Madhya Gujarat

મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહને કેબિનેટમાં સ્થાન મળ્યું

આણંદ : રાજ્ય સરકારમાં ધરખમ ફેરફાર કરી ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધાના એંધાણ આપી દીધાં છે. આ ફેરફારમાં વધુ એક વખત જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રખાયું છે. ખાસ કરીને ચરોતર પંથકને લાગે વળગે છે, ત્યારે ક્ષત્રિય – ઠાકોર મતો અંકે કરવા ભાજપે સોગઠી મારી છે.  મુખ્યમંત્રી ભલે પટેલ બન્યાં, પરંતુ મંત્રી તરીકે ચરોતરના બે ક્ષત્રિયને આગળ કર્યાં છે. કેન્દ્રમાં દેવુસિંહ બાદ અર્જુનસિંહને પણ મંત્રીપદ આપવામાં આવ્યું છે.

રાજ્યના નવા મંત્રી મંડળમાં બે દિવસથી ચાલતા ઘમાસણ બાદ ગુરૂવાર સવારે આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ બનેલા નવા મંત્રી મંડળમાં 25 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર પણ કળશ ઢોળાતાં ખેડા ભાજપમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે. કેન્દ્રમાં દેવુસિંહ બાદ રાજ્ય કક્ષાએ અર્જુનસિંહને સ્થાન મળતાં મધ્ય ગુજરાતના ક્ષત્રિય મતો અંકે કરવાનું ગણિત કેટલું સાચું પડે છે ? તે ચૂંટણીના પરિણામ બાદ ખ્યાલ આવશે.

મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને કેબિનેટ મંત્રીમાં સ્થાન મળ્યું છે. તેઓ 45 વર્ષના છે અને બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. હાલ તેમની પાસે 12.57 લાખની સંપત્તિ છે. વ્યવસાય તરીકે પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર ચલાવે છે. રાજકીય કારકિર્દીમાં 2020-21માં ખેડા જિલ્લા પ્રમુખ તરીકે નિમાયાં છે. તે પહેલા 2016-17માં ખેડા જિલ્લા મહામંત્રી રહી ચુક્યા છે. તેઓ 2017ની વિધાનસભામાં જંગી બહુમતીથી જીત્યાં હતાં. તેઓ 20 વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા તરીકે રહ્યા છે. આ ઉપરાંત મુખ્ય દંડક તરીકે પંકજભાઈ દેસાઇ યથાવત રહેતાં ભાજપ છાવણીમાં આનંદની લાગણી ફેલાઇ હતી. મોડી સાંજે જાહેર કરાયેલી યાદીમાં અર્જુનસિંહને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણનું ખાતું સોંપવામાં આવ્યું હતું.  ખેડા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

Most Popular

To Top