્રી અરવિંદ પંચાલે જણાવ્યું હતું કે કેપીલરી એક્શન (capillary action) અને સર્ફેસ ટેન્શન (surface tension) આ બેઉ વૈજ્ઞાનિક સિદ્ધાંતોના કારણે ચમચી જ્યારે મૂર્તિને અડકે છે ત્યારે દૂધ ધીરે ધીરે નીચે ઉતરે છે અને લોકોને એવો અભાસ થાય છે કે મૂર્તિમાં દૂધ જઈ રહ્યું છે. આ માત્ર એક અંધશ્રદ્ધા (Superstition) છે અને વૈજ્ઞાનિક અભિગમના લીધે થતી ઘટના છે. જણાવી દઇએ કે લાલજીની પીતળની મૂર્તિ સમક્ષ દૂધ ધરતા ભગવાન દૂધ પિતા હોવાનો મહારાજને અભાસ થયો હતો અને થોડાક જ સમયમાં ભોલાવ વિસ્તારમાં આવેલા મંદિરમાં લાલજીની મૂર્તિએ દૂધ પીધું હોવાની વાત પ્રસરતા લોકટોળાં જામ્યા હતા.