ખાનપુર : મહિસાગર જિલ્લામાં પાણીની અછત અને નીચા જતા જળસ્તરની સમસ્યાના નિરાકરણ માટે 75.67 કરોડના ખર્ચે કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત શિલાય અને શામણા તલાવમાંથી 35 તળાવો ભરવા માટેની યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં તબક્કા વાર તળાવો ભરવાની કામગીરી શરૂ થઈ છે. જે અંતર્ગત ભરાયેલા મોરવા હડફ વિધાનસભામાં આવતા 12 તળાવોમાં નદીના નિર આવતાં વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ રાજ્ય મંત્રી નિમિષાબહેન સુથારની અધ્યક્ષતામાં યોજાયો હતો.
મહિસાગર જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની અછતની બૂમ ઉઠી હતી. આથી, તાત્કાલિક 75.67 કરોડના ખર્ચે કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત શિયાલ અને શામણા તળાવમાંથી 35 તળાવો ભરવા માટેની યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં તબક્કા વાર તળાવો ભરવાની કામગીરી શરૂ થઇ છે, આજ રોજ આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં મોરવા હડફ વિધાનસભામાં આવતા 12 તળાવો જેમાં નસીકપુર, બોઈડીયા, રાફઈ, સાંઢપાળીયા, માંચોડ, ગોધર (પ) અને કાળીબેલ ખાતે જળ વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, અગ્રણી દશરથભાઇ બારીયા, રાવજીભાઇ પટેલ સહિત સરપંચો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવા નિરના વધામણા કરવામાં આવ્યા હતા. પંરપરાગત નૃત્ય સાથે રાજ્ય મંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
કાળીબેલ ખાતે સભાને સંબોધતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, પાણીની કિંમત ખેડૂતો અને મારી બહેનો જ સમજી શકે છે. રાજ્ય સરકાર દ્વારા સુજલામ-સુફલામ જળ અભિયાનને કારણે જિલ્લાના ઘણાં તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરાઇ છે. રાજ્ય સરકારના જળ સંચય અભિયાન દ્વારા પાણીને પ્રસાદ સમજીને વરસાદ રૂપે વરસેલાં પાણીનું ટીપે ટીપું જમીનમાં ઉતરે અને ધરતી માતાની તૃપ્ત ધરાંની તૃષા છીપાય તે માટે અભિયાન સ્વરૂપે કાર્ય કરી રહી છે, તળાવ ભરવાના આવાં મહત્વપૂર્ણ કામોથી કુવા, બોર રીચાર્જ ચોક્કસ થશે. મહીસાગર જિલ્લામાં પાણીની અછત અને નીચા જતાં જળસ્તરની સમસ્યાના નિરાકરણ માટે ઉદવહન યોજનાઓના માધ્યમથી તળાવો ભરવાની કામગીરી શરૂ કરી નેવાનું પાણી મોભે ચઢાવવાનું કામ સરકાર કરી રહી છે.
આ પ્રસંગે સંતરામપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઇ, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યઓ, કાળીબેલ સરપંચ કૈલાસબેન ખાંટ, અગ્રણી મહેન્દ્રભાઇ પટેલ, સંજયભાઇ પટેલ, ભરતભાઇ, રાજુભાઇ, શૈલેષભાઇ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિસાગર જિલ્લામાં 185 કરોડના ખર્ચે તળાવો ભરવાની જોગવાઇ કરવામાં આવી હતી. જેમાં 75.67 કરોડના ખર્ચે કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત શિયાલ અને શામણા તળાવમાંથી 35 તળાવો ભરવાની યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત શિયાલ પમ્પીંગ સ્ટેશનથી સંતરામપુરના 12 અને કડાણા તાલુકાના છ મળી કુલ 18 તળાવો તેમજ શામણા પમ્પીંગ સ્ટેશનથી સંતરામપુરના 13 અને લુણાવાડાના 4 તળાવો મળી કુલ 17 તળાવો ભરવામાં આવશે.