અલીરાજપુર: મધ્યપ્રદેશના (Madhya Pradesh) અલીરાજપુર (Alirajpur) જિલ્લામાં યોજાયેલ એક અનોખા લગ્ન (Marriage ) ખૂબ જ ચર્ચામાં છે. અહીં ગામના સરપંચે તેની ત્રણ ગર્લફ્રેન્ડ (Three Girl Friend) સાથે મળીને સાત ફેરા લીધા. તેમના 6 બાળકોની હાજરીમાં આદિવાસી પરંપરા મુજબ ચારેયના લગ્ન થયા. આ જ મંડપ નીચે સેંકડો સ્વજનો આ અનોખા લગ્નના સાક્ષી બન્યા હતા. ખાસ વાત એ છે કે ત્રણેય મહિલાઓ લગભગ 15 વર્ષથી આ વ્યક્તિ સાથે રહે છે. જિલ્લાના નાનપુર ગામના સરપંચ સમર્થ મૌર્યએ રવિવારે પોતાની ત્રણ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. આદિવાસી પરંપરા મુજબ લગ્નની વિધિઓ ત્રણ દિવસ સુધી ચાલી હતી અને મૌર્ય તેની ત્રણ પ્રેમિકાઓને એક પેવેલિયન નીચે એકસાથે લઈ ગયા હતા.
તેણે વર્ષ 2003માં તેની પ્રથમ ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી હતી અને છેલ્લા 15 વર્ષથી તેની અન્ય બે ગર્લફ્રેન્ડ પણ તેની સાથે રહે છે. આદિવાસી બહુલ જિલ્લાના મોરી ફળિયા ગામમાં યોજાયેલા લગ્નનું આમંત્રણ કાર્ડ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
આ બે કારણના લીધે આટલા વર્ષો પછી લગ્ન કર્યા
સમર્થ મૌર્યના લગ્નથી પરિવારના તમામ સભ્યો અને ખાસ કરીને બાળકો ખૂબ જ ખુશ છે. પિતાની શોભાયાત્રામાં બાળકોએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. મોટા થઈને બાળકોને સમાજના ટોણા સાંભળવા ન પડે એટલે સમર્થે 15 વર્ષ લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા પછી લગ્ન કરી લીધા. લગ્ન કરવાનું બીજું કારણ એવું છે કે પતિ-પત્ની તરીકે આદિવાસીઓના શુભ કાર્યમાં સામેલ થવા માટે સામાજિક માન્યતા પ્રાપ્ત કરવી જરૂરી છે. આ માટે આ સમુદાયના દરેક યુગલે પહેલા આદિવાસી રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરવાના હોય છે. સમાજના લોકો કહે છે કે હવે વરરાજા અને તેની ત્રણ દુલ્હનોને માંગલિક સમારોહમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવશે. લગ્ન ગેરકાયદેસર નથી.
અમે તમને જણાવી દઈએ કે ભારતીય બંધારણની કલમ 342 આદિવાસી રીત-રિવાજો અને વિશિષ્ટ સામાજિક પરંપરાઓનું રક્ષણ કરે છે, તેથી આ અનુચ્છેદ અનુસાર, સમર્થ મૌર્યના એકસાથે ત્રણ દુલ્હન સાથેના લગ્ન ગેરકાયદેસર માનવામાં આવશે નહીં.
વલસાડમાં 9મી મેના રોજ બે પ્રેમિકા સાથે એક યુવક લગ્ન કરવાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા
વલસાડ : વલસાડના (Valsad) આદિવાસી વિસ્તાર ગણાતા કપરાડામાં અનેક પુરુષોને (Men) એકથી વધુ પત્ની (Wife) હોવાની વાત સામાન્ય છે. અનેક કિસ્સામાં એક જ ઘરમાં બે પત્નીઓ હળી મળીને પણ રહેતી હોવાના કિસ્સા જોવા મળી શકશે, પરંતુ એક સાથે બે મહિલા (Women) સાથે લગ્ન (Marriage) કરવાની ઘટના જ્વલ્લે જ જોવા મળતી હોય છે. આવી જ એક ઘટના આગામી 9 મી મેના રોજ બનવા જઇ રહી છે. એક યુવક બે મહિલા સાથે એક જ લગ્ન મંડપમાં લગ્નના મંગળફેરા ફરશે.
વાત છે, વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામની. અહીં રહેતો અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલો પ્રકાશ હરજીભાઇ ગાંવિત નાનાપોંઢા ગામના મંગળભાઇની પુત્રી અને મોટી વહિયાળ ગામના રમેશભાઇની પુત્રી મળી બે કન્યા સાથે લગ્ન કરી બંનેને એક જ મંડપમાં મંગળસૂત્ર પહેરાવશે. જેના માટે તેણે કંકોત્રી પણ છપાવી છે અને આ કંકોત્રીમાં એક વર અને બે વધુના નામ હોય સોશ્યલ મિડિયામાં તે વાઇરલ થઇ છે. ત્યારે આ અંગે આદિવાસી પંથક સાથે શહેરી વિસ્તારમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.