નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે માત્ર 19 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે ઓસ્ટ્રેલિયાએ ખૂબ જ આરામથી હાંસલ કરી લીધો હતો. હવે બંને ટીમો વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બર (શનિવાર)થી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે.
એડિલેડ ટેસ્ટમાં હારનું સૌથી મોટું કારણ ભારતીય બેટ્સમેનોની નિષ્ફળતા હતી. બંને ઇનિંગ્સ સહિત ભારતીય ટીમ માત્ર 355 રન જ બનાવી શકી હતી, તેથી મેચ જીતવી મુશ્કેલ બની હતી. ભારતીય બોલરો પણ આ મેચમાં એટલા અસરકારક દેખાયા ન હતા.
ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઘણો મોંઘો સાબિત થયો હતો. હર્ષિતે 16 ઓવરમાં 5.40ના ઇકોનોમી રેટથી 86 રન આપ્યા હતા. રવિચંદ્રન અશ્વિનની સ્પિનનો જાદૂ પણ ચાલ્યો ન હતો. અશ્વિને 53 રનમાં માત્ર 1 જ વિકેટ ઝડપી હતી. ટ્રેવિસ હેડે મેદાનની ચારેતરફ અશ્વિનને શોટ ફટકાર્યા હતા.
હવે જો ભારતીય ટીમ આ શ્રેણીમાં જોરદાર વાપસી કરવા માંગે છે તો તેણે એડિલેડ ટેસ્ટમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ટાળવું પડશે. બેટિંગ હોય, બોલિંગ હોય કે ફિલ્ડિંગ, ભારતે ત્રણેય વિભાગોમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. હવે ભારતીય ટીમની આગામી કસોટી બ્રિસ્બેનના ગાબા મેદાનમાં થવાની છે. ગાબા ટેસ્ટમાં ભારતીય ટીમના પ્લેઇંગ-11માં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. ફાસ્ટ બોલર હર્ષિત રાણા ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.
તેની જગ્યાએ જમણા હાથના ફાસ્ટ બોલર આકાશ દીપને તક મળી શકે છે. જો કે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પણ દાવેદાર છે પરંતુ આકાશને મહત્વ આપવામાં આવી શકે છે. આકાશ દીપ ભારત માટે અત્યાર સુધીમાં 5 ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં તેના નામે 10 વિકેટ છે.
ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ગાબાની મેચમાંથી બહાર થઈ શકે છે. તેના સ્થાને રવીન્દ્ર જાડેજાને ગાબા ટેસ્ટમાં તક મળી શકે છે. જાડેજાની હાજરીથી ટીમને લેફ્ટ-રાઇટ કોમ્બિનેશનનો વિકલ્પ પણ મળશે અને ભારતની બેટિંગમાં ઉંડાણ આવશે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ ફેરફારની શક્યતા
ઓસ્ટ્રેલિયન ટીમ પણ ત્રીજી ટેસ્ટ મેચની પ્લેઈંગ 11માં ફેરફાર કરે તેવી શક્યતા છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ બ્રિસબેન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી કરી શકે છે. હેઝલવુડ સાઇડ સ્ટ્રેનને કારણે એડિલેડ ટેસ્ટમાં રમી શક્યો નહોતો. હેઝલવુડના આગમનના કિસ્સામાં સ્કોટ બોલેન્ડને પ્લેઇંગ-11માંથી બહાર રહેવું પડી શકે છે. ઓસ્ટ્રેલિયાએ હજુ ત્રીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી નથી.
બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતના સંભવિત પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
બ્રિસ્બેન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાના સંભવિત પ્લેઈંગ-11: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ હેઝલવૂડ