મહારાષ્ટ્ર: મરાઠા આરક્ષણના (Maratha Reservation) મુદ્દાએ મહારાષ્ટ્રના (Maharashtra) રાજકારણમાં નવી ઉથલપાથલ મચાવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં અનામતની માંગ સાથે હિંસક પ્રદર્શનો થવા લાગ્યા છે. હવે મરાઠા આંદોલનકારીઓનો ગુસ્સો રાજનેતાઓ પર પણ વધવા લાગ્યો છે. એક તરફ રાજ્યના બીડમાં એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરે તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી, ત્યારે હવે છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં ભાજપના ધારાસભ્ય પ્રશાંત બંબની ઓફિસમાં પણ તોડફોડની ઘટના સામે આવી છે.
મહારાષ્ટ્રની ગંગાપુર સીટ પરથી ભાજપના ધારાસભ્ય પ્રશાંત બંબ પર પણ મરાઠા આંદોલનકારીઓ નારાજ છે. ઉગ્ર આંદોલનકારીઓએ છત્રપતિ સંભાજી નગર જિલ્લાના ગંગાપુર તાલુકામાં સ્થિત પ્રશાંત બંબની ઓફિસમાં તોડફોડ કરી છે. અગાઉ, આંદોલનકારીઓએ બીડમાં એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસસ્થાનમાં તોડફોડ કરી હતી અને તેને આગ લગાવી દીધી હતી. ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ જણાવ્યું હતું કે હુમલો થયો ત્યારે તેઓ તેમના ઘરની અંદર હતા.ૉ
મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા આંદોલનકારીઓ હવે સરકારી કચેરીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. સોમવારે તોફાનીઓએ બીડ જિલ્લાના માજલગાંવ તાલુકામાં મ્યુનિસિપલ કાઉન્સિલ ઓફિસને આગ લગાવી દીધી હતી. આશરે 4000ના ટોળાએ માજલગાંવ મ્યુનિસિપલ કાઉન્સિલ ઓફિસ પર હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તોફાનીઓ તેમની સાથે જ્વલનશીલ પદાર્થો લાવ્યા હતા અને તોફાનીઓએ લગભગ 2 કલાક સુધી સિટી કાઉન્સિલ ઓફિસમાં અરાજકતા ફેલાવવાનું ચાલુ રાખ્યું હતું. આ આગમાં ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ બળીને રાખ થઈ ગયા હતા.
સીએમ એકનાથ શિંદેએ પણ મરાઠા આરક્ષણ સમર્થકો દ્વારા એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકેના બીડના આવાસ પર થયેલા હુમલા પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મનોજ જરાંગે પાટીલે એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે આ વિરોધ શું વળાંક લઈ રહ્યો છે. આ ખોટી દિશામાં જઈ રહ્યું છે. તે જ સમયે, NCP નેતા સુપ્રિયા સુલેએ આ ઘટના માટે રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલયને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે આ જવાબદારી ગૃહ મંત્રાલયની છે કે ગૃહમંત્રીની, તેઓ શું કરી રહ્યા છે?