મુંબઈઃ (Mumbai) લોકસભા ચૂંટણી (Election) પહેલા મહારાષ્ટ્રમાં શબ્દયુદ્ધ તેજ થઈ ગયું છે. પક્ષોના નેતાઓ તેમના વિરોધ પક્ષોના નેતાઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. દરમિયાન મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીને એમવીએમાંથી ચૂંટણી લડવાની ઓફર કરી છે. હવે તેમની ઓફર પર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ઠાકરેના નિવેદન સામે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે.
પૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ભાજપ છોડીને મહા વિકાસ અઘાડી (MVA)માં જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન બાદ મુંબઈથી લઈને દિલ્હી સુધી રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ મામલે NCP સાંસદ સુપ્રિયા સુલેનું નિવેદન પણ સામે આવ્યું છે.
ગુરુવારે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે નીતિન ગડકરીએ ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. અમે એમવીએથી ચૂંટણી લડીને તેમને જીતાડીશું. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા જ ભાજપના 195 ઉમેદવારોના નામની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં વડાપ્રધાન સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓના નામ હતા પરંતુ તેમાં નીતિન ગડકરીનું નામ નથી. આ યાદીમાં ભ્રષ્ટ કૃપા શંકરનું નામ હતું પણ સૌથી વધુ કામ કરનાર નેતાનું નામ નથી.
મહારાષ્ટ્ર ક્યારેય દિલ્હી સામે ઝૂક્યું નથી – ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નીતિન ગડકરીજીએ તેમને બતાવવું જોઈએ કે મહારાષ્ટ્ર શું છે. મહારાષ્ટ્ર ક્યારેય દિલ્હી સામે ઝૂક્યું નથી અને ક્યારેય ઝૂકશે નહીં. તમે મહારાષ્ટ્રમાં બીજેપીનો આધાર બનાવવા માટે ઘણા વર્ષો સુધી મહેનત કરી છે પરંતુ તમારું નામ યાદીમાં નથી. તમે ભાજપ છોડી દો. અમે તમને MVA થી ચૂંટણી જીતાડશું.
દેવેન્દ્ર ફડણવીસે વળતો પ્રહાર કર્યો
ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી માત્ર બેન્ડ બાજા સાથે જ રહી ગઈ છે. તેઓ અમારી પાર્ટીના મોટા નેતાને સીટ ઓફર કરી રહ્યા છે. આ એ જ પ્રકારનો વિકાસ છે જે શેરીમાં એક માણસ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની વાત કરે છે. ગડકરીના નામની જાહેરાત ન થવા પર તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હજુ સુધી સીટોની જાહેરાત કરવામાં આવી નથી. અત્યારે અમે ગઠબંધનના ભાગીદારો સાથે વાતચીત કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં સીટોની જાહેરાત કરવામાં આવશે.