સંતરામપુર : કડાણા તાલુકાના સરસ્વા (ઉત્તર) ગામે યુવકની હત્યા કેસમાં પોલીસ દોડતી થઈ હતી અને હુમલાખોર યુવકની ધરપકડ કરી હતી. કડાણા તાલુકાના સરસ્વા (ઉત્તર) ગામે 30મી સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્ર સંગાડાના ભત્રીજા વિશાલ સંગાડાની હત્યા કરવામાં આવી હતી. આ અંગે મૃતકના ભાઈએ ડિટવાસ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો. પરંતુ હુમલાખોર શખસ સામે કાર્યવાહી કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યાં હતાં. જેના કારણે શનિવારે રોષે ભરાયેલા 42 ગામના સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ડિટવાસ પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને આરોપીઓને સામે સખત હાથે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આખરે દોડતી થયેલી પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી પુછપરછ માટે એક દિવસના રિમાન્ડ મેળવ્યાં હતાં.
વિશાલ ચોક બનાવવામાં આવ્યો
આદિવાસી સમાજ દ્રારા જે જગ્યાએ વિશાલ સંગાડા ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. તે સ્થળ ઉપર રવિવારના રોજ એકત્ર થયાં હતાં અને વિશાલ સંગાડાની યાદમાં વિશાલ ચોક બનાવવામાં આવ્યો હતો. આ સમયે કડાણા તાલુકાના મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યાં હતાં.