ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરના પોડકાસ્ટમાં IPLમાંથી નિવૃત્તિના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. ચેપોકમાં CSK અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ જોવા માટે ધોનીના માતા-પિતા પણ સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે ધોનીની નિવૃત્તિની અફવાએ જોર પકડ્યું. જોકે ધોનીના નિવૃત્તિના સમાચાર અફવા સાબિત થયા કારણ કે તેણે મેચ પછી આવી કોઈ જાહેરાત કરી ન હતી.
ધોનીએ હવે આ અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે અને રાજ શમાનીના પોડકાસ્ટમાં ચાહકોને ખાતરી આપી છે કે તે આ સિઝનના અંતમાં નિવૃત્તિ લેવાનો નથી. ધોનીએ કહ્યું કે તે 44 વર્ષની ઉંમરે પણ રમી શકે છે કે નહીં તે જોવા માટે તે પોતાના શરીરને આઠ મહિના આપશે. તેની પાસે હજુ પણ સમય છે કે તે આ લીગને અલવિદા કહેશે કે નહીં.
ધોનીએ કહ્યું- શરીર નક્કી કરશે
ધોનીએ પોડકાસ્ટમાં કહ્યું, ના, હમણાં નહીં, હું હજુ પણ IPLમાં રમી રહ્યો છું. હું વસ્તુઓ સરળ રાખું છું અને તેને એક વર્ષ આપું છું. હું અત્યારે 43 વર્ષનો છું અને 2025માં IPL પૂરી થાય ત્યાં સુધીમાં 44 વર્ષનો થઈશ. આ પછી મારી પાસે 10 મહિનાનો સમય હશે કે હું આગળ રમી શકીશ કે નહીં. પણ આ હું નક્કી કરતો નથી, મારું શરીર જ આ નક્કી કરશે.
સીએસકે મેચ પછી કોચ સ્ટીફન ફ્લેમિંગને પણ આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ અંગે ફ્લેમિંગે કહ્યું હતું કે નિવૃત્તિ અંગે ધોની સાથે તેમની કોઈ ચર્ચા થઈ નથી. ધોનીની નિવૃત્તિ અંગે ફ્લેમિંગે કહ્યું, ના, તેની સફરનો અંત લાવવાનું મારું કામ નથી. મને કંઈ ખબર નથી. મને તેની સાથે કામ કરવાની મજા આવે છે. તે હજુ પણ મજબૂત બની રહ્યો છે. હું આજકાલ પૂછતો પણ નથી. તમે લોકો જ આ વિશે પૂછો છો.
