જુનાગઢ: જુનાગઢના (Junagadh) ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુએ (RajBharti Bapu) પોતાની જ રિવોલ્વરથી પોતાના લમણે ગોળી મારી જીવન ટૂંકાવી લીધું છે. દારૂ પીતો વીડિયો અને મહિલા સાથે અશ્લીલ વાતો કરતા હોવાનો મહંતનો ઓડિયો વાયરલ થયા બાદ મહંતે બદનામીના ડરથી આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહંત રાજ ભારતીબાપુ જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય હતા.
- રાજભારતી બાપુએ ખડિયા ગામની પોતાની વાડીમાં લાયસન્સવાળી રિવોલ્વરથી પોતાને જ ગોળી મારી: હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ રાજભારતી બાપુનું નિધન થયું
- થોડા દિવસો પહેલાં રાજભારતી બાપુનો દારૂ પીતો વીડિયો અને મહિલાઓ સાથે પ્રેમાલાપ કરતી ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી
- બદનામી થવાના પગલે ડિપ્રેશનમાં આવી જઈ મહંત રાજભારતી બાપુએ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ: પોલીસે તપાસ હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ ભારતી બાપુએ પોતાની ખડિયા ગામ ખાતે આવેલી વાડીમાં જાતે જ પોતાને ગોળી મારી જીવન ટૂંકાવ્યું છે. મહંત પાસે લાયસન્સવાળી રિવોલ્વર હતી. રિવોલ્વર લમણે મુકી ગોળી મારી દીધી હતી. મહંતને લોહીલુહાણ હાલતમાં નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. મહંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ પહેલાં મહંતની વાંધાજનક વીડિયો અને ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી
રાજ ભારતી બાપુ છેલ્લાં કેટલાંક દિવસોથી વિવાદોમાં સપડાયા હતા. બાપુની કેટલીક મહિલા સાથેની વોટ્સએપ વોઈસ મેસેજની ક્લીપ વાયરલ થઈ હતી. મહિલાઓ સાથે પ્રેમભરી વાતો કરતા હોઈ તેવી આ ઓડિયો ક્લીપ હતી. તે ઉપરાંત એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મહંત દારૂ પીતા નજરે પડે છે. સિગારેટ પીતા હોવાની એક તસવીર પણ ફરતી થઈ હતી. આવા વીડિયો, ઓડિયો અને ફોટા વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં બાપુ પ્રત્યે રોષ વ્યાપી ગયો હતો. તેથી મહંત ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. બદનામીથી ડરી મહંતે જીવન ટૂંકાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મંહત વિરુદ્ધ એક પત્ર ફરતો થયો હતો
વીડિયો, ઓડિયો ક્લીપ ફરતી થયા બાદ મહંત રાજ ભારતી બાપુ વિરુદ્ધ ભક્તોમાં રોષ વ્યાપી ગયો હતો. તેમના વીડિયો-ઓડિયો ટોક ઓફ ધી ટાઉન બન્યા હતા. મહિલા સાથેની વાતચીતનો ઓડિયો ખૂબ વાયરલ થયો હતો. આ ઓડિયો ક્લીપની સાથે રાજ ભારતી બાપુનો એક પત્ર પણ વાયરલ થયો હતો, જેમાં બાપુ વિશે ચોંકાવનારા ઘટસ્ફોટ કરાયા હતા. રાજ ભારતી બાપુને અનેક મહિલાઓ સાથે સંબંધ હોવાનો તેમજ તે વિધર્મી હોવાના આક્ષેપ પત્રમાં કરાયા હતા. રાજભારતી બાપુ મુસ્લિમ હોવાનો આ પત્રમાં આક્ષેપ કરાયો હતો.