અમદાવાદ: આજે તા. 19 એપ્રિલની સવારે અમદાવાદના અસારવા વિસ્તારમાં મોટી દુર્ઘટના બની છે. અહીં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ધસી પડી હતી, જેના લીધે દિવાલની બાજુમાં રહેતા 5 લોકો દિવાલ નીચે દટાઈ ગયા હતા. તે પૈકી 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 3ને ગંભીર ઈજા થઈ હતી.
ઈજાગ્રસ્તોને 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરના જવાનો મદદે પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ દિવાલ નીચે દટાયેલા પાંચને બહાર કાઢી લીધા હતા. જેમાં 2ના ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા. 19 એપ્રિલની સવારે 10:30 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયરબ્રિગેડને મેસેજ મળ્યો હતો કે, અસારવા વિસ્તારમાં દુર્ઘટના થઈ છે. બેઠક નજીક દાદા હરી વાવની પાછળ રેલવે પેરેલ દિવાલ ધરાશાયી થઈ છે અને કેટલાક માણસો દબાયા છે. આ મેસેજ મળતા જ ફાયર બ્રિગેડની બે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે ફાયરબ્રિગેડના અધિકારીઓ ત્યાં ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલા જ સ્થાનિક લોકો દિવાલ નીચે જે દબાયા હતા તેમને બચાવવાની શરૂઆત કરી લીધી હતી.
ફાયરના અધિકારીઓ પાસેથી મળતી વિગત અનુસાર દિવાલ કેવી રીતે પડી ગઈ હતી તે જાણવા મળ્યું નથી. મૃતકો અને ઇજાગ્રસ્તો દિવાલ પાસે રહેતા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. 55 વર્ષીય માનસી કુનીરામ જાટવ અને 40 વર્ષીય સિદ્દીક પઠાણનું મોત થયું છે, જયારે 50 વર્ષીય ગણપતસિંહ ગજુસિંહ વાઘેલા, 37 વર્ષીય મહેન્દ્ર સેંધાજી ઠાકોર અને 40 વર્ષીય શહીદ નિઝામુદ્દીને ઇજા થઈ છે.