માણસજાતે તેના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધનો વડે વિકરાળ જંગલી જાનવરો પર પણ સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો છે પરંતુ અનેક વૈજ્ઞાનિક સિદ્ધિઓ છતાં તે કેટલીક વખત તદ્દન નાના અને તુચ્છ જંતુઓ સામે પણ ખૂબ લાચાર બની જાય છે. આ બાબતનું ઉદાહરણ હાલમાં ઓસ્ટ્રેલિયામાં જોવા મળી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ પ્રાંતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખેતરોમાં ઉંદરો તરખાટ મચાવી રહ્યા છે અને આને કારણે ખેડૂતોએ માથે હાથ દેવાનો વખત આવ્યો છે. આ ઉંદરોએ ખેતરમાં હજારો ટન જેટલા અનાજનું નુકસાન કર્યું છે. આ ઉંદરો ખેતરોમાં જ નહીં ઘરોમાં પણ નુકસાન કરી રહ્યા છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં ઉંદરોની જાણે વણઝાર આવી ચડી છે. એક સામટા આટલા બધા ઉંદરો ક્યાંથી આવી ચડ્યા તે નવાઇની વાત છે. અહીંના ખેડૂતો અને મહિલા મંડળ પણ રાજ્ય વિધાનસભામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે માગણી કરી હતી કે આ ઉંદરોને મારવા માટે ખેતરદીઠ ૨૫૦૦૦ ડૉલરનીફાળવણી કરવામાં આવે જેથી આ ઉંદરોને મારવા માટેના સાધનો ખરીદી શકાય. જો કે પ્રાંતના કૃષિ મંત્રી એડમ માર્શલે જણાવ્યું હતું કે દુકાળની કટોકટી પાછળ અબજો ડોલર ખર્ચ્યા બાદ હવે આના માટે સરકાર નાણા ફાળવી શકે તેમ નથી અને આ ઉંદરોની સમસ્યાના ઉકેલ માટે ખેડૂતોએ પોતે જ વ્યવસ્થા કરવી પડશે.
ઉંદરોને પકડવા અને મારવા માટે લોકો જાત જાતના ઉપાયો અજમાવી રહ્યા છે પણ ઉંદરોની આ સમસ્યા કાબૂમાં આવી રહી નથી. દવાને કારણે મરેલા ઉંદરો પણ સમસ્યારૂપ બની જાય છે. ઘણા બધા ઉંદરોને માર્યા પછી અને ખોખાઓ ભરાઇ જાય તેટલા ઉંદરો પકડ્યા પછી પણ ન્યૂ સાઉથ વેલ્સમાંથી ઉંદરો ઓછા થઇ રહ્યા નથી.ઓસ્ટ્રેલિયાના ઉંદરોના આ તરખાટે સાબિત કરી બતાવ્યું છે કે વાઘ, સિંહ જેવા વિકરાળ પ્રાણીઓ પર કાબૂ મેળવવામાં સફળ રહેલો માણસ ક્યારેક ઉંદર કે મચ્છર જેવા તુચ્છ કહેવાતા જીવ જંતુઓ સામે પણ કેવો લાચાર બની જાય છે.