વડોદરા : વડોદરા શહેરમાં કેટરિંગના ધંધાની આડમાં યુપીથી ખરીદેલ હથિયારોની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો છે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસેથી દેશી પિસ્તોલ અને 25 જીવતા કારતૂસ સાથે એક યુવાનની શહેર SOGએ ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ યુવાન પિસ્તોલ અને કારતૂસ વેચવા માટે ફરી રહ્યો હતો. પરંતુ, તે પિસ્તોલ અને કારતૂસ વેચવામાં સફળ થાય તે પહેલાં જ પોલીસે તેને દબોચી લીધો હતો.
શહેર SOG પોલીસ ચાર્ટરની કામગીરી માટે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તેવામાં બાતમી મળી હતી કે, વાઘોડિયા ચોકડી પાસે આવેલ સનમીલીન કોમ્પલેક્ષ પાસે બાઇક સાથે ઉભેલો અશોક ચોખેલાલ શર્મા (રહે, સાનિધ્ય ટાઉનશીપ, બાપોદ પોલીસ સ્ટેશનની પાચક) પિસ્તોલ વેચવા માટે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી અશોકને ઝડપી પાડ્યો હતો. પોલીસે અંગ ઝડતી કરી તપાસ કરતાં તેના કમરના ભાગેથી દેશી પિસ્તોલ અને ખિસ્સામાંથી જીવતા 25 કારતૂસ મળી આવ્યા હતા.પોલીસે આશોક પાસેથી 20 હજારની કિંમત ધરાવતી દેશી પિસ્તોલ, 2500ની કિંમતના 25 નંગ જીવતા કારતૂસ, મોબાઇલ ફોન તથા બાઇક સહિત 77,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પાણીગેટ પોલીસે આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બે વર્ષ પેહલા પિસ્તોલ અને કારતૂસ UPમાંથી 20 હજારમાં ખરીદ્યા હતા પોલીસે પિસ્તોલ અને કારતુસ ક્યાંથી લાવવામાં આવ્યા છે અને કોને આપવાના છે તે અંગે આરોપીની પ્રાથમિક પૂછતાછમાં તેણે આ પિસ્તોલ અને કારતૂસ બે વર્ષ પહેલા ઉત્તરપ્રદેશ ખાતે રહેતા અજાણ્યા વ્યક્તિ પાસેથી 20 હજાર રૂપિયામાં ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસ દરમિયાન અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતા – પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપાયેલ અશોક ખરેખર કોઇને વેચવા ફરી રહ્યો હતો કે, કોઈ ગુનાને અંજામ આપવા માટે પિસ્તોલ અને કારતૂસ લાવ્યો હતો. અથવા તો કોઇને ડિલિવરી આપવા ઉભો હતો. તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.